અબ તેરા ક્યા હોગા, ઇબ્રાહિમ અલી ખાન?
- સારા અલી ખાન કહે છે, 'મોટી બહેન તરીકે ઇબ્રાહિમને હું એ જ સલાહ આપું છું કે તારા દિલને ગમે તે જ કરજે. તમે જેનો આદર કરતાં હો તેનાં પગલે ચાલવાનું હંમેશા શક્ય ન પણ હોય.'
બોલિવૂડમાં નેપોટીઝમની વાતો વચ્ચે ફરી એક વાર એક સ્ટાર કિડની એન્ટ્રી થઈ રહી છે - સારા અલી ખાનના ભાઇ અને સૈફ અલી ખાન-અમૃતા સિંહના દીકરા ઇબ્રાહિમ અલી ખાનની. સૈફ-અમૃતાનાં લગ્ન ભલે બહું લાંબુ ન ટક્યાં, પણ તેમના સંતાનો સારા અને ઇબ્રાહિમ યુવાન દિલોને આકર્ષી રહ્યાં છે. સુશાંતસિંહ રાજપૂત સાથે પહેલી ફિલ્મ 'કેદારનાથ' કરનારી સારા આજે વ્યસ્ત હિરોઇન બની ગઇ છે, તો ઇબ્રાહિમની પહેલી ફિલ્મ 'સરજમીન' આવી રહી છે. પહેલી ફિલ્મ ભલે રજૂ ન થઇ હોય પણ સ્ટારકિડ હોવાનો પાવર ગણો કે નસીબની બલિહારી ગણો, પણ ઇબ્રાહિમને બીજી ફિલ્મ 'દિલેર' પણ મળી ચૂકી છે. હજુ તો પહેલી ફિલ્મ આવી પણ નથી, પરંતુ ઇબ્રાહિમના નામની ગોસિપ થવા લાગી છે. ટીવી સ્ટાર શ્વેતા તિવારીની પુત્રી પલક સાથે એનું નામ જોડાઇ ગયું છે. બંને એકમેકને એકાદ વર્ષથી ડેટ કરી રહ્યા હોવાની વાત ચાલે છે.
ખેર, ધર્મા પ્રોડક્શનની 'સરજમીન' માટે ઇબ્રાહિમ કરતાં એની બહેન સારાને તેનો વધારે રોમાંચ છે. ઇબ્રાહિમે કરણ જોહરની ફિલ્મ 'રાજા ઔર રાની કી પ્રેમ કહાની'માં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું. તાજેતરમાં એક ફોટોશૂટ બાદ સારાએ સોશિયલ મિડીયા પર કોમેન્ટ કરી હતી કે અમે ભાઇબહેન હમશકલ છે. પછી તેના લાક્ષણિક અંદાજમાં લખ્યું હતું : એક થા રાજા, એક થી રાની, દોનોં કે હુએ હમશકલ બચ્ચે, લો, ખતમ હૂઇ કહાની!
સારા અલી ખાન કહે છે, 'મોટી બહેન તરીકે ઇબ્રાહિમને હું એ જ સલાહ આપું છું કે તારા દિલને ગમે તે જ કરજે. તમારી આસપાસ એટલો બધો શોરગુલ હોય છે કે ઘણીવાર તમે તેનાથી દોરવાઇ જાઓ છો, પણ તમારે પ્રામાણિક રહીને તમારા માર્ગ પર પ્રગતિ કરતાં રહેવાનું હોય છે. તમે જેનો આદર કરતાં હો તેનાં પગલે ચાલવાનું હંમેશા શક્ય ન પણ હોય. તેઓ પોતાના પ્રવાસમાં આગળ વધી ચૂક્યા હોય છે. તમારે તમારો આગવો પ્રવાસ કરવાનો હોય છે.'
સારા તેના ભાઇ ઇબ્રાહિમને સોનેરી સલાહ એ આપે છે કે તારે કેમેરા સામે હંમેશા પ્રામાણિક રહેવું, કેમ કે કેમેરા બધું ઝડપી લે છે. ઇબ્રાહિમની પહેલી ફિલ્મ એક્શન થ્રિલર છે, જેમાં એ ફૌજી બન્યો છે. બમન ઇરાનીનો દીકરો કેયોઝ ઇરાની તે ડિરેક્ટ કરવાનો છે. ઇબ્રાહિમની બીજી ફિલ્મ 'દિલેર' પ્રેમકહાની છે.