અદિતી રાવ હૈદરીની જીવન ફિલોસોફીઃ હું આરોગ્યને કુદરતી ધન સંપદા માનું છું
- આપણું માનવ શરીર પ્રકૃતિની શ્રેષ્ઠ રચના છે : એક માનવી તરીકે આપણે આપણા શરીરનો અવાજ સાંભળવો જોઇએ : સાંભળતાં આવડવું પણ જોઇએ
હિન્દી ફિલ્મ જગતના પ્રવાહો બદલાઇ રહ્યા છે. નવાં અને પ્રતિભાશાળી કલાકારોનો ઉદય થઇ રહ્યો છે. મહત્વનું પરિવર્તન એ થઇ રહ્યું છે કે બોલીવુડનાં નવાં અને પ્રતિભાશાળી કલાકારો તેમના આરોગ્ય વિશે બહુ બહુ સભાન છે. મોટાભાગનાં અભિનેતા --અભિનેત્રીઓ દરરોજ વહેલી સવારે યોગાસન,પ્રાણાયામ, ઉંડા શ્વાસ લેવા, હળવી કસરત કરવી, સમુદ્ર કિનારા પર દોડવા જવું, આરોગ્યપ્રદ આહાર લેવો, ઋતુ પ્રમાણેનાં ફળ આરોગવાં વગેરેનો નિયમિત ક્રમ રાખે છે. વ્યસનોથી દૂર રહીને તન--મનની તંદુરસ્તીનો આગ્રહ રાખે છે.
અદિતી રાવ હૈદરી પોતાની તંદુરસ્તી માટે પૂરતી કાળજી રાખતી પ્રતિભાશાળી અભિનેત્રી છે.
અદિતી રાવ હૈદરીનાં માતાપિતા જૂના હૈદરાબાદના રજવાડી પરિવાર સાથે સંકળાયેલાં હોવાથી તેના વ્યક્તિત્વમાં પણ રજવાડી છાંટનો અનુભવ થાય છે. એટલે કે અદિતીના જીવનમાં સભ્યતા,વિવેક,નમ્રતા,નિયમિતતા,ગીત--સંગીત, નૃત્ય, વાંચન વગેરે જેવાં સર્જનશીલ પાસાં જોવા મળે છે. સાથોસાથ પોતાનું આરોગ્ય લીલુંછમ રહે અને તન-મનમાં ચેતનાના ફુવારા ઉડે તે માટે પૂરી સજાગ પણ રહે છે. બોલીવુડ સહિત અન્ય ભાષાની ફિલ્મોમાં પણ અભિનય કરવો હોય તો તન--મનથી સક્રિય રહેવું જરૂરી છે એવું ભારપૂર્વક માને છે અને સ્વીકારે પણ છે.
હૈદરાબાદમાં જન્મેલી અને ઉછરેલી અદિતી રાવ હૈદરી બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, આપણું માનવ શરીર કુદરતની શ્રેષ્ઠ રચના છે.પ્રકૃતિનાં ઉત્તમ તત્ત્વો આપણા તનમાં પણ હોવાથી તેનું સુપેરે જતન કરવું જરૂરી છે. અને એટલે જ આપણે સહુએ, એક માનવી તરીકે આપણાં શરીરનો અને મનનો અવાજ સાંભળવો જોઇએ. એમ કહો કે સાંભળતાં આવડવું પણ જોઇએ. કહેવાનો અર્થ એ છે કે આપણા શરીરને ક્યારે શું અને કેવું જોઇએ છે ? આપણા તનની જરૂરિયાત શું છે તેનો સંકેત સમજવો જોઇએ.
અદિતી એક પ્રસંગ યાદ કરતાં કહે છે, હું એક વખત તમિળ ફિલ્મોના આલા દરજ્જાના સર્જક મણી રત્નમની એક ફિલ્મનું શૂટિંગ સર્બિયામાં કરતી હતી. તે સમયે સર્બિયામાં ઠંડીનો પારો માઇનસ ૧૬ જેટલો બરફીલો હતો. શૂટિંગનાં સ્થળે ચારે તરફ બરફ જ બરફ છવાયેલો હતો. મેં સાડી,સ્કર્ટ,બેકલેસ(બ્લાઉઝ) પહેર્યાં હતાં. મેં મેક -અપ પણ કર્યો નહાતો.
સતત શૂટિંગ અને અસહ્ય ટાઢાબોળ માહોલને કારણે મને કડકડતી ભૂખ લાગી.મેં બેઘડી વિચાર્યું કે મારે માખણ(બટર)નો સ્વાદ માણવો જોઇએ. આ તબક્કે મારા શરીરને માખણની જરૂર છે. મેં જોકે બટર ઝાઝું બધું નહીં પણ જરૂરી માત્રામાં જ ખાધું. મારા શરીરની જરૂરિયાત જેટલું. આપણે આપણા શરીરને એટલે કે આંતરડાંને સ્વચ્છ રાખવાં જોઇએ. આંતરડાં જેટલાં ચોખ્ખાં તેટલું શરીર પણ શુદ્ધ.
બાળપણથી જ ભરત નાટયમની સઘન તાલીમ પામેલી અદિતી રાવ હૈદરી કહે છે, હું દરરોજ સવારે આદુ, મરી, આમળાંનો રસ પીઉં છું. તો ક્યારેક આદુ, દાલચીનીનું હોટ હોટ મિશ્રણ પણ લઉં છું. હું મારા દરરોજના આહારમાં જરૂરી માત્રામાં ઘી અને નાળિયેરના તેલનો પણ ઉપયોગ કરું છું. બુલેટ કોફીનો સ્વાદ પણ ખરો.આ બધાં તત્ત્વોથી આપણી ચામડી ચમકીલી અને સુંવાળી રહે છે. સાથોસાથ શરીરમાં રોગપ્રતિકાર શક્તિનો ભંડાર પણ રહે . રોગપ્રતિકાર શક્તિ એટલે કોઇપણ જાતના ચેપી રોગ કે અન્ય કોઇ બીમારીથી બચવાનું અખંડ સુરક્ષાકવચ. કોરોનાની જીવલેણ બીમારી દરમિયાન સમસ્ત માનવજાતને રોગપ્રતિકારક શક્તિ એટલે શું તેનો બરાબર પરિચય થઇ ગયો છે. હું તો આરોગ્યને કુદરતી ધનસંપદા માનું છું.
એક ખાસ વાત. એક ફિલ્મ કલાકાર તરીકે મારા ચહેરા પર હાસ્ય રહે.મારાં વાણી-વર્તનમાં ઉજાસ - ઉમંગ રહે તે બહુ બહુ જરૂરી છે. જરા વિચારો, હતાશ અને નિરાશ ચહેરો ભલા કોને ગમે ? હું તો ખડખડાટ હસું અને મારાં સાથી કલાકારોને પણ હસાવું. સેટ પર મજાક-મસ્તી-હળવાં તોફાનનો માહોલ હોય તો શૂટિંગ બોજારૂપ નહીં લાગે.
પોતાની અભિનય યાત્રા તમિળ,મલયાલમ, તેલુગુ ફિલ્મોથી શરૂ કરનારી અદિતી કહે છે, મારો અભિનેતા પતિ સિદ્ધાર્થ(અદિતી હૈદરીએ અગાઉ સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યાં હોવાના અને સમય જતાં બંને અલગ થઇ ગયાં હોવાના અખબારી અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. અદિતીએ હજી હમણાં જ ૨૦૨૪માં સિદ્ધાર્થ નામના અભિનેતા સાથે લગ્ન કર્યાં છે) બહુ સારો કૂક એટલે કે રસોયો છે. શૂટિંગ ન હોય ત્યારે અમારા ઘરે મિત્રો સાથે મિજબાનીનો માહોલ હોય.ખુદ સિદ્ધાર્થ એકાદ સૂપ, કટલેટ્સ, બાજરાની વાનગી બનાવે અને બધાંને પ્રેમથી જમાડે.
મલયાલમ ફિલ્મ-- પ્રજાપતિ -- થી અભિનય કારકિર્દી શરૂ કરીને રોકસ્ટાર, મર્ડર, મર્ડર-૩ ,બોસ, ખુબસુરત, ગુડ્ડુુ રંગીલા,વઝીર, પદ્માવત,ફીતુર, હીરામંડી વગેરે ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવનારી અદિતી રાવ બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, આપણે સહુ ભલે ગમે તેટલાં આધુનિક બનીએ, વિકાસ કરીએ, સાયન્સ અને ટેકનોલોજીના યુગમાં જીવીએ પણ આપણે આપણા અસ્તિત્વને, આપણા સંસ્કારને,આપણી સાવ સાચુકલી ઓળખને સતત યાદ રાખવી જોઇએ.