Get The App

અદા શર્મા દેશને કોરી ખાતા વધુ એક કાંડને ઉજાગર કરશે

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
અદા શર્મા દેશને કોરી ખાતા વધુ એક કાંડને ઉજાગર કરશે 1 - image


- ''બસ્તર - ધ નક્સલ સ્ટોરી'ના મારા ડિરેક્ટર સુદિપ્તો સેને મને અગાઉથી જ કહી દીધું હતું કે ત્રણ મહિના સુધી હસવાનું નથી! શૂટિંગ શરૂ થતાં જ હું આ ફિલ્મની રિલીઝની રાહ જોવા માંડી છું...'

'ધ કેરલ સ્ટોરી'ને મળેલી અકલ્પનીય સફળતાએ તેના સર્જકો વિપુલ અમૃતલાલ શાહ અને ડિરેક્ટર સુદિપ્તો સેનને દેશમાં ચાલી રહેલા કાંડ ઉઘાડા પાડવાનો પાનો ચડાવ્યો હોય તેમ તેમણે હવે આ પ્રકારની વધુ એક મૂવી 'બસ્તર - ધ નક્સલ સ્ટોરી'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. મહત્વની વાત એ છે કે આ ફિલ્મની મુખ્ય ભૂમિકામાં તેમણે અદા શર્માને જ લીધી છે. અદા શર્મા પણ પોતાને મળેલી આ તકને પગલે ગર્વ અનુભવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 'ધ કેરલ સ્ટોરી'એ ૩૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ કમાણી કરી હતી. જ્યારે તે બનાવવા પાછળ માત્ર ૨૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં હતાં. આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ દ્વારા કેરલની છોકરીઓને ફોસલાવીને શી રીતે નર્કાગારમાં ધકેલી દેવામાં આવે છે તેની કહાણી વર્ણવતી આ ફિલ્મ રજૂ થઈ તેનાથી પહેલા તેનો પુષ્કળ વિરોધ થયો હતો. આમ છતાં આ મૂવીને અકલ્પનીય સફળતા મળી હતી. અને હવે આ ફિલ્મની વિપુલ શાહ, સુદિપ્તો સેન અને અદા શર્માની ત્રિપૂટી 'બસ્તર - ધ નક્સલ સ્ટોરી' માટે ફરીથી એકઠી થઈ છે. આ સિનેમામાં અદા 'નીરજા માધવન્'ની ભૂમિકા ભજવી રહી છે. તે તેમાં મિલિટ્રી પેન્ટ અને કાળા રંગના કમાંડો ટી-શર્ટમાં જોવા મળશે.

અભનેત્રીને એ વાતનું ગૌરવ છે કે તે વધુ એક વખત દેશને બરબાદ કરતાં તત્વોને ઉજાગર કરતી મૂવીમાં મુખ્ય ભૂમિકા અદા કરી રહી છે. તેણે કહ્યું હતું કે 'ધ કેરલ સ્ટોરી'માં તમે જેવો પ્રેમ મારા પાત્ર 'શાલીની ઉન્નીકૃષ્ણન્'ને આપ્યો હતો એવો જ સ્નેહ 'નીરજા માધવન્'ને પણ આપજો. આ ફિલ્મની ગંભીરતાને ધ્યાનમાં લેતાં સુદિપ્તો સેને મને અગાઉથી જ કહી દીધું હતું કે તારે ત્રણ મહિના સુધી હસવાનું નથી. આ ફિલ્મ આગામી વર્ષના એપ્રિલ મહિનામાં રજૂ થવાની છે. અને શૂટિંગ શરૂ થતાં જ હું જાણે કે તેની રજૂઆતની રાહ જોઈ રહી છું.

અદાએ બીજી વખત આ પ્રકારની ફિલ્મ હાથ ધરી તેની પાછળ તેનો ઉછેર અને સંસ્કાર કામ કરી ગયા હશે એમ કહેવું વધારે પડતું નહીં ગણાય. મૂળભૂત રીતે તામિલનાડુની અદાના પિતા ભારતીય નૌકાદળમાં કેપ્ટન હતા. તેની માતા શાસ્ત્રીય નૃત્યાંગના છે. સ્વાભાવિક રીતે જ દેશદાઝ અને અભિનય અદાને વારસામાં મળ્યાં છે.

અભિનેત્રીએ વર્ષ ૨૦૦૮માં હૉરર ફિલ્મ '૧૯૨૦'થી અભિનય ક્ષેત્ર પદાર્પણ કર્યું ત્યાર પછી તેણે ઘણી હિન્દી અને દક્ષિણ ભારતીય મૂવીઝમાં કામ કર્યું. પરંતુ 'ધ કેરલ સ્ટોરી'એ તેને અપ્રતિમ લોકપ્રિયતા અપાવી.

અદા એક અચ્છી મૉડેલ પણ છે અને ચીલો ચાતરીને ચાલવામાં ગર્વ અનુભવે છે. સામાન્ય રીતે રેમ્પ વૉક કરતી મૉડેલો ઊંચી એડીના પગરખાં પહેરતી હોય છે. પણ તાજેતરમાં અભિનેત્રીએ ઉઘાડા પગે રેમ્પ વૉક કર્યું ત્યારે લોકો મોંમાં આંગળા નાખી ગયા હતાં. આવો ચીલો ચાતરવા બહુ હિમ્મત જોઈએ!  


Google NewsGoogle News