એ.આર. રહેમાન તો મણિરત્નમ્ યુનિવર્સિટીનો સ્ટુડન્ટ
દિગ્દર્શકો અને સંગીતકારો વચ્ચેની કેમેસ્ટ્રી જુગલબંદીને કારણે આપણને હિન્દી ફિલ્મોના અજરાઅમર ગીતો મળ્યા છે. રાજ કપૂર- શંકર-જયકિશન, મેહબુબ- નૌશાહ અને ગુલઝાર-રાહુલ દેવ બર્મનની જોડીઓ એના દાખલા છે. ડિરેકટર અને મ્યુઝિક ડિરેકટર વચ્ચેના ટયુનિંગ વિના ઉત્તર સોંગ્સનું સર્જન લગભગ અસંભવ છે. સાઉથમાં ફિલ્મમેકર અને મ્યુઝિક ડિરેકટરની અફલાતુન જોડી મણિરત્નમ્ અને એ.આર. રેહમાન છે. તાજેતરમાં રહેમાનને ઐશ્વર્યા રાયનો લીડ રોલ ધરાવતી ફિલ્મ 'પોનિયિન સેલ્વન-૧' માટે બેસ્ટ મ્યુઝિક ડિરેકટર (બેકગ્રાઉન્ડ સ્કોર) નો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો. આ એમનો સાતમો રાષ્ટ્રીય પુરસ્કાર છે. યોગાનુયોગ જુઓ કે રહેમાનને પહેલો નેશનલ એવોર્ડ મણિરત્નમ્ની ફિલ્મ 'રોજા' માટે મળ્યો હતો અને સાતમો એવોર્ડ પણ એમની જ ઐતિહાસિક મૂવી 'પોનિયિન સેલ્વન' માટે એનાયત થયો છે.
રહેમાનને મન મણિ સર એમના ગુરુ, મેન્ટર, માર્ગદર્શક બધુ જ છે. ફિલ્મમેકર સાથેના સંબંધને તેઓ એક ઋણાનુબંધ ગણે છે. એ સંબંધમાં નવી દિલ્હીમાં યોજાયેલા એવોર્ડ સમારંભનો એક પ્રસંગ શેયર કરતા રહેમાન કહે છે, 'મને કેન્દ્રના માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે ફંકશનમાં એવું પૂછ્યું કે તમે ક્યાં સ્ટડી કર્યો છે ? જવાબમાં મે મણિરત્નમ્ સર તરફ આંગળી ચીંધીને કહ્યું, મણિરત્નમ્ યુનિવર્સિટી. અમુક લોકો તમારી પાસેથી બેસ્ટ કઢાવી શકે છે. એમના કંઇ બોલ્યા વિના તમે સમજી જાવ છો કે એમને શું જોઇએ છે. આ એક ટેલિપથિ છે. અમારી બંને વચ્ચે આવી સરસ અને ઇન્ટરેસ્ટિંગ રિલેશનશિપ છે.'
શ્રેષ્ઠ સર્જન કરવા માટે એકલી ટેલેન્ટ પૂરતી નથી. ટેલેન્ટની સાથોસાથ ડેડિકેશન પણ જોઇએ રહેમાનના જણાવવા મુજબ 'પોનિયિન સેલ્વન'ના સંગીત માટે ઘણું બધુ રિસર્ચ કરાયું હતું. આ ફિલ્મની પૃષ્ઠભૂમિમાં ચોલા વંશના શાસનનો સમયગાળો છે એટલે રેહમાને એ કાળમાં કેવા સંગીત વાદ્યો વપરાતા એની પણ સઘન તપાસ કરી હતી.
સિનેમાપ્રેમીઓ ઘણીવાર એવું કહેતા સંભળાય છે કે 'રોજા'ના ગીતો ફિલ્મ ૧૯૯૨માં રિલિઝ થઇ ત્યારે જેટલા ફ્રેશ લાગતા એટલા જ આજે ૩ દાયકા પછી પણ તરોતાજી લાગે છે. એની મીઠાશ અને કર્ણપ્રિયતામાં ૧ ટકાનોય ફરક નથી પડયો એનું શ્રેય પોતાના કમ્પોઝિશન્સને ટાઇમલેસ (અનંત) બનાવવા માટેના રહેમાનના અથાગ પ્રયાસને જ જાય છે. 'શરૂઆતથી જ મેં એવો નિયમ રાખ્યો છે કે મ્યુઝિકનું સરસ રીતે રેકોર્ડિંગ થવું જોઇએ અને સંગીતના સર્જન પાછળનો ઉદ્દેશ એકદમ પ્યોર (વિશુદ્ધ) હોવો જોઇએ મારા ગીતો, મારું સંગીત ટાઇમલેસ બનવું જોઇએ, પછી ભલે હું કોઇ મોટા કે નાના હીરો માટે ધુન બનાવતો હોઉ. ક્યારેક એવું બને છે કે સ્મોલ બજેટની ફિલ્મ માટે અનાયાસે તમને એક ઉત્તમ ટયૂન મળી જાય છે ત્યારે બધા મને એવી વણમાગી સલાહ આપે છે કે આવી નાની ફિલ્મ માટે આટલી સરસ ધૂન શા માટે વેડફો છો ? રજનીકાન્ત જેવા કોઇ મોટા સ્ટાર માટે એ રાખી મૂકો. એમને મારો એક જ જવાબ હોય છે કે ના, આ ટયૂન મને એ વ્યક્તિ માટે જ મળી છે. હું એની સાથે ચીટિંગ ન કરી શકું એની ધૂન બીજાને ન આપી શકું,' એમ ઓસ્કાર એવોર્ડ વિજેતા સંગીતકાર કહે છે.