Get The App

આમિર ખાને પુત્રી સાથે સંબંધો સુધારવા લીધી થેરપિસ્ટની મદદ

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
આમિર ખાને પુત્રી સાથે સંબંધો સુધારવા લીધી થેરપિસ્ટની મદદ 1 - image


- 'હું બુદ્ધિશાળી માણસ છું. મને લાગતું હતું કે હું દરેક પરિસ્થિતિની આરપાર જોઈ શકું છું, પણ ના, હું ખોટો હતો. આપણે દુનિયાદારીમાં ગમે તેટલા હોશિયાર હોઈએ તોય માનવીનું મન વાંચવામાં ઊણા ઉતરીએ છીએ. '

આ મિર ખાન જેવો પ્રથમ હરોળનો કલાકાર કોઈ થેરપિસ્ટની મદદ લે અને કબૂલે પણ ખરો કે થેરપિસ્ટ સાથેની બેઠકો પછી તેને પોતાની જાતને તપાસવા-સમજવામાં મદદ મળી તો આપણને ચોક્કસપણે આંચકો લાગે, પરંતુ આ વાત આમિરે સ્વયં કહી છે.

૫૯ વર્ષીય આમિરે આ વાત એક વીડિયો ઇન્ટરવ્યુ દરમિયાન સ્વમુખે કહી હતી. મેન્ટલ હેલ્થ વિષયક વિડિયો કન્વર્સેશનમાં આમિર સાથે તેની પુત્રી ઇરા પણ હતી. આમિર તેની ૨૭ વર્ષની પુત્રી ઇરા સાથેના નિસ્તેજ થઈ ગયેલા સંબંધોને ફરીથી ખીલવવામાગે છે. અગાઉ પણ આમિરે કહ્યું હતું કે જ્યારે તેનાં સંતાનો નાનાં હતાં અને તેમને પિતાની જરૂર હતી ત્યારે તે તેમની પાસે ભાગ્યે જ રહેતો. તેને કારણે તેના સંતાનો તેનાથી દૂર થઈ ગયાં હતાં, પરંતુ થેરપિસ્ટની મદદથી તેઓ તેમની વચ્ચે લાંબા સમયથી પડેલી ગાંઠો ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આમિર કહે છે, 'આ થેરપી તેને બહુ કામ આવી રહી છે. ખરેખર તો પુત્રી ઇરાએ જ મને આ થેરપી માટે આગ્રહ કર્યો હતો અને હવે હું બીજાઓને આ થેરપી લેવાની ભલામણ કરી રહ્યો છું. હું અને ઇરા એકસાથે થેરપી લઈ રહ્યા છીએ. અમે બન્ને થેરપિસ્ટ સાથે બેસીને ડિસ્કસ કરીએ છીએ કે અમારા સંબંધો શી રીતે સુધરે, વર્ષોથી અમારા સંબંધોની પડેલી ગાંઠો શી રીતે ઉકેલાય.'

ઇરા આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તાનું બીજું સંતાન છે. એણે ક્યારેય ગ્લેમર વર્લ્ડમાં રસ નથી લીધો કે તેમાં સામેલ થવાનો પ્રયાસ નથી કર્યો. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ડિપ્રેશન વિશે જણાવતી રહે છે. આ વર્ષના આરંભમાં જ તેણે ફિટનેસ ટ્રેનર નુપુર શિખરે સાથે પોતાનો સંસાર માંડયો છે.

મોડે મોડેથી પણ આમિરને પુત્રીની સમજાયું છે કે ભારતમાં થેરપી વિશે અકારણ શરમ-સંકોચ રાખવામાં આવે છે. તેથી જ એ જાહેરમાં આ મુદ્દે બોલતી રહે છે. આમિર કહે છે, 'હું બુદ્ધિશાળી માણસ છું. મને લાગતું હતું કે હું દરેક પરિસ્થિતિની આરપાર જોઈ શકું છું, પણ ના, હું ખોટો હતો. આપણે દુનિયાદારીમાં ગમે તેટલા હોશિયાર હોઈએ તોય માનવીનું મન વાંચવામાં ઊણા ઉતરીએ છીએ. થેરપિસ્ટે મને ખુદને ઓળખવામાં મદદ કરી. પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત હોય એવી વ્યક્તિ જ તમને તમારા સારા-નરસાં-નબળાં પાસાં દેખાડવામાં સહાય કરી શકે. આપણા દેશમાં એવી સર્વસામાન્ય માન્યતા છે કે માનસિક રીતે બીમાર વ્યક્તિ જ થેરપિસ્ટની મદદ લે, પરંતુ આ વાત અર્ધસત્ય છે. ચોક્કસ કેસમાં થેરપિસ્ટ તમને ઘણી મુશ્કેલીઓમાંથી ઉગારી શકે. મને પણ થેરપી લેવાને કારણે ઘણો ફાયદો થયો છે.'

જ્યારે આમિર ખાન આટલી ગંભીરતાથી વાત કરતો હોય ત્યારે આપણે તે કાન માંડીને સાંભળવું પડે, ખરું ને? 


Google NewsGoogle News