37 સાલ બાદ મણિ રત્નમ અને કમલ હાસન... ફિર સે એક સાથ!

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
37 સાલ બાદ મણિ રત્નમ અને કમલ હાસન... ફિર સે એક સાથ! 1 - image


- શિશિર રામાવત

- કમલ હાસન - મણિ રત્નમ  

ડિ રેક્ટરઃ મણિ રત્નમ. એક્ટરઃ કમલ હાસન, અને સંગીતકારઃ એ. આર. રહેમાન! આના કરતાં વધારે ખતરનાક કોમ્બિનેશન બીજું કયું હોવાનું! ગયા વર્ષે કમલ હાસને પોતાના બર્થડે પર ઘોષણા કરી હતી કે હું હવે મણિ રત્નમના ડિરેક્શનમાં બનનારી ફિલ્મમાં કામ કરવાનો છું. આ ફિલ્મ એટલે 'ઠગ લાઇફ', જેનું પોણા ભાગનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. મણિ રત્નમનો બર્થડે બીજી જૂને ગયો. તેમણે ૬૮ વર્ષ પૂરાં કર્યાં. 

મણિરત્નમ અને કમલ હાસને પહેલી વાર 'નાયકન' (૧૯૮૭)માં સાથે કામ કર્યું હતું. બન્નેનો મેળાપ શી રીતે થયો તે વાત ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. મણિ રત્નમને ઇન્ડસ્ટ્રીમાં ચારેક વર્ષ થઈ ગયાં હતાં. આટલા સમયગાળામાં તેઓ પાંચ તમિળ ફિલ્મો બનાવી ચૂક્યા હતા. પાંચમી ફિલ્મ 'મૌન રાગમ્' (૧૯૮૬) ખાસ્સી વખણાઈ હતી. એક દિવસ મુક્તા શ્રીનિવાસન નામના પ્રોડયુસર મણિ રત્નમને મળવા આવ્યા. કમલ હાસન એમને મોકલ્યા હતા. કમલ હાસન તો એ વખતેય ભારતીય સિનેમાનું બહુ મોટું નામ.  નિર્માતાએ કહ્યુંઃ 'ઉત્તર દિશા તરફ મોઢું કર અને કમલસરે તારા માટે આ કવર મોકલ્યું છે તે ખોલ.' મણિ રત્નમને થયું કે કવરમાં સાઇનિંગ અમાઉન્ટ જેવું કંઈ હશે કે શું? કવરમાં રોકડ કે ચેક-બેક તો નહોતો, પણ એક હિન્દી ફિલ્મની વીડિયો કેસેટ હતી. નિર્માતા કહેઃ કમલસરે કહ્યું છે કે તું આ ફિલ્મ જોઈ લે. મણિ રત્નમને રીમેક બનાવવામાં રસ નહોતો, પણ નિર્માતાએ બહુ આગ્રહ કર્યો એટલે એમણે કહ્યુઃ ભલે. હું જોઈ લઈશ.

તે હિન્દી ફિલ્મ હતી, શમ્મી કપૂરની 'પગલા કહીં કા' (૧૯૭૦). આમાં શમ્મી કપૂરના કિરદારને પાગલખાનામાં દાખલ કરવા પડે છે તેવી વાત છે. મણિ રત્નમ કહે છેઃ મારાથી આ ફિલ્મ સહન ન થઈ. (આ ખુદ મણિ રત્નમના શબ્દો છે. ન ખાતરી થતી હોય તો વાંચી લો બારદ્વાજ રંગન લિખિત 'કન્વર્સેશન્સ  વિથ મણિ રત્નમ' નામનું અફલાતૂન પુસ્તક.) મણિ રત્નમને ખાતરી થઈ ગઈ કે હું આના પરથી તમિળ રીમેક નહીં જ બનાવું. બીજા દિવસે નિર્માતા મળવા આવ્યા ત્યારે એમને કહ્યુઃ સાહેબ, મને આ નહીં ફાવે, તમે બીજા કોઈ ડિરેક્ટરને પકડો, જે તમને આના પરથી સરસ તમિળ રીમેક બનાવી આપી શકે. નિર્માતા એમ કંઈ સહેલાઈથી માને એવા નહોતા. એ કહેઃ મારી સાથે કારમાં બેસી જાઓ. એવીએમ સ્ટુડિયોમાં કમલસરનું શૂટિંગ ચાલી રહ્યું છે. તમે એમને મળી લો અને મને જે કહ્યું તે એમને મોઢામોઢ કહી દો.

મણિ રત્નમ લંચબ્રેકમાં કમલ હાસનને મળ્યા. એમણે એ જ વાત દોહરાવી કે કમલસર, 'પગલા કહીં કા' મારા ટાઈપની ફિલ્મ નથી, મને એના પરથી તમિળ રીમેક બનાવતાં નહીં જ ફાવે. કમલ હાસને પૂછયુઃ 'તો તમને કેવી ફિલ્મ બનાવવાનું ફાવે એ બોલ. મેં તો 'પગલા કહીં કા'ની વીડિયો કેસેટ તને એટલા માટે મોકલાવી હતી કે તે બહાને આપણી વચ્ચે વાતચીતની શરૂઆત થાય.'

મણિ રત્નમ તો ના પાડવા ગયા હતા, પણ જ્યારે કમલ હાસનના સ્તરનો અભિનેતા સામેથી પૂછે કે તને કેવી ફિલ્મ બનાવવી ગમે, તો આવી તક થોડી જતી કરાય? મણિ રત્નમ કહેઃ 'સર, મને બે સંભાવના દેખાય છે. કાં તો શહેરમાં આકાર લેતી એકદમ સ્ટાઇલિશ એક્શન ફિલ્મ બનાવી શકાય. 'ડર્ટી હેરી' કે 'બિવર્લી હિલ્સ કોપ' યા તો જેમ્સ બોન્ડ ટાઇપની ફિલ્મ. તમિળમાં આવી ફિલ્મો ખાસ બની નથી. નહીં તો પછી બીજી શક્યતા એવી છે કે આપણે વરદરાજા મુદલિયારના જીવન પરથી ફિલ્મ બનાવીએ.'

વરદરાજા મુદલિયાર એટલે મુંબઈનો એક જમાનાનો ડોન. ચેન્નાઈમાં બી.કોમ. કર્યા. પછી મણિ રત્નમે એમબીએ કરવા મુંબઈની જમનાલાલ બજાજ ઈન્સ્ટિટયુટ ઓફ્ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી એડમિશન લીધું હતું. ૧૯૭૫-'૭૭નો એ સમયગાળો. વરદરાજા મુદલિયારનું તે વખતે મુંબઈમાં રાજ ચાલે. માટુંગા વિસ્તારના લોકો એને રીતસર ભગવાનની જેમ પૂજતા. મણિ રત્નમને ભારે નવાઈ લાગતી કે આ વળી કેવું! આમ કેવી રીતે લોકો પોતાના જેવા જ એક કાળા માથાના માનવીને પોતાનો ભગવાનને સમકક્ષ માની શકે? તમિલનાડુમાંથી એક માણસ બોમ્બે જેવા મહાનગરમાં આવે છે, અહીં પોતાનું રજવાડું સ્થાપે છે, ગુંડાગીરી કરે છે અને છતાં લોકોનો આટલો બધો પ્રેમ મેળવે છે - આ આખી વાતમાં, વરદરાજા મુદલિયારના વ્યક્તિત્ત્વમાં મણિ રત્નમને પોતે એમબીએ કરતા હતા ત્યારથી ભારે રસ પડયો હતો.

આ જ વાત એમણે કમલ હાસનને કહી. કમલ હાસન કહેઃ 'ભલે. આપણે આ ફિલ્મ કરીએ છીએ.' વાત પાકી થઈ ગઈ. આ ફિલ્મ એટલે 'નાયકન'. મણિ રત્નમને 'મૌન રાગમ્' માટે ફાયનાન્સર-પ્રોડયુસર શોધતાં પાંચ વર્ષ લાગ્યાં હતાં, જ્યારે 'નાયકન'ને દસ જ મિનિટમાં ગ્રીન સિગ્નલ મળી ગયું! કમલ કહેઃ 'જુઓ, અત્યારે સપ્ટેમ્બર ચાલે છે. આપણે જાન્યુઆરીમાં શૂટિંગ શરૂ કરી દઈએ.' મણિ રત્નમ તે વખતે ઓલરેડી 'અગ્નિ નટચતિરમ્' નામની બીજી એક ફિલ્મની તૈયારી કરી રહ્યા હતા ને એનું શૂટિંગ જાન્યુઆરીમાં શરૂ થવાનું હતું. બબ્બે ફિલ્મો એકસાથે શૂટ કરવાનું ફાવતું નહોતું એટલે મણિ રત્નમે પછી 'અગ્નિ નટચતિરમ્'ને અધવચ્ચેથી અટકાવી દઈને ફ્ક્ત 'નાયકન' પર ફોકસ કરવાનું નક્કી કર્યું. 

મણિ રત્નમમાંથી મણિ સર!

'ગોડફાધર'ની અસર ધરાવતી સુપરહિટ 'નાયકન' માત્ર તમિળ સિનેમાની જ નહીં, ભારતની ઓલટાઇમ ગ્રેટ ફિલ્મોમાંની એક સાબિત થઈ. માત્ર ગ્રેટ નહીં, પણ ક્લાસિક. શ્રે અને ક્લાસિક ફિલ્મમાં ફર્ક એ હોય છે કે ક્લાસિક જોઈને બીજા મેકરો ફિલ્મ કેવી રીતે બનાવાય તે શીખે છે. તેથી જ આપણે ત્યાં 'મધર ઇન્ડિયા', 'પ્યાસા', 'મોગલ-એ-આઝમ', 'શોલે' વગેરેને 'ક્લાસિક ફિલ્મો' કહેવામાં આવે છે. મણિ રત્નમ 'નાયકન' પછી જ 'મણિસર' બન્યા. 'નાયકન' પરથી પછી ફિરોઝ ખાને 'દયાવાન' (૧૯૮૮) નામની હિન્દી રિમેક બનાવી હતી, જેમાં વિનોદ ખન્નાએ કમલ હાસનવાળો રોલ કર્યો. માધુરી દીક્ષિત હિરોઈન હતી. 'નાયકન'ની તુલનામાં 'દયાવાન' અતિ સાધારણ પૂરવાર થઈ.

...અને હવે, ૩૭ વર્ષના વહાણાં વાઈ ગયા પછી, કમલ હાસન અને મણિ રત્નમ પાછા ભેગા થયા છે. એમની આગામી 'ઠગ લાઇફ' નામની ફિલ્મનાં ટીઝર જોયાં તમે? મસ્ત છે. આ કોઈ રણપ્રદેશ જેવા વિસ્તારમાં આકાર લેતી એક્શન ફિલ્મ છે, જેમાં કમલ હાસનનું કેરેક્ટર માર્શલ આર્ટસના પ્રયોગ દ્વારા દુશ્મનોની બેન્ડ બજાવે છે. 'ઠગ લાઇફ' આ વર્ષના અંતે રિલીઝ થાય તેવી સંભાવના છે.

છેલ્લે એક આડવાત. ૧૯૮૭માં 'નાયકન' રિલીઝ થઈ અને પછીના વર્ષે મણિ રત્નમે સુહાસિની ચારુહાસન નામની એક્ટ્રેસ સાથે લગ્ન કર્યાં. ચારુહાસન એટલે કમલ હાસનના સગા ભાઈ. આ ન્યાયે, કમલ હાસન, મણિ રત્નમના કાકા-સસરા થાય! 'નાયકન' અમેઝોન પ્રાઇમ વીડિયો પર અવેલેબેલ છે. જોજો. સાથે સાથે યુટયુબ પર 'ઠગ લાઇફ'ના ટીઝર્સ પણ જોજો. મોજ પડશે. 


Google NewsGoogle News