અબ તેરા ક્યા હોગા, અક્ષયકુમાર?
- 'મહેરબાની કરીને મને 'મિશન રાનીગંજ'ના બોક્સ ઓફિસના આંકડા દેખાડીને નિરુત્સાહ ન કરશો. આવી ફિલ્મ કરતા હોઈએ ત્યારે બોક્સ ઓફિસની ચિંતા કરવાની ન હોય.'
અ ક્ષયકુમારની ઊંઘ વેરણ થઈ ગઈ છે. આ વરસે એની ત્રણ ફિલ્મો રિલીઝ થઈ - 'સેલ્ફી', 'ઓહ માય ગોડ-ટુ' અને 'મિશન રાનીગંજ'. ત્રણમાંથી બે સુપર ફ્લોપ. ગયા વરસે એની પાંચ ફિલ્મો રિલીઝ થઈ હતી - 'બચ્ચન પાંડે', 'સમ્રાટ પૃથ્વીરાજ', 'રક્ષાબંધન', 'કટપુટલી' અને 'રામસેતુ'. આ પાંચેપાંચ ફિલ્મો ફ્લોપ. કોઈ પણ એક્ટરને ચિંતાનો પાર ન રહે, અરે, જોરદાર આઇડેન્ટિટી ક્રાઇસિસ થઈ જાય એવી ગંભીર આ સ્થિતિ છે. અક્ષયને 'મિશન રાણીગંજ' માટે ખૂબ આશા હતી. અમુક ઇન્ટરવ્યુમાં તો એણે આને કરીઅરની બેસ્ટ ફિલ્મ ગણાવી હતી. બોક્સ ઓફિસ પર શું પરિણામ આવ્યું? ધબડકો. આ ધબડકો ઔર ભારે પડે એમ છે, કેમ કે અક્ષય 'મિશન રાનીગંજ'ના કો-પ્રોડયુસર પણ છે.
'મિશન રાનીગંજ'નો વિષય ઉત્તમ છે તેની ના નહીં. આ સત્યઘટનાત્મક ફિલ્મમાં અક્ષય ખાણમાં ફસાઈ ગયેલા મજૂરોનો બહાદુરીભર્યા બચાવ કરનાર એક બાહોશ એન્જિનીયરની ભૂમિકા નિભાવે છે. અક્ષય હવે ભલે કહે છે કે આવી અર્થપૂર્ણ ફિલ્મો માટે હું બોક્સ ઓફિસની પરવા કરતો નથી, પણ બધા સમજે છે કે આ તો તમાચો મારીને ગાલ રાતો રાખવા જેવી વાત છે. એક મુલાકાતમાં અક્ષય શું કહે છે તે સાંભળો. 'અમે કલાકારો અત્યારે એક અત્યંત ઉત્તમ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. અમે તમામ પ્રકારની ફિલ્મો કરી રહ્યા છીએ અને આ પદ્ધતિ સફળ પણ નિવડી રહી છે. દરેક વખતે બોક્સ ઓફિસનો માપદંડ સ્વીકારવામાં આવતો નથી. ફિલ્મના સામાજિક સંદેશ અને કોન્ટેન્ટ ખૂબ મહત્ત્વના હોય છે. આવી ફિલ્મ કરતા હોઈએ ત્યારે બોક્સ ઓફિસની ચિંતા છોડવી પડે છે. માટે મહેરબાની કરીને મને 'મિશન રાનીગંજ'ના બોક્સ ઓફિસના આંકડા દેખાડીને નિરુત્સાહ ન કરશો, કારણ કે આ ફિલ્મે પોતાનું મિશન હાંસલ કરી લીધું છે.'
વેલ...
અક્ષયની ફિલ્મોગ્રાફી ખરેખર મેઘધનુષી છે. એમણે હાડોહાડ કમર્શિયલ અને અર્થપૂર્ણ એમ બંને પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે અને બન્નેમાં સફળતા પણ જોઈ છે. અક્ષય કહે છે, 'હું હવે કમર્શિયલ સફળતાનુું દબાણ ફિલ્મ પર લાદવામાં નથી માનતો. મેં ઘણી કમર્શિયલ ફિલ્મો પણ કરી છે અને બોક્સ ઓફિસના તોતિંગ આંકડા પણ જોઈ લીધા છે. હવે મને સમાજ પર પોઝિટિવ પ્રભાવ પાડે તેવી ફિલ્મો કરવામાં ખુશી મળી રહી છે.'
અક્ષયે પોતાની 'ટોઈલેટ: એક પ્રેમકથા' જેવી ફિલ્મોનાં ઉદાહરણ આપતા કહે છે, 'આ ફિલ્મ સેનિટેશનના મુદ્દા પર આધારિત હતી. તદ્દન જુદા જ વિષયને કારણે તે ચર્ચાનો વિષય બની ગઈ હતી. મને બરાબર યાદ છે, ઇન્ડસ્ટ્રીના લોકો મને કહેતા કે 'ટોઈલેટ:એક પ્રેમ કથા' તે વળી કેવું શીર્ષક છે? તું ગાંડો થઈ ગયો છે? શૌચાલયના મુદ્દા પર કંઈ ફિલ્મ બનતી હશે? પણ ફિલ્મ બની, વખણાઈ અને બોક્સ ઓફિસ પર પણ ચાલી.'
અક્ષય પોતાના ચાહકોને રીતસર વિનંતી કરે છે, 'મને સામાજિક વિષયોવાળી ફિલ્મો કરવા પ્રોત્સાહિત કરો. મને એવી ફિલ્મો કરવા દો જે આપણે બાળકો સાથે, આખા પરિવાર સાથે જોઈ શકીએ.'
એ વાતનો ઉલ્લેખ પણ કરવો જોઈએ કે અક્ષયની 'ઓએમજી-ટુ'નો વિષય પણ ખાસ્સો જોખમી હતો. આ ફિલ્મના કેન્દ્રમાં સેક્સ એજ્યુકેશન છે. કમબખ્તી એ થઈ ગઈ કે ખાસ તો તરુણ છોકરાઓને દેખાડવા જેવી આ ફિલ્મને એડલ્ટ્સ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ફિલ્મ તોય બોક્સ ઓફિસ પર સફળ થઈ.
સમાજ પર પોઝિટિવ અસર ને એ બધી વાતો બરાબર છે, પણ અક્ષય એક કમર્શિયલ એક્ટર છે અને કમર્શિયલ એક્ટર માટે કમર્શિયલ સક્સેસ આવશ્યક છે જ. તેથી જ અક્ષય હવે સફળ ફિલ્મોની સિક્વલ્સ અને રિમેક્સ પર આધાર રાખીને બેઠા છે. અક્ષય હવે 'હાઉસફુલ-ફાઇવ', 'બડે મિયાં છોટે મિંયા'ની સિક્વલ, એક સાઉથ ઇન્ડિયન ફિલ્મની રિમેક ઉપરાંત 'સ્કાય ફોર્સ' નામની ફિલ્મમાં દેખાશે. જોઈએ, અક્ષય પર આવનારા સમયમાં સિનેમાદેવના આશીર્વાદ ઉતરે છે કે કેમ!