અભિષેક બેનર્જી : 2025માં હોરર-કોમેડીના નવા પ્રયોગો કરવા છે
- 'મારા 'જના'ના પાત્રએ 'સ્ત્રી', 'ભેડિયા' અને 'મુંજ્યા' આ ત્રણેય ફિલ્મોને જોડતી કડી તરીકે કામ કર્યું છે. આ પ્રત્યેક ફિલ્મની તેની પોતાની વિશિષ્ટતા હતી. તેથી જ ઓડિયન્સ થિયેટર સુધી ખેંચાઈ આવ્યું.'
વર્સેટાઈલ ભૂમિકાઓ અને પ્રભાવશાળી પરફોર્મન્સ માટે પ્રસિદ્ધ અભિષેક બેનર્જી ૨૦૨૪ની સફળતા માણી રહ્યો છે અને ૨૦૨૫ને વધુને વધુ ગતિશીલ બનાવવા તૈયારી કરી રહ્યો છે. હોરર-કોમેડી બ્લોકબસ્ટર 'સ્ત્રી ટુ 'અને વિવેચકો દ્વારા પ્રશંસિત 'વેદા'માં અભૂતપૂર્વ પરફોર્મન્સ આપ્યા પછી બેનર્જી પોતાની અત્યાર સુધીની કારકિર્દી પર મંથન કરતા આવી પડનારા પડકારો વિશે વિચારી રહ્યો છે.
૬૦ કરોડના બજેટથી બનેલી 'સ્ત્રી ટુ' ૮૦૦ કરોડના વકરા સાથે ૨૦૨૪ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મમાંથી એક બની હતી. બેનર્જી ફિલ્મની સફળતાનું શ્રેય તેની મૌલિકતા અને સાંસ્કૃતિક સુસંગતતાને આપીને તેને વિશિષ્ટ ભારતીય કથાનક પ્રદર્શિત કરનાર, પ્રણાલી તોડનારી ફિલ્મ તરીકે વર્ણવે છે. 'વેદા' સાથે આ ફિલ્મથી પણ તેની વ્યાપક પ્રશંસા થઈ. આ સફળતાએ ફિલ્મ ઉદ્યોગમાં તેની સ્થિતિ વધુ મજબૂત બનાવી અને તેના આત્મવિશ્વાસમાં વધારો કર્યો.
બેનર્જી દ્વારા પારલૌકિકને હાસ્ય સાથે જોડતા પાત્ર 'જના'નું ચિત્રણ દર્શકોને સૌથી વધુ પસંદ આવ્યું. બેનર્જીના મતે આ ફિલ્મોની સફળતા તેની અભિનય કાબેલિયતનું પ્રમાણ હોવા ઉપરાંત સારી રીતે બનાવવામાં આવેલી, મધ્યમ બજેટની ફિલ્મોની વધતી માગનો પણ પુરાવો છે. બેનર્જીને આશા છે કે આ ટ્રેન્ડ ચાલુ રહેશે અને નવા ફિલ્મ સર્જકો તેમજ લેખકો, ખાસ કરીને પ્રાદેશિક સિનેમાના કલાકારોને પ્રોત્સાહિત કરશે.
બેનર્જી માટે ૨૦૨૫ની સાલ પ્રયોગ કરવાની અને દર્શકોને આશ્ચર્યચકિત કરવાની તક છે. લોકપ્રિય વેબ સીરીઝ 'રાના નાયડુ'ની બીજી સીઝન સહિત તેના આગામી ત્રણ પ્રોજેક્ટો સાથે બેનર્જી એક કલાકાર તરીકે પોતાની વૈવિધ્યતા દર્શાવવા આતુર છે. બેનર્જી સ્વીકારે છે કે 'જના' (સ્ત્રી ટુ) અને 'હથોડા ત્યાગી'(પાતાલ લોક) જેવા આઈકોનિક પાત્રો સાથે તાલ મિલાવવો પડકારજનક છે પણ તેના મતે આ વિકસવાની એક તક પણ છે.
બેનર્જી કહે છે કે આટલી સફળતા પછી હવે દર્શકોને આશ્ચર્યચકિત કરવાનું કામ એક કલાકાર માટે મુશ્કેલ છે. દરેક ફિલ્મમાં આઈકોનિક રોલ નથી મળતા. આથી જ બેનર્જી સમાન રોલ કરવાની લલચામણી ઓફરોના આકર્ષણ છતાં પોતાની વિશિષ્ટ છબિમાંથી બહાર નીકળી જવા આતુર છે.
બેનર્જીના આગામી પ્રોજેક્ટોમાં ૨૦૨૩માં વેનિસ ફિલ્મ ફેસ્ટીવલ ખાતે આંતરરાષ્ટ્રીય કદર મેળવનાર થ્રિલર ફિલ્મ 'સ્ટોલન' બેનર્જી માટે એક વિશેષ સ્થાન ધરાવે છે. બેનર્જી તેને એક સમકાલીન, રોમાંચક કમર્શિયલ થ્રિલર તરીકે વર્ણવે છે જે ભારતમાં સમૃદ્ધિ અને ગરીબીના દ્વંદ્વ પર પ્રકાશ પાડે છે. મેડ્ડોક ફિલ્મ્સના વિસ્તરતા હોરર-કોમેડી ક્ષેત્રમાં બેનર્જીની સામેલગીરી તેના માટે કારકિર્દીને બળ આપતો અનુભવ હતો. તેના 'જના'ના પાત્રએ સ્ત્રી, 'ભેડિયા' અને 'મુંજ્યા' જેવી ફિલ્મોની કડી તરીકે કામ કર્યું છે. પોતાનો અનુભવ શેર કરતા બેનર્જી કહે છે કે આ પ્રત્યેક ફિલ્મની તેની પોતાની વિશિષ્ટતા હતી, પણ હાસ્ય અને રોમાંચના સામાન્ય પરિબળોએ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં મોટો ભાગ બજાવ્યો.
મેડ્ડોક ફિલ્મ્સે તાજેતરમાં 'થમા', 'શક્તિ શાલિની', 'ચામુંડા', 'પહેલા મહાયુદ્ધ' અને 'દૂસરા મહાયુદ્ધ' સહિત અનેક પ્રોજેક્ટોની જાહેરાત કરી. બેનર્જીએ આ યુનિવર્સમાં 'જના' તરીકે તેની સમાવિષ્ટતા ચાલુ રહેવાનો સંકેત આપતા રમૂજમાં કહ્યું કે આ પાત્ર ભૂતો અને રાક્ષસોનું મનપસંદ રહ્યું છે. એક કલાકાર તરીકે અને શૈલીના એક ચાહક તરીકે બેનર્જી આ બાબતને ૨૦૨૫ના આશાસ્પદ પ્રારંભ તરીકે જુએ છે.
આગલા અનુભવોને યાદ કરતા બેનર્જી ૨૦૨૪ને તેની અત્યાર સુધીની અભિનય કારકિર્દીની ટોચ ગણે છે. થિયેટરના પ્રારંભિક દિવસોથી લઈને મુંબઈમાં બ્રેકથુ્ર સુધી તેની સફર દ્રઢતા અને વિકાસની ગાથા રહી છે. બેનર્જીને યાદ છે કે કેવી રીતે હથોડા ત્યાગી જેવા પાત્રો એક સમયે તેની ઓળખ બની ગયા હતા, જે સ્થિતિ સુધી તે અનેક પ્રકારની ભૂમિકા ભજવ્યા પછી પહોંચ્યો હતો.
બેનર્જી માટે સ્ત્રી ટુ અને અન્ય પ્રોજેક્ટોની સફળતા છેલ્લા બે દાયકાના સંયુક્ત પ્રયાસનું પરિણામ હતી. એક કલાકાર તરીકે પોતાના વિકાસમાં બેનર્જીને ગર્વ છે.