Get The App

'વિશ્વ પ્રવાસન દિવસ'ના અવસરે ગુજરાતના આ ગામને મળ્યો 'બેસ્ટ રૂરલ ટુરિઝમ કોમ્પિટિશન 2024'નો એવોર્ડ

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
Hafeshwar Village


Hafeshwar Village gets The Best Village Award: એવું કહેવાય છે કે ભારતની આત્મા તેના ગામડાઓમાં વસે છે, તેથી જ ભારત સરકારના પ્રવાસન મંત્રાલયે 27 સપ્ટેમ્બર, 2024ના રોજ વિશ્વ પ્રવાસન દિવસના અવસરે 'બેસ્ટ રૂરલ ટુરિઝમ કોમ્પિટિશન 2024'માં 36 ગામને સમ્માનિત કર્યા છે. જેમાં હેરિટેજ કેટેગરીમાં ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વર ગામને 'બેસ્ટ રૂરલ ટુરિઝમ કોમ્પિટિશન 2024'નો એવોર્ડ એનાયત કર્યો છે. 

ક્યા આવેલું છે હાફેશ્વર?

હાફેશ્વર એ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલું એક એવું સ્થળ છે જ્યાંથી માઁ નર્મદા ગુજરાતમાં પ્રવેશ કરે છે. સતપૂડા અને વિંધ્યાચલની ગિરિમાળાઓની વચ્ચેથી પસાર થતી નર્મદા નદીની ધારા થકી હાફેશ્વરને જાણે પ્રકૃતિએ ચારેકોર સૌંદર્યથી મઢી દીધું છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા આ ગામમાં હાફેશ્વર મહાદેવનું મંદિર અનેક શ્રદ્ધાળુઓનું આસ્થાકેન્દ્ર છે.

10 કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ વિકસાવવામાં આવી રહ્યું છે

ગુજરાતના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'આજે ફરી એકવાર છોટાઉદેપુર જિલ્લાના નાના હાફેશ્વર ગામે 'કુછ દિન તો ગુજારીએ ગુજરાત મે'નો મંત્ર સાકાર કર્યો છે. તાજેતરમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા 10 કરોડના બજેટ સાથે હાફેશ્વરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ વોટર જેટી, નર્મદા ઘાટ, કેફેટેરિયા, ગાર્ડન, વોક-વે જેવી વિવિધ સુવિધાઓનું નિર્માણ કરવામાં આવનાર છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી, 24 કલાકમાં 233 તાલુકા ભીંજાયા, આ જિલ્લામાં ઍલર્ટ જાહેર

હાફેશ્વરમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે

એક અંદાજ મુજબ, ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ પૈકી દર વર્ષે લગભગ એક લાખ પ્રવાસીઓ હાફેશ્વરની મુલાકાત લે છે. પ્રવાસીઓ કડીપાની, તુર્કેડા હિલ, નખલ ધોધ અને ધારસીમેલ ધોધ જેવા નજીકના અન્ય પ્રવાસી આકર્ષણોની પણ મુલાકાત લે છે. તેમજ આ વિસ્તાર આદિવાસી વસ્તી ધરાવતું ગામ હોવાથી તેની વર્ષો જૂની પરંપરા અને સાંસ્કૃતિક ઓળખ અકબંધ છે. ગ્રામજનો સમયાંતરે આદિવાસી સમાજના મેળાઓનું આયોજન કરીને તેમના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે.

બેસ્ટ રૂરલ ટુરિઝમની પસંદગી માટેના માપદંડ

સામાજિક અને માળખાકીય વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા બેસ્ટ રૂરલ ટુરિઝમ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે. જેમાં અમુક માપદંડ અનુસરવામાં આવે છે, જેમકે...

- ગામની વસ્તી 25,000 કરતાં ઓછી હોવી જોઈએ

- જે પ્રસિદ્ધ સ્થળ, પ્રવાસન સ્થળ અથવા લેન્ડસ્કેપધરાવતું હોય અને જ્યાં કૃષિ, હસ્તકલા, ખોરાક વગેરે સહિતની પરંપરાગત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોય

- સ્પર્ધાનું મૂલ્યાંકન સાંસ્કૃતિક-કુદરતી સંસાધનો, આર્થિક-સામાજિક સ્થિરતા, પર્યાવરણીય સ્થિરતા, આરોગ્ય, સલામતી-સુરક્ષા, સાંસ્કૃતિક સંસાધનોનો પ્રચાર અને પ્રસાર, પ્રવાસન વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી જેવી બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. 

'વિશ્વ પ્રવાસન દિવસ'ના અવસરે ગુજરાતના આ ગામને મળ્યો 'બેસ્ટ રૂરલ ટુરિઝમ કોમ્પિટિશન 2024'નો એવોર્ડ 2 - image



Google NewsGoogle News