એક્ટરોની સુંદરતાને કેમેરાના લેન્સથી જ માપવી જોઈએ: નવાઝુદ્દીન સિદ્દીકી
- 'સ્મિતા પાટિલને કોઈ અહીં લાવીને ઊભાં કરી દે તો એ એક સામાન્ય ભારતીય નારી જ લાગશે. લેકિન જૈસે હી વો કેમેરા કે સામને આતી થી, ઉનસે જ્યાદા ખૂબસૂરત કોઈ નહીં દિખતા થા. આજે જો એ હોત તો ઇન્ટરનેશનલ ફિલ્મમેકર્સને મજા પડી ગઈ હોત. વેસ્ટ ઉન્હેં ખિંચ લેતા થા.'
ક હે છેને કે સુંદરતા જોનારની આંખોમાં હોય છે. સાચી વાત છે. બોલિવુડના સૌથી સાધારણ લુક ધરાવતા એક્ટરોમાંના એક નવાઝુદ્દીન સિદ્દીકી આમાં એક નવો એન્ગલ ઉમેરે છે. એ કહે છે, 'મારા પ્રોફેશનને સંબંધ છે ત્યાં સુધી એક્ટરનો દેખાવ કેમેરાના લેન્સ મારફતે માપવો જોઈએ. બાકી તો, ગુડ લુક્સની બાબતમાં વ્યક્તિએ-વ્યક્તિએ મત જુદા પડવાના. મુન્ડે મુન્ડે મતર્ભિન્ના. ભારતમાં લોકોને દેખાવડો ગુડ લુકિંગ લાગતો કોઈ પુરુષ કે સ્ત્રી, ફ્રાંસ અથવા જર્મનીના લોકોને મન ગુડ લુકિંગ ન પણ હોય એવું બને.'
પોતાની બ્યુટી થિયરીના સમર્થનમાં 'સ્લમડોગ મિલ્યોનેર' ફેમ ભારતીય અભિનેત્રી ફ્રિડા પિન્ટોનો દાખલો આપતા નવાઝ કહે છે, 'હું એક વાર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગયો હતો, જ્યાં મેં ફ્રિડાને ચમકાવતું એક વિશાળ હોર્ડિંગ જોયું. મને થોડી નવાઈ લાગી. એટલા માટે કે ભારતીયો માટે ફ્રિડા એક સામાન્ય દેખાવ ધરાવતી ગર્લ-નેકસ્ટ-ડોર છે, પરંતુ કાનમાં લોકોને મેં એમ કહેતા સાંભળ્યા હતા કે યે હોલિવુડ કી કિસી ભી બડી એકટ્રેસ સે જ્યાદા ખૂબસુરત લગ રહી હૈ. ઘણા લોકો એ હોર્ડિંગના ફોટા પાડી રહ્યા હતા. લોકોના નઝરિયામાં કેટલી હદે ફર્ક હોઈ શકે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે.'
નવાઝનું પ્રામાણિકપણે એવું માનવું છે કે દર્શકો અન્કન્વેશનલ બ્યુટી (રૂઢિગત વ્યાખ્યા બહારની સુંદરતા)ને પણ સ્વીકારે છે. એ કહે છે, 'હમારે યહાં તો હમ સર્ટન બોડી ટાઈપ ઔર સર્ટન સ્કિન કલર કો ગુડ લુકિંગ માનતે હૈ... પરંતુ મારે મન સ્મિતા પાટિલ સે જ્યાદા ખૂબસૂરત એકટ્રેસ કોઈ આયી નહીં આજ તક. એ જાણે કેમેરા માટે જ બની હોય એવું લાગતું હતું. કેમેરા કા કુછ એક દૂસરા પરસેપ્શન હોતા હૈ. એટલે અમને એકટરોને કેમેરાના લેન્સથી જોવા જોઈએ. કમસે કમ ફિલ્મોને લાગેવળગે છે ત્યાં સુધી કોઈ એક્ટર દેખાવડો છે કે નહીં એ એને કેમેરાના લેન્સમાં જોયા બાદ જ નક્કી થવું જોઈએ. મેરા ઐસા માનના હૈ.'
સ્મિતા પાટિલના નિધનના દાયકાઓ થઈ ગયા, પણ આજેય એમને 'અર્ધસત્ય' (૧૯૮૩), 'બાઝાર' અને 'અર્થ' (૧૯૮૨) જેવી ફિલ્મોના દાખલારૂપ પરફોર્મન્સ માટે યાદ કરાય છે. નવાઝ પણ સ્મિતાના જબરદસ્ત ફેન છે એટલે સુંદરતાની ચર્ચાના સમાપનમાં અભિનેત્રીનો ઉલ્લેખ કર્યા વિના રહી નથી શકતો, 'સ્મિતા પાટિલને કોઈ અહીં લાવીને ઊભાં કરી દે તો એ એક સામાન્ય ભારતીય નારી જ લાગશે. લેકિન જૈસે હી વો કેમેરા કે સામને આતી થી, ઉનસે જ્યાદા ખૂબસૂરત કોઈ નહીં દિખતા થા. આજે જો એ હોત તો ઇન્ટરનેશનલ ફિલ્મમેકર્સને મજા પડી ગઈ હોત. વેસ્ટ ઉન્હેં ખિંચ લેતા થા.'