અદિતી રાવ હૈદરી સાચ્ચે જ ખૂબ લક્કી છે...
સાચ્ચે, સોશિયલ મીડિયા પર અદિતી રાવ હૈદરીની ગજગામિની ચાલની આંધી શાંત થવાનું નામ લેતી નથી. કેટલી રીલ્સ, કેટલા શોર્ટ્સ! છોકરીઓ તો ઠીક, છોકરાઓ પણ અદિતીની જેમ લટકમટક ચાલીને રીલ્સ બનાવી રહ્યા છે! ત્રાજવાના એક પલડામાં આખી 'હીરામંડી' સિરીઝની લોકપ્રિયતા મૂકો અને બીજા પલડામાં એકલી અદિતીનું આ નૃત્ય મૂકો... અદિતીવાળું પલડું નીચે ઝુકી જશે!
હાલ તો અદિતી બિબ્બોજાનના પાત્રની સફળતાને માણી રહી છે. દેખીતું છે. અદિતિ ખુદ એક ક્લાસિકલી ટ્રેઇન્ડ નૃત્યાંગના છે. એ વાત અલગ છે કે એણે તાલીમ લીધી છે ભરતનાટયમની, જ્યારે 'હીરામંડી'માં સંજય લીલા ભણસાલીએ એની પાસે કરાવ્યું છે કથક. આ સિરીઝ માટે અદિતીએ કથકની અલાયદી તાલીમ લેવી પડી હતી.
અદિતી કહે છે, 'પહેલાં તો મારે ઉર્દૂ ભાષા અને તેનો લહેકો શીખવો પડયો. અમારા માટે એક કોચ રાખવામાં આવી હતી, જે અમને ઉર્દૂનો સાચો લહેકો શીખવતી હતી. અમે આ લહેકો જાળવવા માટે એટલી બધી મહેનત કરી હતી કે મને તો એમ જ લાગતું હતું કે હું નાનપણથી જ આ રીતે બોલું છું! પણ ખરી મહેનત તો મને કથક શીખવામાં પડી. હું પાંચ વર્ષની હતી ત્યારથી લીલા સેમસનની નજર હેઠળ ભરતનાટયમ કરતી આવી છું. ભરતનાટયમથી છેડો ફાડીને આધારભૂત કથક નૃત્ય કરવું આસાન નહોતું.'
અદિતીને બિબ્બોજાનનું પાત્ર મળ્યું ત્યારે ખાસ તો એનો ફિયાન્સ સિદ્ધાર્થે, કે જે ટોચનો સાઉથ ઇન્ડિયન સ્ટાર છે, એ રાજી રાજી થઈ ગયો હતો. સિદ્ધાર્થ કહેઃ અબ હમારી ફેમિલી મેંં દો-દી ફ્રીડમ ફાઇટર હોંગે! 'રંગ દે બસંતી' ફિલ્મમાં સિદ્ધાર્થે નિષ્ફિકર કોલેજિયન ઉપરાંત શહીદ ભગતસિંહની ભૂમિકા પણ ભજવી હતી, યાદ છેને? અદિતી ખૂબ લકી છે. મણિ રત્નમ અને સંજય લીલા ભણસાલી જેવા દિગ્ગજ દિગ્દર્શકો સાથે કામ કરવાનું એનું સ્વપ્ન સાકાર થયું છે. એ કહે છે, 'દિગ્દર્શકોને તમે ગમી જવા જોઈએ અને તમે લાંબો સમય કામ કરી શકો તેવા પ્રતિભાશાળી હોવા જોઇએ. હું હજુય વિચારતી હોઉં છું કે મારા દિગ્દર્શકના વિઝનને અનુરૂપ મેં કામ કર્યું છે કે કેમ. મને દર્શકો નવી ભૂમિકામાં સ્વીકારશે તો ખરાંને?'
લોકપ્રિયતામાં આવેલા આ નવા ઉછાળાથી અદિતી છકી જાય તેમ નથી. શા માટે? અદિતી કહે છે, 'મારે ચાર ભાઇઓ છે, જે મને જમીન પર રાખે છે. હું મારા ઘરમાં હજુય નાની બેબી જેવી જ છું. હું બે-ત્રણ વર્ષની હતી ત્યારે મારા જે મિત્રો હતા તે આજે પણ છે. હું તેમની ખૂબ નિકટ છું. તેમના માટે હું એ જ જૂની ને જાણીતી અદિતી છું. તેઓ મને ફિલ્મસ્ટાર તરીકે જોઈ શકતા જ નથી. આ સ્થિતિને હું વરદાન સમજું છું.'
અદિતી નવું શું કરી રહી છે? 'હું એક ઇન્ડો-બ્રિટીશ પ્રોડક્શનની ફિલ્મ કરી રહી છું - 'લાયોનેસ'. એેમાં બે યુવતીઓની કથા છે. એક બ્રિટીશ એક્ટ્રેસ છે - પેજ સંધુ અને બીજી હું. ફિલ્મનું નિર્દેશન કજરી બબ્બર કરી રહી છે. તેની આ પ્રથમ ફિલ્મ છે. આ ઉપરાંત હું ઘણી સ્ક્રિપ્ટ્સ વાંચી રહી છું,' અદિતી કહે છે. 'હીરામંડી'માં પણ બધી નાયિકાઓ સિંહણો જેવી જ છેને? જોઈએ, 'લાયોનેસ'માં અદિતી આપણને કેવું નવું રૂપ દેખાડે છે.