Get The App

આમિર ખાન જમીન પર... .

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
આમિર ખાન જમીન પર...                                   . 1 - image


- 'લોકોને 'લાલ સિંહ ચઢ્ઢા'માં મારી એક્ટિંગ નહોતી ગમી, પણ તમે જોજો, 'સિતારે જમીં પર'માં મારૂં પફોર્મન્સ જોઈને લોકો મારા વખાણ કરશે.'

- આમિરે ડિપ્રેશનમાંથી બહાર આવવા પ્રોફેશનલ થેરપીની મદદ લીધી હતી. પરફેક્શનિસ્ટ તરીકેની પોતાની ઈમેજ વિશે એ કહે છે, 'આઈ બિલીવ ઈન મેજિક, નોટ પરફેક્શનિઝમ.'

સુ શાંત સિંહ રાજપૂતના કમોત પછી ઢગલાબંધ આરોપોને કારણે એની છેલ્લી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની એક્ટિંગ કરીઅર પર લગભગ પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. એણે લાંબા સમય સુધી કોર્ટ અને જેલના ચક્કર લગાવવા પડયા હતા. એ બધી પીડા અને યાતનાને પાછળ મૂકી દઈને રિયા હવે પોતાની એક ઓળખ બનાવવા મચી પડી છે. તાજેતરમાં એણે પોતાના પોડકાસ્ટમાં સુપરસ્ટાર આમિર ખાનનો પેટછૂટો ઇન્ટરવ્યુ લઈને તરંગો પેદા કર્યા છે. 

રિયા સાથેના સંવાદમાં આમિરે પોતાની ફિલ્મોથી લઈ સ્ટારડમ સુધીની તમામ બાબતોમાં દિલ ખોલીને વાતો કરી. દાખલા તરીકે, રિયા એના ગુડ લુક્સના ભારોભાર વખાણ કરે છે ત્યારે એક્ટર કહે છે, 'હૃતિક હેન્ડસમ છે, સલમાન હેન્ડસમ છે, શાહરુખ ખરેખર હેન્ડસમ કહેવાય, પણ હું...' અહીં આમિર અટકી જાય છે. રિયા ટાપસી પૂરે છે, 'યુ આર ઓલ્સો હેન્ડસમ. કમસેકમ આ એક બાબતમાં આખું ઇન્ડિયા મારી સાથે એગ્રી થશે.' રિયા એને હેન્ડસમ એક્ટરોના લિસ્ટમાં સામેલ કરે છે ત્યારે એ બોલી ઉઠે છે, 'પણ લોકો મારી કપડાંની પસંદગી પર હસે છે, મજાક ઉડાડે છે!' 

આ પોડકાસ્ટમાં આમિર એક તબક્કે એવો ધડાકો કરે છે કે હું ફિલ્મોથી અળગો થવા માગું છું. 'મુઝે ફિલ્મો સે હટના હૈ,' એ કહે છે. તરત રિયા બોલી ઉઠે છે, 'જૂઠ!' પરંતુ આમિર ફરી ભારપૂર્વક કહે છે, 'નહીં. મૈં સચ બોલ રહા હું.'

૨૦૨૨માં આમિરની અતિ મહત્ત્વાકાંક્ષી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' ફ્લોપ થયા બાદ આમિર બહુ નાસીપાસ થઈ ગયો હતો. પોતાના બેનરની બિગ બજેટ ફિલ્મ 'લાહોર'નો લીડ રોલ એણે સની દેઓલને આપી દીધો છે, જ્યારે ડિરેક્શન રાજકુમાર સંતોષીને સોંપ્યું છે. દિલ્હીની એક ઇવેન્ટમાં પોતાના બ્રેકનો ઉલ્લેખ કરતા પ્રોડયુસર-એક્ટર આમિરે કહેલું, 'મૂળ પ્લાનિંગ તો એવું હતું કે 'લાલ સિંહ ચઢ્ઢા' બાદ નવી ફિલ્મનું શુટિંગ શરૂ કરી દેવું, પણ એને બદલે મેં બ્રેકનો નિર્ણય કર્યો. એક્ટર તરીકે હું કોઈ ફિલ્મ કરતો હોઉં ત્યારે એમાં એટલો ખોવાઈ જાઉં છું કે મારી લાઈફમાં બીજું કશું બનતું જ નથી. 'લાલ સિંહ ચઢ્ઢા' પછી હું 'ચેમ્પિયન' ફિલ્મમાં કામ કરવાનો હતો, જેની સ્ક્રિપ્ટ બહુ જ અદ્ભુત છે, પરંતુ એ કરવાને બદલે મને લાગ્યું કે મારે બ્રેક લઈ મારી મમ્મી, મારા ફેમિલી અને મારાં સંતાનો સાથે રહેવું જોઈએ.'

રિયાના ચેટ શોમાં આમિરે પોતાના ડિપ્રેશન, હિલીંગ થેરપી અને ફિલ્મો વિશે ઘણી વાતો કરી. આમિરે કબૂલાત સુધ્ધાં કરી કે દુ:ખમાંથી બહાર આવવા એણે પ્રોફેશનલ થેરપી સુધ્ધાંની મદદ લીધી હતી.વાતચીતમાં પોતાની પરફેક્શનિસ્ટ તરીકેની ઈમેજનો ઉલ્લેખ થતા આમિર ખુલાસો કરે છે, 'આઈ બિલીવ ઈન મેજિક, નોટ પરફેક્શનિઝમ.' 

આમિર હવે 'સિતારે જમીં પર' ફિલ્મમાં એક્ટર તરીકે દેખાશે. આ ફિલ્મની પ્રિક્વલ 'તારે જમીં પર'નું ડિરેક્શન પણ આમિરે કર્યું હતું. આમિર પોડકાસ્ટમાં કહે છે, 'લોકોને 'લાલ સિંહ ચઢ્ઢા'માં મારી એક્ટિંગ નહોતી ગમી, પણ તમે જોજો, 'સિતારે જમીં પર'માં મારૂં પફોર્મન્સ જોઈને લોકો મારા વખાણ કરશે.'

ટચવૂડ. ૫૮ વરસનો આમિર ઇન્ડસ્ટ્રીનો સૌથી જેન્ટલમેન એક્ટર્સમાંનો એક ગણાય છે. એણે રિયાને એની હિંમત બદલ ખૂબ બિરદાવી હતી. ૨૦૨૦માં સુશાંતના સુસાઇડ બાદ રિયાને રીતસર મીડિયા ટ્રાયલ ચાલ્યું હતું ને અને આરોપીના પાંજરામાં ઊભી કરી દેવાઈ હતી.  આવા કપરા કાળમાં કોઈ પણ વ્યક્તિ ભાંગી જાય, પણ રિયાએ એમાંથી બહાર આવવાનો નિર્ધાર કર્યો. આમિરે એના આ જુસ્સાની પ્રશંસા કરી. 

'લાલ સિંહ ચઢ્ઢા' માટે રિયાએ ઓડિશન આપ્યું હતું, પણ તે પાસ નહોતી થઈ અને નાયિકાનો રોલ કરીના કપૂરને ફાળે ગયો. રિયા પોતાના પોડકાસ્ટમાં આમિરને કહે છે, 'સર, હું ઓડિશનમાં પાસ નહોતી થઈ તોય તમે મને મેસેજ કરીને જાણ કરી હતી કે જેથી મારો જુસ્સો તૂટી ન જાય. આવું કોણ કરે છે? ઓડિશનમાં નાપાસ થનારાઓનો કોઈ ભાવ પણ પૂછતા નથી, પણ તમે બીજાઓ કરતાં ખરેખર અલગ છો, સર.'

આમિરને જેન્ટલમેન અમસ્તા જ થોડા કહે છે? 


Google NewsGoogle News