બશેશ્વરનાથથી લઈને રણબીર સુધી કપૂર પરિવારની પાંચ પેઢીઓનો રસપ્રદ ઈતિહાસ
- કપૂર ખાનદાન
- બશેશ્વરનાથ કપૂર
- પૃથ્વીરાજ કપૂર
- રાજ કપૂર
- રિશી કપૂર
- રણબીર કપૂર
- શમ્મી કપૂર
- શશી કપૂર
કપૂર ખાનદાન એ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું 'ફર્સ્ટ ફેમિલી' છે.
પાંચ-પાંચ પેઢીએ પણ કપૂર ફેમિલીનો જોરદાર દબદબો છે. આવો, આ પરિવારના તમામ સભ્યોને નજીકથી ઓળખીએ.
ઘ ણાં વર્ષો પહેલા અમેરિકાના ઈલિનોઈ રાજ્યની કંપનીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. તેનું તારણ એવું આવ્યું હતું કે, કોઈપણ ફેમિલી બિઝનેસ માટે ત્રણ પેઢીથી વધારે ટકવું ખૂબ જ મુશ્કેલ છે. આ થિયરી ખૂબ પોપ્યુલર બની. સમજોને કે ૧,૪૯,૯૯૬ સ્કેવર કિમી વિસ્તારમાં ફેલાયેલા ઇલિનોઇ રાજ્યમાં થયેલા સર્વેને કારણે ૫૧,૦૦,૭૨,૦૦૦ સ્કેવર કિમીમાં ફેલાયેલા વિશ્વમાં એક ખોટી ધારણા બંધાઈ ગઈ! આ ધારણાને લોકો પોતાને અનુકૂળ આવે તે રીતે મારી મચડીને ફિટ કરી દેતા રહ્યા.
બોલિવુડમાં આ થિયરી કેટલી હદે સાચી પડી છે? પિતા કે માતા ભલે હિટ સ્ટાર રહ્યાં હોય તો પણ સંતાનો માટે હિટ ફિલ્મ આપવી આસાન રહી નથી. સુપરસ્ટાર ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી ઈશા દેઓલ હોય કે, રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પુત્રીઓ ટ્વિંકલ અને રિન્કી હોય, એવરગ્રીન આઈકન દેવ આનંદના પુત્ર સુનીલ આનંદ કે પછી ફિરોઝ ખાનનો પુત્ર ફરદીન હોય, રાજ બબ્બરના દીકરાઓ આર્ય, પ્રતીક અને દીકરી જુહી બબ્બર હોય... બોલિવુડ સ્ટાર કિડ્સને પહેલી એકાદ-બે ફિલ્મ તો આસાનીથી મળી જાય છે, પણ પછી તેમને હિટના ફાંફાં પડી જાય છે. અરે, સદીના મહાનાયકના પુત્ર અભિષેક બચ્ચને તેના ૨૩ વર્ષના કરીઅરમાં ૩૮ ફ્લોપ ફિલ્મો આપી છે.
આ બધાં ઉદાહરણો વચ્ચે એક પરિવાર એકદમ અલગ તરી આવે છે.. અને તે છે, કપૂર પરિવાર! 'એનિમલ'ની અભૂતપૂર્વક સફળતાથી રણબીર કપૂરે સાબિત કર્યું છે કે,આ ફેમિલીની પાંચમી પેઢીમાં પણ જબરદસ્ત દમ છે. આવો કપૂર પરિવારની પાંચ પેઢીઓનો એક સ્નેપશોટ લઈએ.
પહેલી પેઢી
બશેશ્વરનાથ કપૂર
બશેશ્વરનાથ કપૂર એટલે આ કપૂર ખાનદાનની પહેલી પેઢી. બશેશ્વરનાથે ૧૯૫૧માં તેમના પૌત્ર રાજ કપૂર દ્વારા પ્રોડયુસ અને ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ 'આવારા'માં એક્ટિંગ કરી હતી. બશેશ્વરનાથ કદાચ બોલિવુડના પહેલાં અને છેલ્લા પિતા હશે, જેમણે પૌત્રની ફિલ્મમાં ડેબ્યુ કર્યું હોય અને એ પણ પુત્ર કરતાં મોડું! એક મિનિટ. એ જમાનામાં 'બોલિવુડ' શબ્દ જન્મ્યો પણ નહોતો.
બીજી પેઢી
પૃથ્વીરાજ કપૂર
બશેશ્વરનાથના પુત્ર પૃથ્વીરાજ કપૂરે સાઈલન્ટ ફિલ્મોના યુગથી પોતાની ફિલ્મી સફરની શરૂઆત કરી હતી. ૧૯૦૬માં એમનો જન્મ. ફિલ્મી દુનિયામાં પગલાં માંડનારા તેઓ પહેલા કપૂર. એમની પહેલી બોલતી ફિલ્મ 'આલમ આરા' ૧૯૩૧માં રિલીઝ થઈ હતી. તેમના 'મુગલ-એ-આઝમ'માં અકબર અને 'સિકંદર' ફિલ્મના એલેક્ઝાન્ડરના પાત્રને આજે પણ લોકો યાદ કરે છે.
પૃથ્વીરાજ કપૂરે ૧૯૨૩માંં રામશરણી મલ્હોત્રા સાથે લગ્ન કર્યાં. લગ્ન લેવાયાં ત્યારે કન્યાની ઉંમર માત્ર ૧૪ વર્ષ હતી!
ત્રીજી પેઢી
રાજ કપૂર, શમ્મી કપૂર, શશી કપૂર
પૃથ્વીરાજ કપૂરે છ સંતાનો. ત્રણ દીકરા અને ત્રણ દીકરી. રાજ કપૂર બધાં ભાઈબહેનોમાં સૌથી મોટાં. રાજ કપૂરના ભાઈઓ એટલે શમ્મી કપૂર અને શશી કપૂર. બહેનનું નામ ઉર્મિલા સિયાલ. બીજી બે બહેનો નાનપણમાં જ ગુજરી ગઈ હતી.
રાજ કપૂર
રાજ કપૂરનાં લગ્ન કૃષ્ણા કપૂર સાથે થયાં ને તેઓ પાંચ સંતાનોનાં માતા-પિતા બન્યા. રાજ કપૂરે આપેલી અનેક સુપરહિટ ફિલ્મોને કારણે તેમને 'બિગેસ્ટ શોમેન ઓફ ઈન્ડિયન સિનેમા'નું બિરુદ આપવામાં આવ્યું છે. એમને 'શ્રી ૪૨૦' પણ કહેવામાં આવે છે. કેવી કેવી અદભુત ફિલ્મો બનાવી એમણે! 'મેરા નામ જોકર' જેવી તેમની ઘણી ફિલ્મોએ ભારતીય ફિલ્મ જગતના ઈતિહાસમાં આગવી છાપ છોડી છે પરંતુ, આ ફિલ્મ માટે કપૂર પરિવારે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. આ ફિલ્મ માટે રાજ કપૂરે ઘર સહિતની તમામ પ્રોપર્ટી ગિરવે મૂકી દીધી હતી. આ સાથે જ ફિલ્મને બનાવવા માટે છ વર્ષનો લાંબો સમય લાગ્યો હતો. જ્યારે, ફિલ્મ રિલીઝ થઈ ત્યારે રશિયામાં તો ખૂબ વખળાઈ પણ ભારતમાં નહોતી ચાલી. આ ફિલ્મની નિષ્ફળતા બાદ નિરાશ થયા વગર રાજ કપૂરે પુત્ર રિશી કપૂર અને નવોદિત ડિમ્પલ કાપડિયાને લઈને 'બોબી' નામની લવસ્ટોરી બનાવી હતી, જે સુપરહિટ રહી હતી.
શમ્મી કપૂર
૧૯૩૧માં જન્મેલા શમ્મી કપૂરની અભિનય શૈલી રાજ કપૂર કરતાં સાવ નોખી. તેઓ હિન્દી સિનેમાના ઓરિજિનલ ડાન્સિંગ સ્ટાર છે. ૧૯૫૫માં એક્ટ્રેસ ગીતા બાલી સાથે એમણે લગ્ન કર્યાં. એમનાં બે સંતાનો - આદિત્ય કપૂર અને કંચન કપૂર. લગ્નનાં દસ જ વર્ષ પછી ગીતા બાલીનું બીમારીમાં મૃત્યુ થયું. તે પછી શમ્મીજીએ નીલા દેવી સાથે લગ્ન કર્યાં. આ લગ્ન જોકે ચાર વર્ષ માંડ ટક્યાં.
શશી કપૂર
શશી કપૂર જેવા હેન્ડસમ અને ચાર્મિંગ હીરો આપણે બહુ ઓછા જોયા છે. બન્ને સુપરસ્ટાર ભાઈઓ કરતાં એમની અભિનયશૈલી સાવ અલગ. એમણે પણ ખૂબ બધી હિટ ફિલ્મો આપી છે. ૧૯૩૮માં જન્મેલા શશીએ જેનિફર કેન્ડલ નામનાં બ્રિટીશ એક્ટ્રેસ સાથે લગ્ન કર્યાં. એમનાં ત્રણ સંતાનો - કુનાલ, કરણ અને સંજના.
ચોથી પેઢી
રાજ કપૂરનાં સંતાનો
રાજ કપૂરનાં પાંચ સંતાનો એટલે રણધીર, રિતુ, રિશી, રીમા અને રાજીવ.
રણધીર કપૂરે એક્ટ્રેસ બબિતા સાથે લગ્ન કર્યાં. કરિશ્મા અને કરીના એમની દીકરીઓ.
સૌથી મોટી દીકરી રિતુ નંદાનાં લગ્ન એસ્કોર્ટ્સ કંપનીના ચેરમેન રાજન નંદા સાથે થયાં. એમનો પુત્ર એટલે નિખિલ નંદા અને દીકરી નિતાશા નંદા. નિખિલે લગ્ન કર્યાં અમિતાભ બચ્ચનની દીકરી શ્વાતા સાથે. આમ, જયા બચ્ચન અને રિતુ નંદા વેવાણો થાય. નિખિલ-શ્વેતાને બે સંતાનો - નવ્યા નવેલી અને અગસ્ત્ય. એકદમ અભિષેકમામા જેવા દેખાતા અગસ્ત્યને આપણે હમણાં જ નેટફ્લિક્સની ફિલ્મ 'આર્ચીઝ'ના ટાઇટલ રોલમાં જોયો.
રિશી કપૂર અને એમની એક્ટ્રેસ પત્ની નીતુ કપૂરની જોડી તો સુપરહિટ હતી. એમનાં બે સંતાનો - રિદ્ધિમા અને રણબીર કપૂર.
રાજ કપૂરની દીકરી રીમાનાં લગ્ન બિઝનેસમેન મનોજ જૈન સાથે થયાં. એમના બન્ને દીકરા - અરમાન જૈન અને આધાર જૈન - ફિલ્મના હીરો બનવાનાં સપનાં જોઈ રહ્યા છે. અરમાને તો એક ફિલ્મ કરી પણ ખરી, પણ તેને ખાસ આવકાર ન મળ્યો એટલે એણે હવે કિચન ટેલ્સ નામની ફૂડ ડિલીવરી ચેઇન શરૂ કરી છે. આધાર બોલિવુડ એક્ટ્રેસ તારા સુતરિયાને ડેટ કરી રહ્યો છે.
રાજ કપૂરના પુત્ર રાજીવ કપૂરને આપણે સ્ક્રીન પર પહેલી વાર 'રામ તેરી ગંગા મૈલી'ના હીરો તરીકે જોયો. એની ફિલ્મી કરીઅર ખાસ જામી નહીં. આરતી સબરવાલ સાથે એ લિવ-ઇન પાર્ટનર તરીકે રહેતો હતો. હાર્ટ એટેકને કારણે એનું મૃત્યુ થયું તે પછી આરતી કેનેડા શિફ્ટ થઈ ગઈ છે. એમને કોઈ સંતાનો નથી.
શમ્મી કપૂરનાં સંતાનો
શમ્મી કપૂર અને એમની પહેલી પત્ની ગીતા બાલીના બે પુત્રો પૈકી મોટા આદિત્યરાજ કપૂરે 'મુંબઈ ૧૧૮', 'દિલ તો બચ્ચા હૈ જી' જેવી ફિલ્મોમાં અભિનય કરી જોયો, પણ જમાવટ ન થઈ. એની પત્નીનું નામ પ્રીતિ કપૂર છે. એમને બે સંતાનો છે - તુલસી અને વિશ્વપ્રતાપ.
શમ્મી કપૂરની દીકરી કંચને હિટ ફિલ્મમેકર મનમોહન દેસાઈના દીકરા કેતન દેસાઈ સાથે લગ્ન કર્યાં. કેતન દેસાઈ પણ ફિલ્મ પ્રોડયુસર છે. એમની બે દીકરીઓ - રાજરાજેશ્વરી અને પૂજા.
શશી કપૂરનાં સંતાનો
કુનાલ, કરણ અને સંજના - આ ત્રણેય ફિલ્મોમાં કરીઅર બનાવવાની કોશિશ કરી હતી, પણ ફાવ્યાં નહીં. પદ્મિની કોલ્હાપુરીવાળી 'આહિસ્તા આહિસ્તા' યાદ છે? તેમાં કુનાલ કપૂર હીરો હતો. એની પહેલી ફિલ્મનું નામ 'સિદ્ધાર્થ' હતું. ફિલ્મલાઇનમાં સફળતા ન મળી એટલે એમણે એડવર્ટાઇઝિંગમાં ઝુકાવ્યું. ફિલ્મમેકર રમેશ સિપ્પીની દીકરી શીના સિપ્પી સાથે એણે લગ્ન કર્યાં ને પછી છૂટા પણ પડી ગયાં. કુનાલ અને શીનાને બે સંતાનો છે - શાયરા લૉરા કપૂર અને ઝહાન પૃથ્વીરાજ કપૂર.
અતિ હેન્ડસમ કરણ કપૂર તો એમના જમાનામાં ટોપ મોડલ હતા. એમની બોમ્બે ડાઇંગવાળી એડ્સ યાદ છે? 'લોહા' (૧૯૮૭) નામની ફિલ્મમાં એમણે અભિનય કર્યો હતો. એકદમ અંગ્રેજ દેખાવ ધરાવતા કરણને ઓડિયન્સે ન સ્વીકાર્યા. લોર્ના કપૂર સાથે એણે લગ્ન કર્યાં. એમનાં બે સંતાનો - આલિયા કપૂર અને ઝેક કપૂર.
સંજના કપૂર 'હીરો હીરાલાલ'માં નસીરુદ્દીન શાહની હિરોઈન બન્યાં હતાં. મુંબઈના આભૂષણ સમા પૃથ્વી થિયેટરની જે આન, બાન અને શાન છે તેનો સઘળો જશ સંજના કપૂરને આપવો પડે. સંજનાએ ફિલમમેકર બાસુ ભટ્ટાચાર્યના દીકરા આદિત્ય સાથે લગ્ન કર્યાં હતાં, જે સફળ ન નીવડયાં. પછી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર વાલ્મિક થાપર સાથે પુનર્લગ્ન કર્યાં. એમને એક દીકરો છે, જેનંુ નામ છે, હમીર થાપર.
પાંચમી પેઢી કરિશ્મા, કરીના અને રણબીર
રણધીર કપૂર અને બબીતાની પુત્રીઓ કરિશ્મા અને કરીનાએ અનેક હિટ ફિલ્મો આપી છે. પોતાના કઝિન્સની તુલનામાં આ બન્ને દીકરીઓએ બોલિવુડમાં ખૂબ સફળતા જોઈ છે. કરિશ્માએ ૧૯૯૧માં રોમાન્ટિક ડ્રામા ફિલ્મ 'પ્રેમ કેદી'થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યારે નાની કરીનાએ ૨૦૦૦માં રેફયુજી ફિલ્મથી પોતાના કરીઅરની શરૂઆત કરી હતી. તેનું 'જબ વી મેટ'નું ગીત નામનું પાત્ર અને 'કભી ખુશી કભી ગમ'નું પૂ નામનું પાત્ર આજેય પોપ્યુલર છે.
કરિશ્માનાં લગ્ન સંજય કપૂર સાથે થયાં, જે કમનસીબે સફળ ન નીવડયાં. એમને જોકે બે સંતાનો છે - સમાઈરા અને કિઆન. કરીના કપૂરે ડિવોર્સી બોલિવુડ સ્ટાર સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યાં. એમનો મોટો દીકરો તૈમૂર તો જન્મતાંવેંત સેલિબ્રિટી બની ગયો છે. બીજો દીકરો જહાંગીર (જેહ) પણ પાપારાઝીઓનો પ્યારો છે.
રિશી-નીતુનાં બે સંતાનો. મોટી રિદ્ધિમાએ દિલ્હીસ્થિત બિઝનેસમેન ભરત સાહની સાથે લગ્ન કર્યાં. રિદ્ધિમાએ કદી એક્ટિંગ કરવાની કોશિશ પણ કરી નથી, પણ એ જ્વેલરી ડિઝાઇનર તરીકે કામ કરે છે. રિદ્ધિમાની દીકરીનું નામ સમારા. રિશી કપૂરનો દીકરો રણબીર કપૂર સંભવતઃ સૌથી ટેલેન્ટેડ અને સફળ કપૂર્સમાંનો એક છે. દાદા રાજ કપૂરનો વારસો સાચા અર્થમાં આગળ લઈ જવાનું કૌવત જો કોઈનામાં હોય તો એ રણબીર કપૂરમાં છે. 'એનિમલ' ફિલ્મે ફરી એક વાર સાબિત કરી આપ્યું કે એક અભિનેતા તરીકે એની કક્ષા કેટલી ઊંચી છે. રણબીરને ભવિષ્યમાં ડિરેક્ટર બનવું છે. આ કામમાં પણ એ સફળ થશે તેવી આશા જરૂર બંધાય છે. રણબીરે ટોપ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યાં. તાજેતરમાં જ એમણે પોતાની દીકરી રાહાને પહેલી વાર દુનિયા સામે પેશ કરી. રૂપ રૂપના અંબાર જેવી રાહાના નાકનક્શામાં લોકોને રાજ કપૂરનાં દર્શન થાય છે.