અલગારી સારાની રમતિયાળ રખડપટ્ટી
- 'સારા સાથે પ્રવાસ કરવો બહુ અઘરો છે. એ પ્રવાસ દરમ્યાન શાંતિથી બેસી શકતી જ નથી. એમાંય હોટલોમાં બેસી રહેવું તો એને જરાય પસંદ નથી. એને કાયમ બહાર રખડવા જ જવું હોય...' : જ્હાન્વી કપૂર
આમ આદમી આજે જેટલું ફરે છે એટલો ભૂતકાળમાં કદી ફરતો નહોતો. આજે વિશ્વમાં ગ્લોબ-ટ્રોટિંગ એટલે કે વિશ્વભ્રમણ એક ટ્રેન્ડ બની ચુક્યું છે. બોલિવુડ સ્ટાર સારા અલી ખાન રખડપટ્ટી કરવાની જબરી શોખીન છે. જોકે એને વિદેશ કરતાં દેશનાં એકાધિક સ્થળો ખૂબ આકર્ષે છે. આમેય ભારત જેવું અપાર ભૌગોલિક વૈવિધ્ય દુનિયાના બહુ ઓછા દેશો પાસે છે. ક્યાં રાજસ્થાન અને કચ્છનાં રણ, ક્યાં હિમાલયનાં બરફાચ્છાદિત શિખરો, ક્યાં ગોવાનો દરિયા ને ક્યાં જિમ કોર્બેટનાં જંગલો.
સારાની સોશિયલ મીડિયા પોસ્ટ જુઓ એટલે ખબર પડી જાય કે આ કન્યા ભારતનાં જુદાં જુદાં પર્યટન સ્થળોને કેટલો પ્રેમ કરે છે. એક પોસ્ટમાં સારાએ કહે છેઃ મને ભારતનાં ટુરિસ્ટ સ્પોટ્સ એટલાં તો પસંદ છે કે મારા ઘરમાં રમૂજથી કહેવાય છે કે સારા માટે યુકે એટલે યુનાઈટેડ કિંગડમ નહીં, પણ ઉત્તરાખંડ!
ભારતની ઓળખ બની ગયેલું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વૈવિધ્ય દેશનાં જુદાં જુદાં સ્થળોમાં ઝળકે છે. ગુરુદ્વારા બંગલા સાહિબ, અજમેર શરીફ દરગાહ અને કેદારનાથ મંદિર ખાતે થયેલા નીરવ અનુભવોએ સારા પર અમીટ છાપ છોડી છે. આંતરિક શાંતિ અને કુદરતના બાહ્ય સૌંદર્ય સાથે ચમત્કારિક જોડાણ સારાએ ભારત સિવાય બીજે ક્યાંય અનુભવ્યું નથી.
'મારા માટે સ્થાનિક અનુભવો ખૂબ મહત્ત્વના છે,' સારા કહે છે, 'હું જ્યાં પણ જાઉં તે જગ્યાની સંસ્કૃતિ મારે જાણવી હોય છે. ત્યાંનો ખોરાક, ત્યાંના રીત-રિવાજ, ત્યાંનાં કપડાં... હું તો હાથેથી જ સ્થાનિક વાનગીઓ ખાઉં છું. ટુરિસ્ટ સ્પોટ પર મોટી હોટલોમાં છરી-કાંટાથી ખાવામાં શું મજા છે? હું જે-તે સ્થળ સાથે એકરૂપ થવામાં માનું છું.'
સારા અલી ખાન પોતાના પ્રવાસનાં સંસ્મરણો તાજા કરતાં કહે છે, 'એક વાર મેં દિલ્હીથી જયપુર સુધી રોડ ટ્રિપ કરી હતી. ભારતની ખરી સુંદરતાના દર્શન મને ત્યારે થયા હતા. મારી પહેલી જ ફિલ્મ 'કેદારનાથ'નું શૂટીંગ આધ્યાત્મિક્તાથી ભરપૂર સ્થળે થયું હતું. આ શૂટ દરમ્યાન જાણે આપણા દેશ સાથેનો મારો સંબંધ વધારે મજબૂત થયો હોય તેવું મને લાગ્યું હતું. આ અનુભવ મારા માટે અવિસ્મરણીય છે. 'કેદારનાથ'ના શૂટિંગ વખતે અમે મેં જેટલી નીરવતા અને શાંતિ અનુભવી હતી એવી અગાઉ ક્યારેય નહોતી અનુભવી. મેઘાલય, ઓરિસ્સા અને દક્ષિણનાં અમુક સ્થળોએ હજુ સુધી હું ગઈ નથી. મારે હવે ત્યાં ફરવા જવું છે. મને ખાતરી છે કે અહીં પણ તેને અદભુત અનુભૂતિ જ થશે.'
સારાને નવાં નવાં સ્થળો જોવાનો એટલો તો શોખ છે કે એના મિત્રો થાકી જાય છે. જ્હાન્વી કપૂર કહે છે, 'સારા સાથે પ્રવાસ કરવો બહુ અઘરો છે. એ પ્રવાસ દરમ્યાન શાંતિથી બેસી શકતી જ નથી. એમાંય હોટલોમાં બેસી રહેવું તો એને જરાય પસંદ નથી. એને કાયમ જુદાં જુદાં સ્થળોએ રખડવા જ જવું હોય.'
સારા અલી ખાન માને છે કે પ્રવાસ દરમિયાન સહપ્રવાસીઓના અને ઇવન પોતાની જાતનાં નવાં નવાં પરિમાણો સામે આવે છે. પિતા સૈફ અલી ખાન સાથેના પ્રવાસ દરમ્યાન પહેલી વાર હિમવર્ષાને જોઈને થયેલા અનુભવને યાદ કરતાં સારા કહે છે, 'પ્રવાસ આપણામાં એક પ્રકારની નિર્દોષતા અને ભારોભાર વિસ્મય ભરી દે છે.'
હરિયાણામાં આવેલા પિતાના હેરિટેજ હોમ પટૌડી પેલેસ ખાતે સમય વિતાવવો સારાને ખૂબ ગમે છે. આસપાસની હરિયાળી અને ખુશનુમા વાતાવરણ પેલેસની સુંદરતાને ઔર તીવ્ર બનાવી મૂકે છે. સારા દૃઢપણે માને છે કે દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે એવું બધું જ ભારતમાં ભરપૂર માત્રામાં છે. સમુદ્રની નિર્મળતાથી લઈને પહાડોની નીરવતા અને વ્યસ્ત શહેરની ગતિશીલતા જેવા તમામ અનુભવ પ્રવાસી ભારતમાં મેળવી શકે છે. સારા યંગસ્ટર્સને સલાહ આપતાં કહે છે, 'જો શક્ય હોય તો કોલેજ લાઇફ પૂરી થાય તે પહેલાં જ કેરળથી લઈને કાશ્મીર સુધીમાં જેટલાં સ્થળો ખૂંદી વળાય એટલાં ખૂંદી લો. ભારતના સૌથી અંતરિયાળ ખૂણાઓ પણ પ્રવાસીને અદ્વિતીય અનુભવ આપવા સમર્થ છે.'
બિલકુલ. સારાની આ વાત સાથે સહમત થયા વગર છૂટકો નથી.