Get The App

સોનુ નિગમની ત્રણ દાયકાની કરીઅરનાં લેખાંજોખાં

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
સોનુ નિગમની ત્રણ દાયકાની કરીઅરનાં લેખાંજોખાં 1 - image


- પોતાની ત્રણ સાડાત્રણ દાયકાની કારકિર્દીમાં સોનુએ સૌથી વધુ ગીતો સાઉથની ભાષામાં ગાયાં છે. એમાં પણ સૌથી વધુ ગીતો કન્નડ ભાષાનાં છે. કન્નડ ફિલ્મ રસિકોનો એ સૌથી વધુ લાડકો ગાયક છે. વિદેશોમાં એના સ્ટેજ પ્રોગ્રામ્સ હોય ત્યારે સૌથી વધુ ફર્માયેશ સાઉથનાં ગીતોની આવે છે. આ જેવી તેવી સિદ્ધિ નથી.

આ પણે ગયા શુક્રવારે જોયું કે હિન્દી ફિલ્મોમાં ટ્રેઇન્ડ પાર્શ્વગાયકોની કારકિર્દી આજે લગભગ અસ્તાચળે પહોંચી છે. હિન્દી ફિલ્મોમાં ગીત સંગીતને ફાળવવામાં આવતા સમયમાં ખાસ્સો કાપ મૂકાઇ ગયો છે. આજે બારમી જુલાઇ છે. બરાબર અઢાર દિવસ પછી ત્રીસમી જુલાઇએ સોનુ વનપ્રવેશ કરશે (જન્મતારીખ ૩૦ જુલાઇ ૧૯૭૩). આશરે ત્રણથી સાડા ત્રણ દાયકાની કારકિર્દીમાં સોનુએ હિન્દી ફિલ્મોમાં કેટલાં ગીતો ગાયાં? થોડીક તુલનાત્મક ગણતરી કરીએ. સંગીત રસિકો જેને હિન્દી ફિલ્મ સંગીતનો સુવર્ણયુગ કહે છે એ સમયગાળાની  વાત કરીએ. આશરે ચારેક દાયકાની કારકિર્દીમાં મુહમ્મદ રફીએ પચીસ હજારથી વધુ ગીતો ગાયાં. મખમલી કંઠ હોવા છતાં સૌથી ઓછાં ગીતો તલત મહેમૂદે (૮૦૦) ગાયાં. અરે, કરોડો ફેન્સના માનીતા કિશોર કુમારના નામે ફક્ત ૨,૬૭૮ હિન્દી ગીતો નોંધાયાં છે. હૃદયંગમ કંઠ અને રજૂઆત ધરાવતા મૂકેશજીએ ફક્ત ૧,૦૫૪ ગીતો ગાયાં.  

બીજી બાજુ સુવર્ણયુગ પૂરો થયા બાદ અને એક્શન ફિલ્મોનો યુગ શરૂ થયો પછીની પરિસ્થિતિ કેવી વિસ્મયજનક કહેવાય! જરા વિચારવા જેવું છે. મુહમ્મદ રફીની કારકિર્દી કરતાં ઓછા સમયગાળામાં ઉદિત નારાયણ અને કુમાર સાનુએ પચીસ હજાર કે તેથી વધુ ગીતો ગાયાં. એક તરફ એમ કહેવાય છે કે અમિતાભ બચ્ચનના એંગ્રી યંગ મેન અને એક્શન ફિલ્મોના યુગમાં સંગીત બેકસીટ પર હતું. છતાં આ યુગના પુરુષ ગાયકોના આંકડા ઇતિહાસકારોને મૂંઝવી દે એવા છે. અહીં માત્ર પુરુષ ગાયકોની વાત કરીએ છીએ. ફિલ્મ સંગીતના ઇતિહાસકારોની દ્રષ્ટિએ ઉદિત નારાયણે એક સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. ઉદિતે ૩૬થી વધુ ભાષામાં ગીતો ગાયાં છે. આ એક પ્રકારનો રેકોર્ડ છે.

કારકિર્દીના ઉદયકાળે મુહમ્મદ રફીને ઉત્તમોત્તમ ગીતો માટે કેટલું મહેનતાણું મળતું? ૧૯૫૦ના દાયકામાં 'બૈજુ બાવરા'થી શરૂ કરીને 'મુઘલ-એ-આઝમ' સુધી ગીત દીઠ સરેરાશ બસોથી પાંચસો રૂપિયા. જોકે એ સોંઘવારીનો જમાનો હતો અને ફક્ત પચાસ પૈસામાં લિમિટેડ ગુજરાતી થાળી મળતી. આજે કુમાર સાનુ કે સોનુ ગીત દીઠ અઢારથી વીસ લાખ રૂપિયા, રિપીટ, અઢારથી વીસ લાખ રૂપિયા માગે અને મેળવે છે. 

આ સંદર્ભમાં ગાયકો દલીલ એવી કરે છે કે કમ્પ્યુટર ગ્રાફિક્સ કે વીએફએક્સથી તમે (ફિલ્મસર્જકો) એક્શન દ્રશ્યો બનાવો છો, હીરોના ડુપ્લિકેટથી કામ ચલાવો છો. છતાં હીરોલોગને પચાસથી સો કરોડ રૂપિયા મહેનતાણું ચૂકવો છો. એમનાં તમામ નખરાં ચલાવી લ્યો છો. બીજી બાજુ, ફિલ્મની સફળતામાં અમારો અર્થાત્ ગાયકોનો પણ માતબર ફાળો હોય છે. તો અમે કેમ વધુ મહેનતાણું ન માગીએ? શક્ય હતું ત્યાં સુધી બોલિવુડના ફિલ્મ સર્જકો આ માગણી સ્વીકારી લેતા હતા. 

આજે પરિસ્થિતિ જુદી છે. એક તરફ ફિલ્મોમાં ગીતો ઓછાં થઇ ગયાં. બીજી બાજુ ગયા શુક્રવારે આપણે જોયું તેમ ટયુનમાસ્ટર જેવાં સાધનો આવી જતાં ટ્રેઇન્ડ ગાયકોની જરૂર જ ન રહી. આ સંજોગોમાં ગાયકી જ જેમના યોગક્ષેમનું એકમાત્ર સાધન છે એ કલાકારોએ અન્યત્ર દ્રષ્ટિ દોડાવી. સાઉથમાં તેમને કામ મળતું થઇ ગયું.  ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન પાસે શાીય સંગીતની તાલીમ લેતી વખતે શબ્દોના સ્પષ્ટ ઉચ્ચારની અને ગીતમાં ભાવને પ્રગટ કરવાની ક્ષમતા સોનુએ કેળવી હતી એ વાત આપણે કરેલી. 

આપણી માતૃભાષા ન હોય એવી ભાષાનું ગીત ગાતી વખતે આ કુશળતા ખૂબ ઉપયોગી નીવડે છે. ગીતકાર પાસે ગીતના શબ્દોના સ્પષ્ટ ઉચ્ચારો અને ગીતમાં રહેલા સંવેદનને સોનુ ખૂબ ધીરજભેર સમજી લે છે. એ પછી ફિલ્મના ડાયરેક્ટર સાથે બેઠક યોજે છે. કયા કલાકાર પર ગીત ફિલ્માવાશે, દ્રશ્ય ઇન્ડોર છે કે આઉટડોર છે એ સમજી લેવાની તકેદારી પણ સોનુ રાખે છે. આટલે સુધી પહોંચ્યા પછી ગીતકાર અને સંગીતકારને સો ટકા સંતોષ ન થાય ત્યાં સુધી એ ગીત રેકોર્ડ કરાવતો નથી. શરૂમાં આ ટેકનિક કંટાળાજનક હતી, પરંતુ હવે સોનુને એ માફક આવી ગઇ છે. એ જ કારણ છે કે પોતાની ત્રણ સાડાત્રણ દાયકાની કારકિર્દીમાં સોનુએ સૌથી વધુ ગીતો સાઉથની ભાષામાં ગાયાં છે. એમાં પણ સૌથી વધુ ગીતો કન્નડ ભાષાનાં છે. કન્નડ ફિલ્મ રસિકોનો એ સૌથી વધુ લાડકો ગાયક છે. વિદેશોમાં એના સ્ટેજ પ્રોગ્રામ્સ હોય ત્યારે સૌથી વધુ ફરમાયેશ સાઉથનાં ગીતોની આવે છે. આ જેવી તેવી સિદ્ધિ નથી.

કારકિર્દીના આરંભે એક ઓરડીના ઘરમાં ઝાડુ-પોતું કરતા અને વાસણ માંજતા સોનુને પ્રારબ્ધ અને પુરુષાર્થ બંનેએ પૂરો સાથ આપ્યો છે. આજે એ બધી રીતે સંપન્ન છે. સુખી કુટુંબજીવન ગાળે છે. એનો પુત્ર પિતાથી સવાયો નીવડે એવો પ્રતિભાવાન છે. મુંબઇ ઉપરાંત બેંગાલુરુ અને દુબઇમાં એની પાસે આલીશાન ઘર છે. પોતાના કામથી એ સંતુષ્ટ છે. આગામી ત્રણ ચાર વર્ષ સુધી એની પાસે કોઇ ડેટ ખાલી નથી. વિવિધ ભાષાના રેકોડગ અને દેશવિદેશના સ્ટેજ પ્રોગ્રામ્સથી એની ડાયરી ફુલ છે. આથી વધુ એક કલાકારને બીજું શું જોઇએ?


Google NewsGoogle News