ભારતીય સિનેમાનો રોમાંચક ફ્લેશબેક .
- દાસ્તાન-એ-સિનેમા
- ઈન્સ્ટા રીલ સાઈઝની ફિલ્મો
એન્ટ્રી ઓફ સિનેમેટોગ્રાફે - 1 મિનિટ
ધ સી બાથિંગ - 38 સેકન્ડ
અરાઈવલ ઓફ અ ટ્રેન - 50 સેકન્ડ
ડિમોલિશન ઓફ અ વોલ - ૪૮ સેકન્ડ
લેડિઝ એન્ડ સોર્લ્જસ ઓન વ્હીલ્સ - ૧ મિનિટ
લીવિંગ ધ ફેક્ટરી - ૪૬ સેકન્ડ
ભારતમાં પહેલી ફિલ્મ રજૂ કરનાર
લુમિયર બ્રધર્સ
ભારતીય દ્વારા શૂટ કરાયેલી પહેલી ફિલ્મ
ધ રેસલર્સ (એચ.એસ. ભાટવડેકર)
ભારતની પહેલી ફૂલ લેન્થ મૂવી
રાજા હરિશચંદ્ર
ભારતની પહેલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ
દાદાસાહેબ તોર્નેની
શ્રી પુંડલિંક
દાદાસાહેબ ફાળકેએ ભારતની પહેલી ફિલ્મ રાજા હરીશ્ચંદ્ર કેવી રીતે બનાવી?
ત્ર્યંબકના ધૂળિયા શહેરના બ્રાહ્મણ પરિવારમાં ૩૦ એપ્રિલ, ૧૮૯૦ના રોજ ધુંડિરાજ ગોવિંદ ફાળકે નામના છોકરાનો જન્મ થયો હતો. પિતા સંસ્કૃતિના વિદ્વાન હતા અને તેમની ઈચ્છા હતી કે બાળક પણ તેમની જેમ પરંપરાગત માર્ગ અપનાવે, પરંતુ કલાકારનો આત્મા ધરાવનાર પુત્રએ કંઈક અલગ જ વિચાર્યું હતું. સ્કેચિંગ, શિલ્પકામ અને ફોટોગ્રાફીમાં રસ ધરાવનાર ધુંડિરાજ ક્રિએટિવિટીમાં એટલી હદે ઓતપ્રોત થઈ ગયા કે છેવટે દાદાસાહેબના નામે ઓળખાયા. ધુંડિરાજથી દાદાસાહેબ બનવાની સફર, અલબત્ત, અનેક હાર્ટબ્રેકથી ભરેલી હતી.
ગુજરાતના ગોધરામાં ફોટોગ્રાફીથી કારકિર્દી શરૂ કરનાર ધુંડિરાજે પ્લેગ ફાટી નીકળતાં પહેલી પત્ની અને બાળકને ગુમાવ્યા હતાં. ઘણો સમય ડિપ્રેશનમાં રહ્યાં બાદ સરસ્વતીબાઈ સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. સરસ્વતીબાઈએ હિંમત આપતા પ્રિન્ટિંગ, લિથોગ્રાફી જેવા સ્વતંત્ર વ્યવસાયની સાથે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણમાં ડ્રાફ્ટ્સમેન તરીકે નોકરી પણ કરી જોઈ, પરંતુ કશું ટક્યું નહીં. પાર્ટનરશિપમાં શરૂ કરેલો ફાલ્કેઝ આર્ટ પ્રિન્ટિંગ એન્ડ એન્ગ્રેવિંગ વર્કસ નામનો બિઝનેસ મતભેદોના કારણે બંધ કરવાનો વારો આવ્યો હતો. ૧૯૧૧ સુધીમાં ૪૧ વર્ષની ઉંમરે ફાળકેને જાણે જીવન બોજ સમાન લાગવા લાગ્યું હતું.
દરેક જગ્યાએથી હારીને બોમ્બેમાં એક સાંજે ફાળકે અમેરિકા-ઈન્ડિયા પિક્ચર પેલેસમાં બેઠા હતા. તેમણે સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે, ટાઈમપાસ કરવા તેઓ જે સાયલેન્ટ ફિલ્મ ધ લાઈફ ઓફ ક્રાઈસ્ટ જોઈ રહ્યાં છે તે તેમની જિંદગી બદલી નાખશે. સળંગ બે વખત ફિલ્મ જોયા બાદ તેમને વિચાર આવ્યો કે, ભારતના દેવી-દેવતાઓ અને રાજાઓની પ્રેરણાદાયક સ્ટોરીઝને લોકો સમક્ષ મૂકવી જોઈએ.. ફિલ્મ જોતી વખતે ફાળકેને ભગવાન શ્રીકૃષ્ણ અને તેમનું ગોકુળ, શ્રી રામચંદ્ર અને તેમની અયોધ્યા નજર સામે આવ્યા હતા.
૧૯૧૨માં તેમણે ફિલ્મ નિર્માણના કોઈપણ અનુભવ અને લગભગ નહિવત સંસાધનો સાથે ભારતની પ્રથમ ફીચર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. જેમ રાજા હરિશચંદ્રના જીવનમાં અનેક સંઘર્ષો આવે છે પરંતુ, તેઓ ક્યારેય સત્યનો સાથ નથી છોડતા તેમ ફાળકે પણ સંઘર્ષો વચ્ચે પોતાના સપના માટે ઝઝૂમ્યાં અને છેવટે જીત્યાં.
ફાળકેનું મહત્વાકાંક્ષી સપનું સાકાર કરવા માટે તેમના પરિવારે તેમનો સાથ આપ્યો હતો. પત્નીના ઘરેણાં ગીરવે મૂકીને તેઓ ફેબુ્રઆરી ૧૯૧૨માં લંડન ગયા હતા. ત્યાં તેમણે બ્રિટિશ ફિલ્મ નિર્માતા સેસિલ હેપવર્થ સાથે બે અઠવાડિયા વિતાવ્યા. આ દરમિયાન તેમણે નવી ટેકનીકો વિશે જાણકારી મેળવી અને તે સમયના એડવાન્સ્ડ ગેજેટ્સ ચલાવતા શીખ્યા હતા. છેવટે તેઓ વિલિયમસન કેમેરા, રો ફિલ્મ સ્ટોક અને સફળતાની ભૂખ સાથે વતન પાછા ફર્યા હતા. ફાળકે ફિલ્મ્સ કંપનીની સ્થાપના કરી પરંતુ, ફિલ્મ બનાવવા માટે ઈન્વેસ્ટમેન્ટની તાતી જરૂર હતી. ઈન્વેસ્ટર્સને મનાવવા માટે તેમણે અંકુરચી વધ (વટાણાના છોડનો વિકાસ) નામની શોર્ટ ફિલ્મ બનાવી હતી. જેમાં, અંકુરિત બીજના ફોટોગ્રાફને અનેક દિવસોની મહેનતથી લેવામાં આવ્યો હતો. આ ફિલ્મ દ્વારા તેમણે રોકાણકારોને મોશન પિક્ચર્સનો જાદુ બતાવ્યો હતો. છેવટે, તેમની જીવન વીમા પોલિસીઓ ગીરવે મૂકીને ફિલ્મ માટે રૂપિયા ૧૫,૦૦૦નું બજેટ ભેગું કર્યું હતું.
ફાઈનાન્સની વ્યવસ્થા થતાંની સાથે જ ફિલ્મનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમને નવી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. રૂઢિચુસ્ત સમાજમાં ીઓ માટે એક્ટિંગનો વિચાર કરવો જ લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી. કોઈપણ ી હરીશ્ચંદ્રની પત્ની તારામતીનું પાત્ર ભજવવા તૈયાર નહતી. ફાળકે એક દિવસ ઘર પાસેની રેસ્ટોરેન્ટમાં ભોજન કરી રહ્યાં હતાં. ત્યાં તેમની નજર રસોઈયા અન્ના સાલુંકે પર પડી હતી. ફાળકેએ તેને સાડી પહેરાવીને રાણી તારામતી બનાવી દીધો હતો. ત્યારબાદ, મરાઠી રંગમંચના અભિનેતા દત્તાત્રેય દામોદર દાબકેને રાજા હરીશ્ચંદ્ર તરીકે કાસ્ટ કર્યા હતાં. જ્યારે વાત, રાજાના પુત્રના કાસ્ટિંગની આવી ત્યારે તેમણે પોતાના પુત્ર ભાલચંદ્રને રોહિતાશ્વના રોલમાં કાસ્ટ કરીને તેને ભારતનો પહેલો બાળ અભિનેતા બનાવી દીધો હતો. કોશ્ચુમ ડિઝાઈનર, ક્ માટે રસોઈ કામ અને ફિલ્મના એડિટિંગની જવાબદારી પત્ની સરસ્વતીબાઈને સોંપીને ફાળકેએ તેમને ભારતના પહેલા ફિલ્મ એડિટર બનાવી દીધા હતા. જ્યારે, ફાળકેએ ફિલ્મના લેખક, ડિરેક્ટર, પ્રોડયુસર, સેટ ડિઝાઈનર, સિનેમેટોગ્રાફર સહિતની અનેક પ્રકારની જવાબદારીઓ લીધી હતી.
મુંબઈના દાદરના બંગલામાં ૮ બાય ૮ ફૂટના નાના પ્લેટફોર્મ પર રાજા રવિ વર્માના પૌરાણિક પેઈન્ટિંગ્સથી પ્રેરિત સેટ બનાવવામાં આવ્યો હતો. જ્યારે, આઉટડોર શૂટિંગ પુણે નજીકના ગામમાં ગરમી, ધૂળ અને જર્જરિત સાધનો સાથે કરવામાં આવ્યું હતું. સાત મહિના અને ૨૧ દિવસની મહેનત બાદ ૩,૭૦૦ ફૂટની ફિલ્મ બનાવવામાં આવી હતી. જેમાં, સાયલન્ટ ફિલ્મની ચાર રીલ હતી. પરંતુ, હવે ફિલ્મને થિયેટર સુધી પહોચાડવા માટે પૈસા બચ્યા નહતાં. ફાળકેએ ઔંધ અને ઈન્દોર જેવા રજવાડાઓની ટૂર કરી હતી. જેમાં, શોર્ટ ફિલ્મો બતાવીને ઔંધના રાજા પાસેથી રૂપિયા ૧૦૦૦ અને ઈન્દોરની રાજકુમારી પાસેથી રૂપિયા ૫૦૦૦ની લોન લીધી હતી.
તમામ પ્રકારના જુગાડ સાથે 'રાજા હરીશ્ચંદ્ર'નું પ્રીમિયર ૨૧ એપ્રિલ, ૧૯૧૩ના રોજ મુંબઈના ઓલિમ્પિયા થિયેટરમાં પ્રેસ અને આમંત્રિત મહેમાનો માટે યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન ફાળકેની નાની દીકરી મંદાકિની ન્યુમોનિયાની જપેટમાં આવી ગઈ હતી. ભાઈ શિવરામપંતે પ્રીમિયરને મુલતવી રાખવાની સલાહ આપી હતી. પરંતુ, થિયેટર માંડ મળ્યું હોવાથી ફાળકે પોતાનો નિર્ણય બદલી શક્યા નહતાં. આ પ્રીમિયર બાદ જનતા માટે ૩મેના રોજ ગિરગાંવના કોરોનેશન સિનેમેટોગ્રાફ અને વેરાઈટી હોલમાં પહેલો શો રાખવામાં આવ્યો હતો. આ ફિલ્મની ટિકિટ ત્રણ આના રાખવામાં આવી હતી. થિયેટરમાં દર્શકોને આકર્ષવા માટે શો પહેલા યુરોપિયન ડાન્સર ઈરેન ડેલમાર અને કોમેડિયન મેક્કલેમેન્ટ્સના પર્ફોમન્સ રાખવામાં આવ્યા હતા. આ ફિલ્મ એક અઠવાડિયા માટે હાઉસફૂલ રહી હતી. આ મૂંગી ફિલ્મને સમજાવવા માટે ઈંગ્લિશ, હિન્દી અને મરાઠીના ટાઈટલ કાર્ડ્સ રાખવામાં આવ્યા હતા. મહાકાવ્યો રામાયણ અને મહાભારતમાંથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલી ૪૦ મિનિટની ફિલ્મે ભારતમાં સિનેમાના નવા યુગની શરૂઆત કરી હતી.
ભારતમાં સિનેમાની શરૂઆત અને
1 મિનિટની રીલ
આજકાલ બસમાં, ટ્રેનમાં, એરપોર્ટ પર, ડોક્ટરની ક્લિનિકના વેઈટિંગ રૂમમાં બેસીને સ્માર્ટફોન પર ઈન્સ્ટાગ્રામ રીલ્સની મજા માણતા અનેક લોકો જોવા મળતા હોય છે. આ ડિજિટલ યુગમાં થોડી સેકન્ડ્સથી માંડીને એક-દોઢ મિનિટની રીલ્સ અને યુટયુબ શોર્ટ્સે બનાવીને અનેક ક્રિએટર્સને લાખોની કમાણી કરે છે. સ્ટોરી કહેવાનું આ શોર્ટ ફોર્મેટ એટલી હદે પોપ્યુલર બન્યું છે કે, નેતા હોય કે અભિનેતા કે પછી બિઝનેસમેન - સૌ કોઈ રીલ્સ બનાવતા થઈ ગયા છે... પરંતુ, શું તમે જાણો છો ભારતનો વીડિયોના શોર્ટ ફોર્મેટનો પ્રેમ નવો નથી? ભારતમાં સિનેમાની શરૂઆત જ તેનાથી જ થઈ હતી! આવો, આપણે ભારતીય સિનેમાના રસપ્રદ ઇતિહાસ વિશે જાણીએ.
ફ્રાન્સમાં સિનેમેટોગ્રાફની શોધ કરનાર લુમિયર બ્રધર્સના પ્રતિનિધિ મારિયસ સેસ્ટિયરને ભારતમાં મૂવિંગ પિકચર્સનો પહેલો શો કરવાનો શ્રેય જાય છે. ૭ જુલાઈ, ૧૮૯૬ના રોજ બોમ્બેની વોટ્સન હોટલમાં છ ફિલ્મોના શોનું આયોજન કરવામાં આવ્યું હતું. એન્ટ્રી ઓફ સિનેમેટોગ્રાફ, ધ સી બાથિંગ, અરાઈવલ ઓફ અ ટ્રેન, ડિમોલિશન ઓફ અ વોલ, લેડીઝ એન્ડ સોલ્જર્સ ઓન વ્હીલ્સ અને લીવિંગ ધ ફેક્ટરી નામની આ ફિલ્મો એક મિનિટ કે તેનાથી ઓછા સમયની હતી.
અરાઈવલ ઓફ અ ટ્રેન નામની ફિલ્મમાં માત્ર ટ્રેન પ્લેટફોર્મ આવે ત્યારે કેવું દ્રશ્ય છે. પહેલી વાર ફિલ્મ જોનારા દર્શકો માટે તે એટલી હદે રોમાંચક યા તો ડરામણું હતું કે ટ્રેન ટક્કર મારશે તેવા ડરથી તેઓ પોતાની સીટ છોડીને ભાગી ગયા હતા. લીવિંગ ધ ફેક્ટરીમાં ફેક્ટરીની શિફ્ટ બાદ છૂટતા કામદારોને જોઈને દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આજનાં ધોરણો પ્રમાણે આ 'પ્રાચીન' મૂવીઝે જ ફિલ્મ મેકિંગ પ્રત્યે આકર્ષણ જમાવ્યું હતું. આ સામાન્ય લાગતી ઘટનાના ૧૭ વર્ષ બાદ ભારતમાં સિનેમાનો જન્મ થયો હતો. આ મહાન સિદ્ધિ હાંસલ કરનાર બીજું કોઈ નહીં, પરંતુ દાદાસાહેબ ફાળકે હતા. ભારતની પહેલી ફિલ્મ બનાવતા પહેલાં તેઓ અત્યંત મુશ્કેલ સમયમાંથી પસાર થયા હતાં.
સૌથી પહેલી ફિલ્મ
યુનાઇટેડ કિંગડમ : Roundhay Garden Scene (1888)
યુનાઇટેડ સ્ટેટ્સ : Dickson Greeting (1891)
ફ્રાન્સ : La Sortie de l'Usine Lumière à Lyon (1896)
જર્મની : Der begossene Pudel (1896)
જાપાન : Momijigari (1897)
ભારત: રાજા હરીશ્ચંદ્ર (1913)