એક્ટર્સ સાથે ઘેટાં બકરાં જેવું વર્તન કરાય છેઃ અભિષેક બેનર્જી
- 'એક્ટિંગ એકમાત્ર પ્રોફેશન એવું છે કે તેમાં કોઇ દિશા નક્કી હોતી નથી. અલબત્ત તમારી પાસે પ્રતિભા અને આકરી મહેનત કરવાની તૈયારી હોય તો બીજા કશાની જરૂર રહેતી નથી.'
બોલીવૂડમાં પોતાની પ્રતિભાને જોરે સફળ થનારા અભિનેતાઓમાં દિલ્હીના અભિનેતાઓની સંખ્યા વધી રહી છે. નવાઝુદ્દીન સિદ્દિકી, મનોજ બાજપેયી, આયુષમાન ખુરાના અને હવે અભિષેક બેનર્જીએ બોલીવૂડમાં પોતાના આગવા મુકામ બનાવ્યા છે. અભિષેક બેનર્જીએ ૨૦૦૮માં મુંબઇમાં આવી પોતાનો સંઘર્ષ શરૂ કર્યો હતો. અભિષેક કહે છે, હું એક્ટર બનવાની ખ્વાહિશ સાથે ૨૦૦૮માં દિલ્હીથી મુંબઇ આવ્યો. પણ મને અહી જે રીતે ઓડિશન્સ અને કાસ્ટિગ થતાં હતા તે અમાનવીય જણાયા. એક્ટર્સની સાથે તેઓ ઘેટાં બકરાં હોય તેવું વર્તન કરવામાં આવે છે. પાણી જેવી પાયાની સુવિધા આપ્યા વિના તેમને કલાકો સુધી તડકાંમાં તપાવવામાં આવે છે. કમાલની વાત તો એ છે કે જે શહેરમાં એક્ટિંગ મોટી સ્કીલ છે ત્યાં ફોટાની પાછળ રહેલી વ્યક્તિ કરતાં ફોટાનું મહત્વ વધારે હોય છે. આ અનુભવથી હું રોષે ભરાયો હતો પણ તેના કારણે જ મને તે વ્યવસ્થા બદલવાની પ્રેરણા મળી.
પોતાની વાત આગળ ચલાવતાં અભિષેક કહે છે,શરૂઆતમાં મેં કાસ્ટિંગડાયરેક્ટર ગૌતમ કિશનચંદાનીના સહાયક તરીકે કામ કરવા માંડયું. મને એમ કે આ રીતે એક્ટિંગ કરવાની તક મળી જશે. પણ આમ ન બન્યું. આઠ વર્ષ વર્ષ સુધી મેં સંઘર્ષ કર્યો. આખરે મેં અનમોલ આહુજા સાથે કાસ્ટિંંગ બે નામની કંપની ૨૦૧૭માં શરૂ કરી. અમારો ઇરાદો આ સાહસ દ્વારા એક્ટર્સને આરામદાયક અને આદરપૂર્ણ વાતાવરણ પુરૂ પાડવાનો હતો. અમે એક્ટર્સ બેસીને વાત કરી શકે તે માટે ટેબલ અને ખુરશીની વ્યવસ્થા કરી અને કોઇની પણ સાથે ખરાબ વર્તન ન થાય તેની ચોંપ રાખી. અમે સૌૈથી મોટું પરિવર્તન એ કર્યું કે જે પ્રતિભાશાળી અભિનેતાઓ હતા તેમને યોગ્ય પ્રસિદ્ધિ મળી રહે તેવી વ્યવસ્થા કરી. અમે ઝીશન અય્યુબ, સિદ્ધાંત ચતુર્વેદી, દિવ્યેન્દુ શર્મા, વામિકા ગબ્બી, મિથિલા પારકર,તૃપ્તિ ડિમરી અને અવિનાશ તિવારીની અભિનય ક્ષમતાઓને પીછાણી અને તેમને યોગ્ય મંચ મળી રહે તે માટે પ્રયત્નો કર્યા. આજે ફિલ્મ ઉદ્યોગમાં તકો વધી છે પણ સફળતા મળશે કે કેમ એ ભય સતત સ્ટ્રગલર્સને કનડે છે. અભિષેક કહે છે, અન્ય કોઇપણ ઉદ્યોગમાં કોઇ પ્રકારની ગેરંટી હોય છે કે આમ થશે કે તેમ થશે. પણ એક્ટિંગ એકમાત્ર પ્રોફેશન એવું છે કે તેમાં કોઇ દિશા નક્કી હોતી નથી. તમને ખબર હોતી નથી કે ફિલ્મ ઉદ્યોગ ક્યાં જશે. અલબત્ત તમારી પાસે પ્રતિભા અને આકરી મહેનત કરવાની તૈયારી હોય તો બીજા કશાની જરૂર રહેતી નથી. દરેક ઉદ્યોગમાં સગાવાદ તો હોય જ છે. પણ આ પરિબળને કારણે તમારે હતોત્સાહ થવાને બદલે વધારે મહેનત કરવાની ચાનક રાખવી જોઇએ. અભિષેકની આ કાસ્ટિંગ કંપનીને સારી સફળતા મળી. આ કંપનીએ જેમાં કાસ્ટિંગ કર્યું છે તેવી સફળ ફિલ્મોમાં ધ ડર્ટી પિક્ચર, નો વન કીલ્ડ જેસિકા, ગબ્બર ઇઝ બેક, ઓકે જાનુ, ટોઇલેટઃ એક પ્રેમ કથા અને સિક્રેટ સુપરસ્ટારનો સમાવેશ થાય છે.
જો કે એ પછી તો અભિષેક બેનર્જીની એકટર તરીકે પણ ગાડી ચલ પડી. તેને સેકટર ૮૪માં અમિતાભ બચ્ચન સાથે પણ કામ કરવાની તક મળી. પોતાના બીગ બી સાથે કામ કરવાના અનુભવને શેર કરતાં અભિષેક કહે છે, 'આ એક જબરદસ્ત અનુભવ બની રહ્યો. તે મારા દ્રોણાચાર્ય છે અને તેમને કામ કરતાં જોવા એ પ્રેરણાત્મક અનુભવ બની રહ્યો. તે અસામાન્ય રીતે આકરી મહેનત કરે છે અને તેમના સહકલાકારો સાથે ગરિમાપૂર્ણ વ્યવહાર કરે છે. સેટ પર તેમની હાજરી એ નમ્રતા અને વ્યવસાયી અભિગમનો પદાર્થ પાઠ બની રહે છે. મેં જ્યારે તેમનો ચરણ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે મને અટકાવી જણાવ્યું કે આમ ન કરશો તમે ફિલ્મમાં મારા સહકલાકાર છો.તેઓ હું સીન પરથી મારું ફોકસ ન ગુમાવું તેમ ઇચ્છતા હતા. મારા માટે પ્રેરણા પ્રસિદ્ધિ, નાણાં કે એવોર્ડ નથી. હું ફિલ્મ ઉદ્યોગમાં નવી દૃષ્ટિ પુરી પાડવા મુંબઇ આવ્યો છું. એક કાસ્ટિંગ ડાયરેક્ટર અને એક્ટર તરીકે મારું ફોકસ ખરી અને પ્રામાણિક લાગણીઓનું પ્રદર્શન કરવાનું છે, જો લાગણીઓ સાચુકલી હશે તો દર્શકો તેની સાથે સંકળાશે અને તેની અસર લાંબા સમય સુધી રહેશે. '