Get The App

અભિષેક વોન્ટ્સ ટુ ટૉક .

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
અભિષેક વોન્ટ્સ ટુ ટૉક                                   . 1 - image


- 'મારા ફાધર (અમિતાભ બચ્ચન) મારા આદર્શ રહ્યા છે. તેઓ અમારા માટે ખૂબ મહેનત કરે છે. એ સવારે સાડા છ વાગ્યે ઘરમાંથી કામ માટે નીકળી જાય છે, જ્યારે અમે બધા તો આરામથી આઠ-નવ વાગ્યે ઉઠીએ છીએ.' 

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્નજીવન અંગે ખૂબ વાતો ઉડી છે અને ચર્ચાઓ થઇ છે, પણ એ બધી અંતે તો અફવા જ પૂરવાર થઇ છે. અટકળોની બજાર  બંધ થયું છે, કેમ કે અંતે આ કલાકાર દંપતિ એકબીજાની સાથે જ છે અને આનંદમાં છે. અભિષેક બચ્ચને અહીં એવી કેટલીક વાતો કરી છે, જે વાંચીને આપણે આશ્ચર્ય થાય. અભિષેક બચ્ચને એક ફિલસુફની અદાથી કહે છે, 'માનવીએ પોતાની નૈતિક્તા અને સિદ્ધાંતોને કદીય બદલવા ન જોઇએ. આપણે કોણ છીએ એ કદીય  ભૂલવું નહી જોઇએ. તમારે આગળ વધવું જોઇએ, પણ મૂલ્યો સાથે કદીય બાંધછોડ ન કરવી જોઇએ.'

આ સાથે અભિષેક એમ પણ જણાવે છે કે, 'મારા ફાધર (અમિતાભ બચ્ચન) મારા આદર્શ રહ્યા છે. તેઓ અમારા માટે ખૂબ કરે છે. એ સવારે સાડા છ વાગ્યે ઘરમાંથી કામ માટે નીકળી જાય છે, જ્યારે અમે બધા આરામથી આઠ-નવ વાગ્યે ઉઠીએ છીએ. મેં જોયું છે કે પેરેન્ટ્સ કંઇ પણ કહ્યા વિના ચૂપચાપ કામ કરતા રહે છે.'

આ સાથે જ પોતાની લેટેસ્ટ ફિલ્મની વાત કરતાં અભિષેક કહે છે, ''આઇ વોન્ટ ટુ ટોક'  મારા જીવનની અત્યાર સુધીની સૌથી ઉત્તમોત્તમ ફિલ્મોમાં એક છે. આ ફિલ્મમાં અર્જુનની ભૂમિકા ભજવવી તે મારા માટે એક મોટો પડકાર હતો.નાયક એવો શખ્સ છે, જે પોતાની જિંદગીમાં અનેક સર્જરી અને કશ્મકશમાંથી પસાર થાય છે, પણ એ હાર નથી માનતો. આ ભૂમિકા ભજવીને મને વ્યક્તિગત સ્તરે પણ ઘણું બધું શીખવા મળ્યું છે.'

બાળપણની વાતો મમળાવતા અભિષેક કહે છે, 'હું નવ વર્ષની વયથી જ ડિસ્લેકિસયા નામની  બિમારી સાથે લડતો હતો. આ કારણે મને અક્ષરોને ઓળખવામાં મુશ્કેલી થતી હતી. વાત કરવાની અને લખવાની મુશ્કેલીઓ તો અલગ. આ કારણે અભ્યાસમાં હું પાછળ રહી જતો. મને વિદેશમાં અભ્યાસ માટે મોકલવામાં આવ્યો. છેક ગ્રેજ્યુએશન કર્યા બાદ હું જાણી શક્યો કે હું આવા પ્રકારની બીમારીનો ભોગ બન્યો છું.'

અભિષેક બચ્ચન તેની માતા જયા બચ્ચન અંગે ઘણો  પઝેસિવ છે. 'હજાર ચૌરાસી મા' ફિલ્મમાં એક સીન હતો, જેમાં તેણે પોતાના પુત્રના શબને ઓળખવાનું હોય છે. 'દિગ્દર્શક ગોવિંદ નિહલાનીજી એ  સીન શૂટ કરવા માટે મારી માતાને કહ્યું કે વિચારો કે અભિષેક અહીં પડયો છે. આ સાંભળીને મારી મોમ ઘણી જ અન્કર્ન્ફબલ થઇ ગઇ. ત્યારે   હું આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતો હતો. બધા જ મારી તુલના મારા પિતા અમિતાભ સાથે કરે છે, પણ એવું પહેલીવાર બન્યું જ્યારે દિગ્દર્શક શૂજિત સરકારે મને મારી મા સાથે જોડયો છે. એ વાતનો મને આનંદ છે.'

પોતાના ઘરની વાત કરતાં અભિષેક કહે છે, 'અમારા ઘરમાં પણ 'કૌન બનેગા કરોડપતિ?'નો હેંગઓવર રહે  છે. જ્યારે અમે પરિવાર સાથે બેસીને જમતા હોઇએ ત્યાર કોઇ સવાલ પૂછે છે તો સૌ એક સાથે બોલી ઉઠે છે - સાત કરોડ...!' 

અભિષેકની 'આઇ વોન્ટ ટુ ટોક' ફિલ્મ જોકે ઓડિયન્સને ખાસ ગમી નથી. તેથી જ તો આ ફિલ્મ વિશે ખાસ ચર્ચા થઈ નથી. ખેર, અભિષેકને આ ફિલ્મમાં કામ કરતી મોજ પડી અને શીખવા મળ્યું એ જ એનો ખરો પુરસ્કાર. 


Google NewsGoogle News