Get The App

અબ તેરા ક્યા હોગા, ટાઇગર?

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
અબ તેરા ક્યા હોગા, ટાઇગર? 1 - image


ટાઇગરની પ્રગતિ એક્શન અને ડાન્સ પર અટકી ગઈ છે. આજે બોલિવુડના હીરોએ સારા અભિનેતા પણ હોવું પડે છે. રણધીર કપૂર, રણવીર સિંહ, વિકી કૌશલ સ્ટાર્સ ઉપરાંત સારા એક્ટર્સ પણ છે. આ મામલામાં ટાઇગર કાચો પડે છે.

ટા ઇગર શ્રોફની 'ગણપત' આટલી ખરાબ રીતે પિટાઈ જશે એવી કલ્પના કોઈએ કરી નહોતી. એક તો ગયા આખા વર્ષમાં ટાઇગરની એક જ ફિલ્મ આવી ને તે પણ સુપર ફ્લોપ. દેેખીતું છે કે જેકી શ્રોફનો આ કુંવર ટેન્શનમાં હોય. 

ટાઇગર આ વર્ષે બોલિવુડમાં એક આખો દાયકો પૂરો કરશે, પણ મજાની વાત એ છે કે એ હજુ પહેલાં જેવો જ છે - સીધો, સરળ અને ખૂબ મહેનતુ. ટાઇગરના કેસમાં ગરબડ એ થઈ છે કે એની પ્રગતિ એક્શન અને ડાન્સ પર અટકી ગઈ છે. એક એક્શન અને ડાન્સિંગ સ્ટાર તરીકે એ અસાધારણ છે, પણ બોલિવુડ હવે બદલી ગયું છે. આજથી વીસ-પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાં આટલી લાયકાત પૂરતી ગણાતી હતી, પણ આજે બોલિવુડના હીરોએ સારા અભિનેતા પણ હોવું પડે છે. રણધીર કપૂર, રણવીર સિંહ, વિકી કૌશલ... આ બધા કેવળ સ્ટાર્સ નથી, તેઓ ખૂબ સારા અભિનેતા પણ છે, ને આ જ મામલામાં ટાઇગર કાચો પડે છે.  

બાકી ઇન્ડસ્ટ્રીમાં ટાઇગરની છાપ બહુ સારી છે એ તો કબૂલવું પડે. નિર્માતા-નિર્દેશકો માટે ટાઇગરને હેન્ડલ કરવો જરાય અઘરો નથી. સેટ પર એનાં કોઈ નખરાં હોતાં નથી. 'વોર'માં ટાઇગરે પોતાના આઇડલ હૃતિક રોશન સાથે કામ કર્યંુ હતું. હૃતિક એના વિશે કહે છે, 'ટાઇગરનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે એ બહુ જ નિષ્ઠાવાન કલાકાર છે. એ જે કંઈ કરશે એમાં પોતાના સોએ સો ટકા આપી દેશે. મને તેની આ નિષ્ઠા ગમે છે. વળી, ટાઇગરને બાળકો અને જુવાનિયાઓ ઉપરાંત મોટી ઉંમરના દર્શકો પણ ચાહે છે. ટાઈગર જેવો સહકલાકાર હોય તો કામ કરવાનું સાવ આસાન બની જાય.' 

ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો એનાં પાંચ વર્ષ પહેલાંથી ટાઇગરે ડાન્સની જુદી જુદી શૈલીઓ શીખવાની શરૂઆત કરી દીધી હતી. ટાઇગરના ચાહકો એના ડાન્સિંગની સરખામણી માત્ર હૃતિક રોશન સાથે નહીં, પણ માઇકલ જેક્સન જેવા લેજન્ડ સાથે કરે છે. એક્શનના મામલામાં પણ ટાઇગરની તુલના ઇન્ટરનેશનલ હીરોલોગ સાથે થાય છે. વાત જોકે પાછી ત્યાં જ આવીને ઊભી રહે છે - માત્ર ડાન્સ અને એક્શનના જોરે ટાઇગર કેટલું આગળ વધી શકશે? જોકે ટાઇગરના પિતાશ્રીને પણ ફિલ્મી હીરો બની ગયા પછી કેટલાંય વર્ષ સુધી એક્ટિંગ કરતાં ક્યાં આવડતું હતું? જેકી એક નોન-એક્ટર તરીકે બદનામ થતા રહ્યા હતા... ને ઓચિંતા વિધુ વિનોદ ચોપડાની 'પરિંદા' આવી, જેમાં જેકીનો અભિનય જોઈને ઓડિયન્સ તેમજ સમીક્ષકો ચકિત થઈ ગયા હતા. કામ કામને શીખવે. ટાઇગર પણ ડેડીની જેમ ધીમે ધીમે એક અદાકાર તરીકે પણ વિકસશે એવી આશા જરૂર રાખી શકાય. 

ટાઇગર શ્રોફ અત્યારે તો ચારેક ફિલ્મોમાં બિઝી છે. એક છે, હોલિવુડ સુપરસ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોનની મેગા હિટ ફિલ્મ 'રેમ્બો'ની ભારતીય રીમેક. સિદ્ધાર્થ આનંદ તે ડિરેક્ટ કરશે. કહે છે કે સિલ્વેસ્ટર સ્ટોલનને એ વાતનો આનંદ છે કે 'રેમ્બો'ની હિન્દી રીમેક ટાઇગર કરવાનો છે. 'બડે મિયાં છોટે મિયાં'માં અક્ષયકુમાર એના કોસ્ટાર છે. મલયાલમ સ્ટાર પૃથ્વીરાજ પણ આ ફિલ્મમાં છે. અલી અબ્બાસ ઝફરના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ પાસેથી માત્ર ટાઇગરને નહીં, આખા બોલિવુડને ઘણી આશા છે. અહમદ ખાનની એક્શન થ્રિલર 'બાગી-ફોર' પણ આવશે. આ ઉપરાંત, ધર્મા પ્રોડક્શન 'સ્ક્રૂ ઢીલા' નામની બિગ બજેટ એક્શન થ્રિલરમાં ટાઇગર દેખાશે. ડિરેક્ટર છે, શશાંક ખેતાન. અને હા, રોહિત શેટ્ટીની નવી ફિલ્મ 'સિંઘમ અગેઇન' તો ખરી જ.   

જોઈએ, ૨૦૨૪નું વર્ષ ટાઇગર માટે કેવુંક સાબિત થાય છે. 


Google NewsGoogle News