અખ્તર પરિવારની અનોખી દાસ્તાન
જાં નિસારની શાયરીથી લઈને ફરહાનનું મલ્ટિટાસ્કિંગ
આ જકાલ મોબાઈલ ફોનને કારણે લોકો નજીક આવવાની જગ્યાએ એકબીજાથી ભાવનાત્મક રીતે દૂર થઈ રહ્યા છે. અગાઉ લોકો દેશ-વિદેશમાં રહેતા પોતાના સગાં-સંબંધી, પ્રેમી-પ્રેમિકાને પત્ર લખવા માટે કલાકોનો સમય કાઢતા. આ દરમિયાન હેન્ડરાઈટિંગથી લઈને પત્રની વિશેષ સુગંધ સુધીની વસ્તુઓનું ઝીણવટપૂર્વક ધ્યાન રાખવામાં આવતું હતું. એટલે જ કદાચ પત્રલેખન પર વિશ્વની લગભગ દરેક ભાષાઓમાં અનેક પુસ્તકો લખવામાં આવ્યા છે. ઉર્દૂ ભાષામાં લખવામાં આવેલાં આવાં બે પુસ્તકોનું બોલિવુડ કનેક્શન છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવવા તે સમયના બોમ્બે ગયેલા કવિને ભોપાલમાં બેઠેલી પત્ની જ્યારે પત્ર લખતી ત્યારે, લખાણમાં ભોળપણની સાથે લાગણીઓની ચાસણી ડૂબાડતી હતી. તેના જવાબમાં પતિ શાયરી કે ગઝલ લખીને મોકલતો ત્યારે પત્નીના જીવમાં જીવ આવતો હતો. બંને દુખીયારા હતાં. પત્ની ભોપાલમાં બાળકોની સારસંભાળ રાખવાની સાથે સ્કૂલમાં નોકરી કરીને પતિને નાણાં મોકલતી હતી,જ્યારે પતિ રોજબરોજ 'આજે મને કામ મળી જશે' તેવી આશા સાથે પોતાની નાનકડી ખોલીમાંથી નીકળતો અને સાંજે પાછો નિરાશામાં ગરકાવ થઈને પરત ફરતો હતો. આ નિત્યક્રમ દરમિયાન કવિ પતિ અને તેની પત્ની સફ્ફો વચ્ચે થયેલા પત્રવ્યવહારમાં કેટલાક પ્રેમના સુંદર પ્રસંગો સામે આવે છે.
પતિ તરફથી ઘણા સમયથી પત્ર ન મળતા ગુસ્સે ભરાયેલી પત્ની સફ્ફો લખે છે, મને ભૂલી ગયા કે શું? મને તો લાગે છે તમે મને પ્રેમ જ નથી કરતાં..બીજી તરફ, હું છું જે તમારી યાદો સિવાય કંઈ વિચારતી નથી..દિવસ-રાતમાં અંધકાર છવાઈ ગયો છે. દોસ્ત, તું પરત આવી જા.. જીવન પરથી મારો વિશ્વાસ ઉઠી જાય તે પહેલાં.
પત્ની સફ્ફોના આક્ષેપનો શાયર પતિ જવાબ આપે છે કે-
'મૈં તુઝે ચાહતા નહીં લેકિન,
ફિર ભી જબ પાસ તૂ નહીં હોતી,
ખુદ કો કિતના ઉદાસ પાતા હૂં,
ગુમ સે અપને હવાસ પાતા હૂં,
જાને ક્યાં ધૂન સમાઈ રહેતી હૈ,
એક ખામોશી-સી છાઈ રહેતી હૈ,
દિલ સે ભી ગુફ્તગુ નહીં હોતી,
મૈં તુઝે ચાહતા નહીં લેકિન....'
ત્યારે, સફ્ફોનો જવાબ આવે છે કે, તમારી આ રચના વાંચીને મારી આંખોમાંથી આંસુ સરી પડયાં. મને લાગ્યું કે મેં પહેલી વખત તમારી શાયરીને જીતી લીધી. બસ, આજે તો આ વાત મને ઊંઘવા નહીં દે. .
જેનો ઉત્તર શાયર પતિ આપે છે કે-
'અશઆર મિરે યૂં તો જમાને કે લિયે હૈં
કુછ શેર ફક્ત ઉન કો સુનાને કે લિયે હૈં
અબ યે ભી નહીં ઠીક કી દર્દ મિટા દે,
કુછ દર્દ કલેજે સે લગાને કે લિયે હૈં..'
અશઆર એટલે શેરનું બહુવચન. આ પત્રના ઘણા સમય બાદ પણ કોઈ પત્ર ન મળતાં સફ્ફો લખે છે કે તમારી તબિયત તો સારી છે ને દીકરા જાદુને ફરી તાવ આવ્યો છે. તમારા વગર એકલતામાં લાગે છે કે હું પાગલ થઈ જઈશ. તમારા પત્રો જ મારો સહારો છે...મહેરબાની કરીને મને પત્ર લખો...
ત્યારે સામેથી જવાબ આવે છે કે, 'કિતને દિન મેં આયે હો સાથી, મેરે સોતે ભાગ જગાને, મુઝ સે અલગ એક બરસ મેં ક્યા ક્યા બીતી તુમ પે ન જાને... દેખો કિતને થક સે ગયે હો, કિતની થકન આંખો મેં ધુલી હૈ, આઓ તુમ્હારે વાસ્તે સાથી, અબ ભી મેરી આગોશ ખુલી હૈ..'
આ સંબંધોની કરુણાંતિકા પત્ની સફ્ફોના મૃત્યુ પહેલાંના છેલ્લા પત્રમાં જોવા મળી હતી. સફ્ફો લખે છે, તમે જલ્દીથી આવો... મને મરવા ના દો... હું ખૂબ થાકી ગઈ છું સાથી... તમારા ખોળામાં માથું નાખીને સૂવા માંગુ છું... પછી તો તમારો સાથ આપવા માટે હું પાછી ઊભી થઈ જઈશ..
બસ, આ પત્ર લખ્યા બાદ સફ્ફો તેની બહેન સાઈદા હમીદાના ખોળામાં માથું નાખીને મૃત્યુ પામે છે. પત્નીની દફન વીધી કરવા માટે લખનઉ જઈ રહેલો પતિ લખે છે કે, 'લખનઉ મેરે વતન મેરે ચમન-ઝાર વતન, તેરે ગહવારા-એ-આગોશ મેં એ જાન-એ-બહાર, અપની દુનિયા-એ-હસીં દફન કિએ જાતા હૂં, તૂને જિસ દિલ કો ધડકને કી અદા બખશી થી, આજ વો દિલ ભી દફન કિએ જાતા હૂં..'
ભારતીય ફિલ્મ જગતના જાણીતા ગીતકાર જાં નિસાર હુસૈન અખ્તર અને તેમની પત્ની સફિયા વચ્ચેના પત્રો તેમના અતૂટ પ્રેમનું પ્રમાણપત્ર છે. કદાચ આજની પેઢીને પ્રેમ એટલે શું તે જાણવું હોય તો, સફિયા અખ્તરના પત્રોની બે પુસ્તકો, 'હર્ફ-એ-આશ્રા' અને 'જેર-એ-લબ' (હિન્દી અનુવાદઃ તુમ્હારે નામ)વાંચવા જેવી છે. હર્ફ-એ-આશ્રાનો મતલબ થાય છે, ઓછું ભણેલું અને જેર-એ-લબનો મતલબ થાય છે, ધીમેથી કહેવામાં આવેલું. ભારતના જાણીતા ગીતકારોમાંના એક જાવેદ અખ્તરનાં માતા-પિતાનો સંવાદ તેમના પરિવારની એક પરંપરાને દર્શાવે છે. તેમના પરિવારની છ પેઢીઓ કલા જગત સાથે સંકળાયેલી છે. આવો, આ શબ્દોની જુગલબંધી માટે જાણીતા પરિવાર વિશે જાણીએ..
પહેલી પેઢી
જાં નિસાર અખ્તર
ઉર્દૂ સાહિત્યના કેટલાક શ્રેષ્ઠ અને મહત્વપૂર્ણ કવિઓની યાદીમાં જાં નિસાર અખ્તરનું નામ પણ સામેલ છે. જાન નિસાર અખ્તરનો જન્મ ૧૮ ફેબુ્રઆરી ૧૯૧૪ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. તેમનું અસલી નામ 'સૈયદ જાં નિસાર હુસૈન રિઝવી' હતું. 'અખ્તર' તેમનું ઉપનામ હતું. તેમનું વતન ખૈરાબાદ છે. તેમનો ઉછેર અને શિક્ષણ એક બૌદ્ધિક અને સાહિત્યિક પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ મુઝતાર ખૈરાબાદી હતું, જેઓ તેમના સમયના પ્રખ્યાત કવિ હતા.
આઝાદી પછી ગ્વાલિયરમાં રમખાણોની સ્થિતિ જોઈને જાં નિસારના પરિવારે ભોપાલ આવવું પડયું. અહીં તેમણે હમીદિયા કાલેજમાં ઉર્દૂ અને ફારસી વિભાગના વડા તરીકે કામ કર્યું હતું. આ સમય દરમિયાન, જાં નિસાર અખ્તર 'પ્રોગરેસિવ રાઈટર્સ મૂવમેન્ટ'નો એક ભાગ બની ગયા હતાં. ૧૯૪૯ માં તેમણે નોકરીમાંથી રાજીનામું ધરી દીધું અને બોમ્બે ગયા. બોમ્બેમાં તેમની મુલ્ક રાજ આનંદ, કિષ્ન ચંદર, રાજીન્દર સિંઘ બેદી અને ઈસ્મત સાથે દોસ્તી થઈ. તેઓ 'બોમ્બે ગુ્રપ ઓફ રાઈટર્સ' તરીકે ઓળખાવા લાગ્યા હતા. જાન નિસાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પહેલું ગીત લખે તે પહેલા જ તેમની પત્નીનું કેન્સરના કારણે મૃત્યુ થયું હતું. પત્નીના મોતના બે વર્ષ બાદ તેમને ૧૯૫૫માં 'યાસ્મીન' ફિલ્મમાં ગીતકાર તરીકે બ્રેક મળ્યો હતો. તેમણે તે સમયના મહાન કિશોર કુમાર, લતા મંગેશકર જેવા ગાયકો સાથે કામ કર્યું હતું. તેમણે 'બહુ બેગમ' જેવી ફિલ્મની સ્ટોરી લખી અને પ્રોડયુસ પણ કરી હતી.
જાં નિસાર અખ્તરે ૧૯૪૩માં પ્રખ્યાત ઉર્દૂ કવિ મજાઝની બહેન સફિયા સાથે લગ્ન કર્યાં હતાં. જાં નિસાર અને સફિયાને બે બાળકો હતાં. જાવેદ અખ્તર અને સલમાન અખ્તર. સફિયાના કેન્સરથી મૃત્યુ બાદ બાળકોની જવાબદારી સગાસંબંધીઓએ લીધી હતી. સફિયાના મૃત્યુના ત્રણ વર્ષ બાદ જાન નિસારે ખાદિજા તલત સાથે લગ્ન કર્યા હતાં. આ લગ્નથી તેમને ત્રણ બાળકો થયા હતાં. ઉનેઝા અખ્તર, અલ્બિના શર્મા અને શાહિદ અખ્તર.
બીજી પેઢી
જાવેદ અખ્તર
૧૭ જાન્યુઆરી, ૧૯૪૫ના રોજ જાં નિસાર અખ્તર અને સફિયાના ઘરે બાળક જાદુનો જન્મ થયો હતો. તેને ઘણા સમય બાદ જાદુથી મળતું આવતું નામ જાવેદ આપવામાં આવ્યું હતું. પિતા જાણીતા ગીતકાર હોવા છતાં જાવેદનું જીવન સંઘર્ષમય હતું. માતાના મૃત્યુ બાદ સગાસંબંધીઓના ઘરે ઉછરેલો જાવેદ ૧૯૬૪માં મુંબઈ આવ્યો હતો. આ દરમિયાન કરવી પડેલી સ્ટ્રગલને લઈને તેમણે લખ્યું હતું કે, 'મુઝ કો યકીં હૈ સચ કહતી થી જો ભી અમ્મી કહતી થી, જબ મેરે બચપન કે દિન થે ચાંદ મે પરિયાં રહતી થી, એક દિન જબ અપનો ને ભી હમ સે નાતા તોડ લિયા, એક વો દિન જબ પેડ કી શાખેં બોઝ હમારા સહતી થી, એક યે દિન જબ સારી સડકે રુઠી રુઠી લગતી હૈ, એક વો દિન જબ આઓ સારી ગલિયા કહતી થી, એક યે દિન જબ જાગી રાતે દિવારો કો તકતી હૈ, એક વો દિન જબ શામો કી ભી પલકે બોઝલ રહતી થી....'તેમને વર્ષ ૧૯૬૯માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રથમ બ્રેક મળ્યો હતો. સલીમ ખાન સાથેની તેમની જોડીએ ૨૫ સફળ ફિલ્મોની સ્ટોરી લખી હતી. આ જોડી તૂટયા બાદ જાવેદ અખ્તરે ગીતકાર તરીકે અનેક સુપરહિટ ગીતો આપ્યા છે. બોર્ડરનું 'સંદેશે આતે હૈ', આજે પણ દૂર વિદેશમાં બેઠેલા લોકોની આંખમાં આસું લાવી દે છે. અનેક એવોર્ડ્સ જીતનારા જાવેદ અખ્તર રાજ્યસભાના સાંસદ પણ રહ્યાં છે.
પહેલી પત્ની
હની ઈરાની
જાવેદ અખ્તર અને હની ઈરાનીની પહેલી મુલાકાત ફિલ્મ 'સીતા ઔર ગીતા'ના સેટ પર થઈ હતી. એક વખત ફિલ્મના સેટ પર જ પત્તા રમતી વખતે જાવેદ અખ્તરે હનીને કહ્યું કે, જો આ ગેમ હું જીત્યો તો તારી સાથે લગ્ન કરીશ અને થયું પણ એવું જ.. છેવટે, હની ઈરાનીના પરિવારને સમજાવવાની જવાબદારી જાવેદ અખ્તરે તેમના તે સમયના ખાસ મિત્ર સલીમ ખાનને સોંપી હતી. સલીમ ખાને હનીની માતાને કહ્યું કે, 'એક છોકરો છે, જે તમારી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે. પણ, ખાલી તેની પાસે રહેવા માટે ઘર નથી અને પત્તા રમવા તથા દારૂ પીવાનો શોખીન છે.' આ સાંભળીને હનીની માતાએ કહ્યું કે, 'કરવા દો એને લગ્ન, ભોગવશે તે..' છેવટે, ૧૯૭૨માં જાવેદ અને ૧૭ વર્ષની હનીએ લગ્ન કર્યાં હતાં. તે સમયે જાવેદ અખ્તર અને હની પાસે રહેવા માટે ઘર નહોતું. તેઓ હનીની મોટી બહેન મેનકા (ફરહા ખાન અને સાજીદ ખાનની માતા)ના ઘરના એક રૂમમાં રહેતા હતાં. આ સમય દરમિયાન તકલીફો એવી કે, બંને પરોઢિયે ૪ વાગ્યે પાણી ભરવા ઊઠતા હતાં અને ઉનાળામાં ટાઈલ્સ પર પાણી છાંટીને ગરમીથી રાહત મેળવતા હતાં. તેમને બે બાળકો છે, ઝોયા અને ફરહાન.
હની ઈરાની અને તેની બહેન ડેઇઝી ઈરાનીએ અનેક ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું છે. બંને બહેનો એટલી પ્રખ્યાત બાળ કલાકાર હતી કે, તેમના માટે સ્પેશિયલ સ્ક્રિપ્ટ લખવામાં આવતી હતી. હનીએ ૭૨ જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે. લગ્ન બાદ સંપૂર્ણ સમય બાળકોની દેખરેખ પાછળ વીતાવનારી, હનીએ ૧૯૯૩માં યશ ચોપરાની પત્ની પેમને 'આઈના' નામની ટીવી સિરિયલ માટે તેણે લખેલી સ્ટોરી સંભળાવી હતી. જેના પરથી યશ ચોપરાએ ફિલ્મ બનાવી હતી. ત્યારબાદ, તેણે 'લમહે', 'ડર', 'કયાં કહેના' જેવી હટ કે ફિલ્મો લખી હતી. 'દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે'માં પણ હનીએ મદદ કરી હતી પરંતુ, તેને ક્રેડિટ આપવામાં આવી નહતી. હૃતિકને લોન્ચ કરવા માટે રાજેશ રોશને હની ઈરાનીનો જ સહારો લીધો હતો. હનીએ 'કહો ના પ્યાર હૈ', 'કોઈ મિલ ગયા', 'ક્રિશ' અને 'ક્રિશ-૩' જેવી ફિલ્મોના સ્ક્રીનપ્લે લખ્યા છે.
બીજી પત્ની
શબાના આઝમી
પ્રખ્યાત ઉર્દુ કવિ અને ગીતકાર કૈફી આઝમી અને થિયેટરની જાણીતી અભિનેત્રી શૌકત કૈફીના ઘરે ૧૮ સપ્ટેમ્બર, ૧૯૫૦ના રોજ દીકરી શબાના આઝમીનો જન્મ થયો હતો. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયા, પૂણેમાંથી અભિનય શીખેલી શબાનાએ ૧૯૭૪માં શ્યામ બેનેગલની ફિલ્મ 'અંકુર' સાથે ડેબ્યુ કર્યું હતું. શબાનાએ ફિલ્મ 'ગોડમધર' , 'પાર' અને 'અર્થ'માં અદભૂત પરફોર્મન્સ સાથે અભિનયનો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો હતો. આર્ટ ફિલ્મોની મૂવમેન્ટ ચલાવનાર શબાનાએ ૧૬૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. શબાનાએે પાંચ નેશનલ એવોર્ડની સાથે છ ફિલ્મફેર એવોર્ડ્સ જીત્યાં છે. વર્ષ ૧૯૯૮માં તેમને પદ્મ શ્રી અને ૨૦૧૨માં પદ્મ ભુષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમનો ભાઈ બાબા આઝમી સિનેમેટોગ્રાફર છે. શબાનાની ભાભી તનવી આઝમી પણ અભિનેત્રી છે. જ્યારે, અભિનેત્રીઓ ફરાહ નાઝ અને તબ્બુ તેમની ભાણી છે.
શબાનાએ ૧૯૭૦ની આસપાસ બેન્જામિન ગિલાની સાથે સગાઈ કરી હતી. જે છેવટે તેમણે તોડી નાખી હતી. શેખર કપૂરને ડેટ કરી રહ્યાં હોવાની પણ ચર્ચાઓ થઈ હતી. ત્યારબાદ, બે બાળકોના પિતા જાવેદ અખ્તર સાથે સંબંધોનો તેમના પરિવાર દ્વારા ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો. જાવેદ-શબાનાએ ૧૯૮૪માં લગ્ન કર્યાં હતાં. આ લગ્નના એક વર્ષ બાદ હની અને જાવેદ અખ્તરના ડિવોર્સ થયા હતાં. શબાનાના જણાવ્યા અનુસાર, આ સામાન્ય સંબંધો નહતાં. જાવેદ અખ્તરને બે બાળકો હોવાને કારણે તેમણે ઘણી વખત સંબંધો ખતમ કરવાનું નક્કી કર્યું હતું. આજે શબાના ઝોયા-ફરહાન સાથે સારા સંબંધો ધરાવે છે.
ત્રીજી પેઢી
ઝોયા અખ્તર
જાવેદ અખ્તર અને હની ઈરાનીની મોટી દીકરી ઝોયાનો જન્મ ૧૪ ઓક્ટોબર, ૧૯૭૨ના રોજ થયો હતો. ઝોયાએ ન્યુ યોર્ક યુનિવસટીમાંથી ફિલ્મ મેકિંગમાં ડિપ્લોમા કર્યા બાદ મીરા નાયર, ટોની ગેર્બર અને દેવ બેનેગલના આસિસ્ટ્ન્ટ ડિરેક્ટર તરીકે કામ શરૂ કર્યું હતું. માતા હનીના મતે, લેખનમાં માહિર એવી ઝોયાએ વર્ષ ૨૦૦૯માં ફિલ્મ 'લક બાય ચાન્સ'માં ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું. તેની 'ઝિંદગી ના મિલેગી દોબારા', 'તલાશ- ધ આન્સર લાઈઝ વિધીન', 'ગલી બોય' જેવી ફિલ્મોને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. વર્ષ ૨૦૨૩માં તેની 'ધ આચઝ' અને 'ખો ગયે હમ કહા'ં જેવી ફિલ્મો નેટફ્લિકસ પર રિલીઝ થઈ હતી. આ સિવાય તેણે નેટફ્લિક્સના 'લસ્ટ સ્ટોરિઝ' અને 'ઘોસ્ટ સ્ટોરિઝ'ના અમુક સેગમેન્ટના લખવાની સાથે ડિરેક્ટ પણ કર્યા છે.
ફરહાન અખ્તર
ફરહાનનો જન્મ ૯ જાન્યુઆરી, ૧૯૭૪ના રોજ થયો હતો. તેને સ્કૂલ જવાથી નફરત હતી. એક દિવસ તેણે અચાનક જ કોલેજ છોડી દીધી હતી. દિશાહીન ફરહાનને એક વખત તો માતાએ ઘરમાંથી બહાર કાઢી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે, અચાનક એક દિવસ ફરહાન ઘરે પહોંચીને માતા હનીને કહે છે, આજે તો મે આમિર ખાનને સ્ક્રિપ્ટ સંભળાવી. માતાને તેની વાત પર પહેલા તો વિશ્વાસ ન થયો પરંતુ, ત્યારબાદ આવેલી ફિલ્મ 'દિલ ચાહતા હૈ', દર્શકોની સાથે માતા હનીને ખૂબ જ પસંદ પડી હતી. વર્ષ ૨૦૦૮માં ફિલ્મ 'રોક ઓન' સાથે તેણે અભિનેતા તરીકે ડેબ્યુ કર્યું હતું. તેણે 'ડોન' સીરિઝ, 'ભાગ મિલ્ખા ભાગ','રઈસ' જેવી ફિલ્મો બનાવી છે. હાલમાં, રિલીઝ થયેલી ફિલ્મ 'આચઝ'ના ડાયલોગ ફરહાને જ લખ્યા હતાં.
'દિલ ચાહતા હૈ'ના સેટ પર ફરહાનની મુલાકાત હેરસ્ટાઈલિસ્ટ અધુના ભવાની સાથે થઈ હતી. લગભગ ત્રણ વર્ષના ડેટિંગ બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. તેમને બે બાળકીઓ છેઃ શાક્યા અને અકીરા. બંનેએ ૧૬ વર્ષના લગ્નજીવન બાદ અલગ થવાનું નક્કી કર્યું હતું. ડિવોર્સ બાદ અધુનાને બાળકીઓની કસ્ટડી સોંપવામાં આવી હતી. વર્ષ ૨૦૧૮થી ડેટ કરી રહેલી ફરહાન અને વીજે શિબાની ડાંડેકરની જોડીએ ફેબુ્રઆરી, ૨૦૨૨માં ખંડાલાના ફાર્મહાઉસમાં કોઈપણ પ્રકારની વિધિ વગર લગ્ન કર્યા હતાં.
કબીર અખ્તર
જાવેદ અખ્તરના સગા ભાઈ સલમાન અખ્તરનો દીકરો કબીર અમેરિકન ટેલિવિઝનનો જાણીતો ડિરેક્ટર છે. કબીરે ૨૦૦૭માં જાણીતી બ્રિટિશ કોમેડી 'મુંબઈ કોલિંગ'ના ત્રણ એપિસોડ્સ ડિરેક્ટ કર્યા હતાં. તેણે ૨૦૧૬માં એમી એવોર્ડ જીત્યો હતો. તેના જાણીતા પ્રોજેક્ટસ્માં 'નેવર હેવ આઈ એવર', 'અરેસ્ટેડ ડેવલપમેન્ટ', 'ક્રેઝી એક્સ ગર્લફ્રેન્ડ' અને 'બિહાઈન્ડ ધ મ્યુઝિક', 'યંગ શેલ્ડન'નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે એમટીવી અને કોમેડી સેન્ટ્ર્લ જેવી ચેનલ્સ માટે ઘણા શો ડિરેક્ટ કર્યા છે. તેણે ૨૦૧૬માં એમી એવોર્ડ જીત્યો હતો. હ