Get The App

સૈફ-કરીનાને 17 સવાલ .

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
સૈફ-કરીનાને 17 સવાલ                                  . 1 - image


- લોહીથી લથપથ સૈફ સાથે નાનકડા દીકરાને એકલો હોસ્પિટલ મોકલતાં કરીનાનો જીવ કેમ ચાલ્યો?

સૈ ફ અલી ખાન પર એના બાન્દ્રા-મુંબઈ સ્થિત ઘરમાં મધરાતે ભયાનક હુમલો થયો, એના પર ચાકુના છ ઘા થયા અને એ લોહીલુહાણ હાલતમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયો તે ઘટનાને આ લખાઈ રહ્યું છે ત્યારે પૂરા ૧૨ દિવસ થઈ ચૂક્યા છે. આટલા દિવસો ઘણા હોય છે આ પ્રકારની ઘટના-દુર્ઘટના ફરતે ઊભા થયેલા પ્રશ્નોના જવાબો શોધવા માટે. એને બદલે થયું શું? મામલો સતત ગૂંચવાઈ રહ્યો છે. સૌને સ્પષ્ટપણે સમજાઈ રહ્યું છે કે આ કેસ જેટલો દેખાય છે એટલો સીધો નથી. એવું ઘણું બધું છે જે છૂપાવવામાં આવી રહ્યું છે અને જાહેર જનતા તેમજ મીડિયાને (અને કદાચ પોલીસ ડિપાર્ટમેન્ટને પણ) કદાચ ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. જવાબો મળવાને બદલે ઊલટાના નવા નવા પ્રશ્નો ફૂટતા જ જાય છે. ક્યા પ્રશ્નો? એક પછી એક જોઈએ. 

૧. બાંદરા (વેસ્ટ)માં ઊભેલા સતગુરૂ શરણ નામની પોશ બિલ્ડિંગના અગિયારમા અને બારમા માળે રહેતા સૈફ અલી ખાન પર ૧૬ જાન્યુઆરીના રોજ રાત્રે ૨.૩૦ કલાકે હિચકારો હુમલો થયો. અહીંથી ફક્ત ૧૦ મિનિટના અંતરે આવેલી લીલાવતી હોસ્પિટલમાં સવારે ૪.૧૧ કલાકે એને એડમિટ કરવામાં આવ્યો. મધરાતના અઢીથી સવારના લગભગ ચાર - આ દોઢ કલાક સુધી લોહી નિંગળતી હાલતમાં સૈફ એના ઘરમાં શું કરી રહ્યો હતો? પોલીસ જોકે કહે છે કે ના, સૈફ ઘણો વહેલો હોસ્પિટલ પહોંચી ગયો હતો, અમારી પાસે એના પૂરાવા છે. 

૨. ખૂની હુમલા જેવી ગંભીર ઘટના બને અને (ડોક્ટરના રિપોર્ટ પ્રમાણે) પીઠમાં કરોડરજ્જુ સુધી ઊંડો ઘા થયો હોય ત્યારે પરિવારજનો સૌથી પહેલું કામ શું કરે? તાત્કાલિક માણસને હોસ્પિટલ ભેગો કરે, અથવા તરત ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી લે. સાથે સાથે પોલીસને પણ જાણ કરે. સૈફના કેસમાં આ ત્રણમાંથી એક પણ પગલું શા માટે ભરવામાં ન આવ્યું? શું સૈફની પત્ની કરીના કપૂર કે ઘરમાં હાજર રહેલા છ-સાત જેટલા નોકર-ચાકર-આયાઓમાંથી કોઈનામાં એટલી પણ સામાન્ય બુદ્ધિ ન હોય કે એમ્બ્યુલન્સને કેવી રીતે બોલાવાય તે આવડતું ન હોય? 

૩. સૈફ પોતે સતત ભાનમાં હતો. ધારત તો એ પોતે પણ એમ્બ્યુલન્સ સર્વિસ અને પોલીસને ફોન કરી શક્યો હોત, પણ એણે તેમ ન કર્યું. કેમ? ચાલો, એમ્બ્યુલન્સની જફામાં પડવાને બદલે જાતે જ દસ મિનિટના અંતરે આવેલી હોસ્પિટલ પહોંચી જવાનું નક્કી કરવામાં આવ્યું  હોય તો શું સૈફ અલી ખાન જેવા સ્ટારે રીક્ષા કરીને હોસ્પિટલ જવું પડે? 

૪. કરીનાને કાર ચલાવતા નથી આવડતી? ઘરના સ્ટાફમાંથી કે આખી બિલ્ડિંગમાં આડોશપાડોશમાં રહેતા કોઈને ડ્રાઇવિંગ આવડતું નથી? સૈફની સાથે ઘરમાંથી કોણ આવ્યું? એનો સાત-આઠ વર્ષનો દીકરો, તૈમુર. બીજું કોઈ નહીં. ન કરીના, ન કોઈ નોકર-ચાકર-આયા, ન પાડોશી, ન બિલ્ડિંગના સિક્યોરિટી સ્ટાફનો કોઈ માણસ. કેમ? સૈફ જ્યારે લોહીલુહાણ હાલતમાં અગિયારમા માળેથી નીચે ઉતર્યો ત્યારે એની સાથે તૈમુર સિવાય બીજું કોણ કોણ હતું? કહે છે કે કોઈ મહિલાએ રીક્ષા ઊભી રાખી હતી. શું કરીના કે કોઈ પુરૂષ નોકર એને નીચે રીક્ષા સુધી પણ મૂકવા ન આવી શકે? 

૫. સૈફ આટલી બુરી હાલતમાં એની બિલ્ડિંગની પ્રિમાઇસીસના મેઇન ગેટમાં બહાર નીકળ્યો ત્યારે પણ બિલ્ડિંગ સિક્યોરિટીના માણસોનું ધ્યાન ન ગયું? સૈફની હાલત નજરે દેખાતી હોવા છેતાં કેમ સિક્યોરિટીનો  એક પણ માણસ એની મદદ કરવા દોડી ન ગયો? સિક્યોરિટી સ્ટાફમાંથી પણ એકાદ જણ સૈફ સાથે હોસ્પિટલ જઈ જ શક્યો હોત. આવો તે વળી કેવો સિક્યોરિટી સ્ટાફ? કે પછી, શું સૈફે જ એમને સાથે આવવાની ના પાડી હશે? સૈફ પોતાના ઘરમાંથી બહાર નીકળ્યો, લિફ્ટમાં ગયો, નીચે ઉતર્યો, મેઇન ગેટ સુધી પહોંચ્યો, બહારથી રીક્ષા પકડી - આ આખી મુવમેન્ટ્સનું સીસીટીવી ફૂટેજ ક્યાં છે?

૬. ઘરમાં આવડો મોટો કાંડ થઈ જાય એટલે એમ્બ્યુલન્સ અને પોલીસને ફોન કરતાં પહેલાં કે પછી માણસ શું કરે? તરત ઇન્ટરકોમ ઉઠાવીને નીચે સિક્યોરિટીમાં ફોન જોડેઃ અમારા ઘરમાં ઘૂસીને કોઈ છરાના ઘા કરી ગયું છે, જલદી ઉપર આવો! અથવા, અમારા ઘરમાં આવી ઘટના બની ગઈ છે, જોજો, કોઈ છટકીને કમ્પાઉન્ડની બહાર ભાગી ન જાય. સૈફ-કરીના કે એના સ્ટાફમાંથી કોઈએ સિક્ટોરિટી સ્ટાફને એક ફોન સુધ્ધાં ન કર્યો. કેમ? શું તેઓ એવું ઇચ્છતા હતા કે સિક્યોરિટીવાળાઓને પણ કશી ખબર ન પડી જવી જોઈએ?    

૭. ક્યાંય સહેજ પણ અસલામતી જેવું લાગે એટલે મા-બાપને સૌથી પહેલું ટેન્શન પોતાનાં સંતાનોનું થાય. તેઓ તરત બચ્ચાઓને સલામત જગ્યાએ ખસેડી દેશે. કોઈ પણ માતા કે પિતાની આ સહજ વૃત્તિ હોય. ઘરમાં છૂરાબાજી જેવી ભયંકર ઘટના બની ગઈ હોય ત્યારે નાનાં સંતાનોને સુરક્ષિત રીતે ઘરમાં જ રાખવાનાં હોય કે એમને બહાર ખુલ્લામાં છોડી મૂકવાનાં હોય? કયાં માતા-પિતા પોતાનાં બાળકોને લોહિયાળ દ્રશ્યો 'લાઇવ' દેખાડવાનું પસંદ કરશે? લોહીથી લથપથ સૈફ સાથે તૈમુરને એકલો હોસ્પિટલ મોકલતાં કરીનાનો જીવ કેમ ચાલ્યો? ઇવન, સૈફ પણ શી રીતે એક ટાબરિયાને આવી હાલતમાં પોતાની સાથે ઘરની બહાર લઈ જઈ શકે? રસ્તામાં સૈફને કંઈ પણ થયું હોત તો નાનકડો તૈમુર શું કરી શકવાનો હતો? કોઈ પણ રીતે ભેજામાં ન ઉતરે એવી આ વાત છે. 

૮. હોસ્પિટલમાં ગંભીર સર્જરી કરવાની હોય ત્યારે દર્દીના પરિવારજન કે સંબંધીએ કાગળિયા પર પરવાનગી સૂચક સહી કરવી પડે. ઘટના બની તેના બહુ સમય બાદ હોસ્પિટલનો જે મેડિકો-લીગલ ડોક્યુમેન્ટ જાહેર થયો એમાં લખ્યું હતું કે અફસર જૈદી નામના સૈફના કોઈ મિત્રએ આ સહી કરી હતી. અફસર સંભવતઃ સૈફનો બિઝનેસ પાર્ટનર-કમ-મેનેજર છે. આ ઝૈદીમિયાં અચાનક ક્યાંથી ફૂટી નીકળ્યા? 

૯. કહે છે કે સૈફે અથવા ઘરમાંથી કોઈએ ઝૈદીને ફોન કરીને લીલાવતી હોસ્પિટલ મોકલ્યો હતો. ઝૈદી હવે દેશ છોડીને દુબઈ જતો રહ્યો છે. શું એનું દુબઈ જવાનું કારણ જેન્યુઇન છે? કે પછી મીડિયાના ડરથી એ મુંબઈ છોડીને નાસી ગયો છે? 

૧૦. પેલા મેડિકો-લીગલ ડોક્યુમેન્ટમાં સૈફને થયેલી ઇજા માટે ન્ચબીર્ચિૌહ શબ્દનો એકાધિક વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. ન્ચબીર્ચિૌહ એટલે કટ અથવા કાપો. રિપોર્ટ તો એવા મળ્યા હતા કે સૈફની પીઠમાંથી ચાકુનો ફસાઈ ગયો હતો, જે સર્જરી દરમિયાન બહાર કાઢવામાં આવ્યો. જાણકારો કહે છે કે જો આટલો ગંભીર ઘા હોય તો મેડિકો-લીગલ ડોક્યુમેન્ટમાં 'સ્ટેબ' કે 'ઇન્સર્શન' જેવા શબ્દો વપરાવા જોઈતા હતા, એને બદલે ન્ચબીર્ચિૌહ (કાપો) શબ્દ વપરાયો છે. આનો શું અર્થ થયો? સૈફને થયેલી ઇન્જરીની જે વિગતો જાહેર કરવામાં આવી છે એમાંય ઝોલઝાલ છે?

૧૧. હેક્ઝા બ્લેડ એટલે સીધી, લાંબી ધારદાર પટ્ટી, જે મિસ્ત્રીઓ વાપરતા હોય છે. સૈફને જેનાથી વાર કરવામાં આવ્યો તે ઓજાર ચાકુ છે કે હેક્ઝા બ્લેડ? પોલીસ દ્વારા જે માહિતી આપવામાં આવતી હતી તેમાં ઓજાર એકાએક બદલાઈ કેમ ગયું?

૧૨. જે માણસમાં એટલી બધી કુશળતા હોય કે તે સૈફ-કરીના જેવા સેલિબ્રિટીના ઘરમાં ઘૂસી શકે, તે શું પોતાની સાથે બટકણું હેક્ઝા બ્લેડ લઈને ફરતો હોય? એનામાં શું એટલી અક્કલ ન હોય કે લાવ, હું મારી સાથે એકાદ સારા માંહ્યલો છરો કે બીજું કોઈ ઓજાર રાખું?  

૧૩. જે માણસે છરાબાજી (કે હેક્ઝા બ્લેડબાજી) કરી તેના વિશે પર પાર વગરના સવાલો છે. અલગ અલગ ત્રણ માણસોને પકડવામાં આવ્યા. લેટેસ્ટ સમાચાર એ છે કે જે ત્રીજો 'આરોપી' છે તે પણ સાચો નથી. જોકે પોલીસ કહે છે કે ના, અમે સાચો માણસ જ પકડયો છે, અમારી પાસે પાક્કા પૂરાવા છે. કહે છે કે આરોપી પાઈપ પકડીને અગિયાર માળ સુધી ચડી ગયો ને સૈફના નાના દીકરા જહાંગીરના રૂમના બાથરૂમની બારીમાંથી અંદર ઘૂસી ગયો. મુંબઈના કયા બહુમાળી ઇમારતમાં આવી જોખમી, ગ્રિલ વગર, ઓપન-ટુ-સ્કાય બારી હોય છે? જો આક્રમણખોર બારીમાંથી ઘુસ્યો હતો તો પેલા સીડી ચડી રહેલા અને ઉતરી રહેલા માણસનું જે સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યું છે તેનું શું? 

૧૪. માણસ બારીમાંથી ઘુસ્યો કે સીડી ચડીને? કહે છે કે સૈફે એને રૂમમાં પૂરી દીધો હતો ને પછી માણસ જે રીતે બાથરૂમમાંથી આવ્યો હતો એ જ રીતે પાછો પાઈપ પકડીને સ્પાઇડરમેનની જેમ નીચે ઉતરી ગયો. (વાહ!) જો એ આ રીતે પલાયન થઈ ગયો હતો તો પછી દાદરેથી નીચે ઉતરતો માણસ કોઈ બીજો છેે? શું બાથરૂમની બારી દાદરાવાળા ભાગમાં પડે છે? આવી તે કેવી કઢંગી ડિઝાઇન છે સૈફના બિલ્ડિંગની?  

૧૫. આ આખી વાતમાં કરીનાની ભૂમિકા બહુ જ વિચિત્ર લાગે છે. પહેલાં એવી વાત આવી કે છરાબાજી થઈ ત્યારે કરીના ઘરમાં નહોતી, એ કરિશ્માના ઘરે એની ગર્લ-ગેન્ગ સાથે પાર્ટી કરી રહી હતી. ઇન ફેક્ટ, વારદાતની થોડી કલાકો પહેલાં કરીના અથવા કરિશ્મા અથવા બન્નેએ પાર્ટીની તસવીર પર સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જે પછી ડિલીટ કરી દેવામાં આવી. જોકે પછી સૈફ અને કરીના બન્નેએ સ્ટેટમેન્ટ આપ્યું કે છરાબાજી તઈ ત્યારે કરીના ઘરમાં જ હતી. એવુંય કહેવાય છે કે સૈફ પર હુમલો થયો તે પછી કરીના પોતાની બહેનની ઘરે જતી રહી. મીન્સ કે, કરીનાએ પોતાના લોહીલુહાણ પતિની સાથે હોસ્પિટલ જવાને બદલે કરિશ્માની ઘરે જવાનું પસંદ કર્યું, એમ?  

૧૬. કોઈ કહે છે કે હુમલો થયો ત્યારે કરીનાએ ચિક્કાર દારૂ પીધો હશે અથવા ગાંજો કે ડ્રગ્ઝ ફૂંકીને બેઠી હશે તેથી એ હોસ્પિટલ ન ગઈ. કાનાફૂસી એવી થઈ રહી છે કે સૈફ અને કરીના વચ્ચે સંબંધો વણસી ગયા છે. કમાલ આર. ખાન (કેઆરકે) નામનો પેલો બટકબોલા એક્ટર તો ત્યાં સુધી કહે છે કે સૈફ પર છરીથી હુમલો કરનાર બીજું કોઈ નહીં, ખુદ કરીના જ છે! એટલે જ પોલીસ કે એમ્બ્યુલન્સ બોલાવવામાં ન આવ્યાં ને એટલે જ સૈફે રીક્ષામાં તૈમુર સાથે હોસ્પિટલ જવું પડયું. આ થિયરી આત્યંતિક છે, કબૂલ, પણ આ આખા ઘટનાક્રમમાં કરીનાનાં વર્તન-વ્યવહાર બહુ અજુગતા છે એ તો ચોક્કસ. કરીના કેમ વ્યવસ્થિત સ્ટેટમેન્ટ આપીને આ બધાને ચુપ કરી દેતી નથી? 

૧૭. મધ્યપ્રદેશમાં રહેલી સૈફની ૧૫,૦૦૦ કરોડની વારસાગત સંપત્તિ સંબંધિત કાનૂની કેસનો નકારાત્મક ચુકાદો પણ આ જ દિવસોમાં આવે તે એક યોગાનુયોગ છે. સૈફે કદાચ હવે આ મહામૂલી પ્રોપર્ટીથી હાથ ધોવા પડશે. આ કાનૂની કેસ અને સૈફ પર થયેલો હુમલો - આ બન્ને વચ્ચે કોઈ સંબંધ છે? 

આ સિવાય પણ બીજા ઘણા પ્રશ્નો છે. આ રહ્યો છેલ્લો પ્રશ્નઃ શું આ અંક તમારા હાથમાં આવે ત્યાં સુધીમાં કમસે કમ આમાંથી થોડાઘણા પ્રશ્નોના ઉત્તર મળી ગયા હશે? કે ઔર નવા પ્રશ્નો ફૂટી નીકળ્યા હશે? જોઈએ!  


Google NewsGoogle News