બેકારીના આલમમાં આહના કુમરાએ હવે પ્રોડયુસર બનવાનું પસંદ કર્યું
- 'હાલ તો મારું પૂરું ફોકસ મારા પ્રોડક્શન હાઉસ પર છે. મારા માટે હવે એ જ રસ્તો છે. મને કોઈ રોલ ઑફર થશે તો હું કરીશ, પણ મારી શરતે.'
એક જમાનામાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માત્ર એક્ટરો જ પ્રોડયુસર બની શકતા, એકટ્રેસોને એ પ્રિવિલેજ નહોતો મળતો. કદાચ એટલા માટે કે હીરો લોકોની તુલનામાં હીરોઈનોની ઇન્કમ બહુ ઓછી રહેતી. આજે હીરોઈનો મોં માગી પ્રાઇઝ વસુલતી થઈ છે એટલે એમના માટે ફિલ્મોના પ્રોડક્શનનો માર્ગ મોકળો થયો છે. અનુષ્કા શર્મા, તાપસી પન્નુ અને રિચા ચઢ્ઢા જેવી એકટ્રેસો પ્રોડયુસર બની ચુકી છે. હવે આ ક્લબમાં આહના એસ.કુમરા પણ સામેલ થઈ છે.
આહના કુમરાએ મીડિયામાં પોતે પ્રોડક્શન હાઉસ શરૂ કર્યાની જાહેરાત કરી દીધી છે. થોડા દિવસ પહેલા એણે પૂજાઅર્ચના સાથે પ્રોડક્શન હાઉસ લોન્ચ કર્યું. એની પ્રોડક્શન કંપની ઓટીટી પ્લેટફોર્મ્સ અને થિયેટ્રિકલ રિલિઝ બંને માટે ફિલ્મો અને વેબ-સીરિઝ બનાવશે. સવાલ એ છે કે ૩૯ વરસની આહનાને અચાનક એક્ટરમાંથી પ્રોડયુસર બનવાનું ચાનક ક્યાંથી ચડી? છેલ્લે, ૨૦૨૨માં મધુર ભંડારકરની સીધી ઓટીટી પર રિલિઝ થયેલી ફિલ્મ 'ઇન્ડિયા લોકડાઉન'માં જોવા મળેલી કુમરા એનું કારણ આપતા કહે છે, 'મને છેલ્લા ત્રણ વરસથી કોઈ વેબ-શૉ કે ફિલ્મની ઑફર થઈ નથી એટલે મેં પ્રોડક્શનમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો. મને હવે શૉની ઑફર્સ મળતી નથી. બાકી, એક સમયે મને ઓટીટીાં કેટલું બધું કામ મળતું હતું, પણ મેં શૉ કર્યાને જાણે વરસો થઈ ગયા. લોગ સાલ મેં એક-દો શૉ કર લેતે હૈં, મૈં તો વો ભી નહીં કર રહી.'
કુમરાએ એક ઇન્ટરવ્યૂમાં હમણાં એવી હૈયાવરાળ ઠાલવી હતી કે મેકર્સ હવે મારા ઓડિશન્સ લીધા બાદ ગાયબ થઈ જાય છે. પોતાની પ્રતિભા પુરવાર કરી ચુકેલી એક એકટ્રેસની આવી ઉપેક્ષા થવાનું કારણ શું છે એવું પૂછાતા આહના બધડક થઈને એનો જવાબ આપે છે, 'હવે ઇન્ડસ્ટ્રીમાં એવું થઈ ગયું છે કે મેકર્સ કાં તો પોતાના પ્રોજેક્ટ માટે એ- લિસ્ટર એક્ટરને સાઇન કરે અથવા તેઓ એવા આર્ટિસ્ટ પર પસંદગી ઉતારે જે ઓછો ચાર્જ કરે. મેં આ ગુડ એક્ટરનો ટેગ ઘણાં લાંબા અરસા સુધી લગાવી રાખ્યો, પણ હવે હું એનાથી કંટાળી ગઈ છું. અગર કામ નહીં મિલ રહા તો યે ટેગ લે કે મુઝે કુછ કરના નહીં હૈ. મારે પણ ઘરના બિલ્સ ચુકવવાના છે.'
આહનાનો હવે પછીનો પ્લાન શું છે એવી મીડિયાનો પૃચ્છાના ઉત્તરમાં અભિનેત્રી કહે છે, 'હાલ તો મારું પૂરું ફોકસ મારા પ્રોડક્શન હાઉસ પર છે. મારા માટે હવે એ જ રસ્તો છે. મને કોઈ રોલ ઑફર થશે તો હું એ મારી શરતે કરીશ.' આવા મુશ્કેલીના સમયમાં પણ કુમરાનું ફિલ્મો માટેનું પેશન લગીરે ઓછું નથી થયું, બિલકુલ અકબંધ છે. 'સિનેમામાં કામ કરવું મારું એક એક સ્વપ્ન છે જે હું સહેલાઈથી જતું નહિ કરું. હવે હું પ્રોડક્શન મારફત મારા એ સપનાને જીવંત રાખીશ. બાકી, મારે હવે કોઈની રાહ નથી જોવી, બસ કામ કરતા રહેવું છે,' એમ કહી આહના પોતાની વાતનું સમાપન કરે છે.