માધબી પુરી બુચ ભ્રષ્ટ છે, ઝી અને સોની મર્જરની ડીલ તૂટવા પાછળ તેઓ જવાબદાર: સુભાષ ચંદ્રા
Zee Founder On Sebi Chief : હિન્ડેનબર્ગે જાહેર કરેલા રિપોર્ટ બાદથી સેબીના અધ્યક્ષ માધબી પુરી બુચ ખૂબ ચર્ચામાં આવ્યા છે. વિપક્ષ દ્વારા તેમની વિરૂદ્ધ સતત સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઝીના સ્થાપક સુભાષ ચંદ્રાએ સેબીના અધ્યક્ષા માધબી પુરી બુચ પર પક્ષપાત, ભ્રષ્ટાચાર અને અનૈતિક વર્તનનો આરોપ મૂક્યો છે અને ઝી અને સોની મર્જરની ડીલ તૂટવા પાછળ પણ તેમને જવાબદાર ગણાવ્યા છે.
શું કહ્યું ઝીના સ્થાપક સુભાષ ચંદ્રાએ?
સુભાષ ચંદ્રાએ કહ્યું કે, 'હું માનું છું કે સેબીના અધ્યક્ષ ભ્રષ્ટ છે કારણ કે તેઓ સેબીમાં જોડાયા તે પહેલાં, તેમની અને તેમના પતિની સંયુક્ત વાર્ષિક આવક આશરે એક કરોડ રૂપિયા હતી, જે હવે વધીને 40-50 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ થઈ ગઈ છે. આની તપાસ થવી જોઈએ, જેમાં સેટલ અને કમ્પાઉન્ડ કરાયેલા કેસો અને કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવતી કન્સલ્ટેશન ફીનું વિશ્લેષણ પણ કરવું જોઈએ. આ પદ્ધતિઓનો ઉપયોગ કરી માધવી બુચ અને તેમના પતિ કંપનીઓ, ભ્રષ્ટ ઓપરેટરો અને શેરબજારના ફંડ મેનેજરો પાસેથી નાણાં પડાવી લે છે.'
ઝી-સોની મર્જર ડીલ તૂટવા પાછળ માધબી બુચ જ જવાબદાર
ચંદ્રાએ ઝી એન્ટરટેઈનમેન્ટ અને સોનીની મર્જર ડીલ તૂટવા પાછળ પણ માધબી બૂચને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, 'સેબીની કાર્યવાહીને કારણે ઝી અને સોનીના ભારતીય યુનિટ વચ્ચેનું 10 બિલિયન ડોલરનું મર્જર રદ થયું હતું. ઝી-સોનીની મર્જર પ્રક્રિયા સારી રીતે આગળ વધી રહી હતી અને તેને સ્ટોક એક્સચેન્જમાંથી પણ મંજૂરી મળી ગઇ હતી, પરંતુ સેબીએ BSE અને NSEને NCLTની કાર્યવાહીમાં દખલ કરવા અને સોનીને ડરાવવા કહ્યું હતું, જેના કારણે સોનીએ આખરે મર્જરને રદ કરવું પડ્યું હતું. આ મર્જર રદ થતા નાના શેરધારકોને ભારે નુકસાન થયું હતું.'
બેંકમાંથી ગેરકાયદેસર રીતે રૂપિયા લેવાનો આરોપ
ચંદ્રાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, 'ICICI બેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચર બૂચને મોટી રકમ ચૂકવી રહી હતી અને બંને દરરોજ ઓછામાં ઓછા 20 વખત ફોન પર વાત કરતા હતા. હવે એ વાત સામે આવી છે કે તે બેંકમાંથી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા લઈ રહી છે.'
માધબી બુચે આરોપ ફગાવ્યા
સેબીના ચેરપર્સન માધબી પૂરી બુચે સુભાષ ચંદ્રાના તમામ આરોપોને ફગાવી દેતા કહ્યું કે, 'આ તકવાદી ટિપ્પણીઓ છે અને સંપૂર્ણપણે પાયાવિહોણી છે.'
નોંધનીય છે કે, 2023માં સેબીએ ઝીની એક કંપનીના પ્રમોટર્સ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. સેબીએ ઓગસ્ટ 2023માં એક આદેશમાં ચંદ્રા અને તેમના પુત્ર પુનિત ગોએન્કાને ચાર ગ્રૂપ કંપનીઓના મહત્વપૂર્ણ હોદ્દા સંભાળવા પર પ્રતિબંધ મૂક્યો હતો.