આદિત્ય દેશમુખનું જિદ્દી દિલ માંગે મોર .
'ઝિ દ્દી દિલ માને ના', 'પ્યાર તૂને ક્યા કિયા' જેવી ધારાવાહિકોમાં જોવા મળેલા અભિનેતા આદિત્ય દેશમુખે હવે 'સુહાગન'માં એન્ટ્રી લીધી છે. આ શોમાં લીપ આવ્યા પછી આદિત્યને તેમાં નેગેટિવ ભૂમિકા ભજવવાની તક મળી છે.
અભિનેતા કહે છે કે 'સુહાગન'માં મને મુખ્ય પાત્ર 'કૃષ્ણા'ના મોટાભાઈ 'વિક્રમ'નો રોલ કરવાનો મોકો મળ્ય છે. 'વિક્રમ'ને તેના નાના ભાઈની ઈર્ષ્યા આવે છે. તે માને છે કે કામ બધું હું કરું અને સઘળો યશ 'કૃષ્ણા' લઈ જાય છે. નાના ભાઈની અદેખાઈમાં બળતો 'વિક્રમ' તેની માતાને સતત 'કૃષ્ણા' વિરુદ્ધ ચડાવે છે, પરંતુ તે પોતે 'કૃષ્ણા' સામે સારો થઈને જ રહે છે.
આદિત્ય કહે છે કે મેં છેલ્લે વર્ષ ૨૦૨૦માં નેગેટિવ ભૂમિકા ભજવી હતી. ત્યાર પછી મેં બધા પોઝિટિવ પાત્રો અદા કર્યા છે. તેથી 'વિક્રમ'નું કિરદાર અદા કરવાની મને મઝા આવે છે. હકીકતમાં નકારાત્મક પાત્રોમાં અભિનયના વિવિધ પાસાં રજૂ કરવાની ઉજળી તક મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આદિત્યની છેલ્લે આવેલી ધારાવાહિક 'લગ જા ગલે' અચાનક ઑફ એર થતાં તેને આંચકો લાગ્યો હતો. પરંતુ તરત જ 'સુહાગન'માં કામ મળી જતાં અભિનેતાને મોટી રાહત થઈ હતી. તેણે કહ્યું હતું કે અમે અમારાં પાત્રો માટે પુષ્કળ મહેનત કરીએ છીએ. હું 'લગ જા ગલે' સાથે સંકળાયો ત્યાર પછી માત્ર દોઢ મહિનામાં તેના ઉપર પડદો પાડી દેવામાં આવ્યો. સદનસીબે મને આ શોમાં તરત જ કામ મળી ગયું અને મને ફરજિયાત બ્રેક લેવાની જરૂર ન પડી.
જોકે આ વખતે આદિત્યના નસીબ કામ કરી ગયાં. બાકી આ ઇન્ડસ્ટ્રીમાં આવવા અને ટકવા અભિનેતાએ ઘણો સંઘર્ષ કર્યો છે. તેને ટચૂકડા પડદે આવ્યે એક દશક જેટલો સમય થઈ ગયો છે. આ વર્ષો દરમિયાન તેણે 'પુનર્વિવાહ', 'બડે અચ્છે લગતે હૈં', 'સાવધાન ઇન્ડિયા', 'ગુમરાહ-૪ અને ૫', 'વીરા', 'કવચ મહાશિવરાત્રિ', 'કસૌટી ઝિંદગી કી-૨' જેવી પચીસેક સિરીયલોમાં કામ કર્યું છે. આ મુકામ સુધી પહોંચવા તેણે પુષ્કળ સંઘર્ષ કર્યો છે. અભિનેતા કહે છે કે હું આ ક્ષેત્રે સંકળાયો તેનો પહેલો દિવસ મને આજે પણ યાદ છે. હકીકતમાં એ ખુશી એવી હતી જેને હું શબ્દોમાં ન વર્ણવી શકું. હા, આ એક દાયકા દરમિયાન મેં ઘણા ચડાવઉતાર જોયા છે. મને સફળતા કરતાં નિષ્ફળતા વધુ મળી છે, પરંતુ હું ક્યારેય હિમ્મત નથી હાર્યો.
બધા કલાકારોની જેમ આદિત્યના જીવનમાં પણ ઘણી યાદગાર ક્ષણો અને પ્રોજેક્ટ્સ આવ્યાં છે. તે કહે છે કે 'બડે અચ્છે લગતે હૈં' મારી કારકિર્દીની યાદગાર સિરીયલ છે. અલબત્ત, મારા માટે મારા બધા શો ખાસ જ છે. મને મરાઠી ફિલ્મોમાં કામ કરવાની તક પણ મળી છે. મેં સ્વપ્નિલ જોશી, સુબોધ ભાવે, મહેશ માંજરેકર જેવા દિગ્ગજો સાથે કામ કર્યું. ભલે ઈશ્વર મારા ઉપર થોડા મોડા મહેરબાન થયા, પણ છેવટે મને તેમના જેવા ધરખમ કલાકારો સાથે કામ કરવાનો મોકો આપ્યો. હું મોટા મોટા પ્રોજેક્ટમાં નાના નાના રોલ કરીને આગળ વધતો રહ્યો છું. મોટા કલાકારો સાથે કામ કરીને ઘણું શીખ્યો છું. અત્યાર સુધી મેં પચીસ જેટલી સિરીયલોમાં કામ કર્યું છે. 'ઝિદ્દી દિલ માને ના' મારો પચીસમો શો હતો. અને તેમાં મેં ભજવેલી 'ફૈઝી'ની ભૂમિકા પણ યાદગાર હતી. હવે આદિત્ય પોતાની કારકિર્દીથી ખુશ છે. તે કહે છે કે આજે હું જે મુકામ પર છું તેની મને ખુશી છે, પરંતુ હું સંતુષ્ટ નથી થયો. હજી મારે લાંબી મજલ કાપવાની છે. જે દિવસે હું મારા કામથી સંતુષ્ટ થઈશ તે ઘડીથી મારા અંતનો આરંભ થઈ જશે.