ખાતામાં બેલેન્સ નહીં હોય તો પણ UPI દ્વારા પેમેન્ટ કરી શકાશે, NPCI ટૂંક સમયમાં સુવિધા શરૂ કરશે
UPI Credit Line System will be Launched: આગામી દિવસોમાં તમારા બેન્ક એકાઉન્ટમાં બેલેન્સ ન હોય તો પણ તમે આરામથી યુપીઆઈ પેમેન્ટ કરી શકશો. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ટૂંકસમયમાં યુપીઆઈના યુઝર્સ માટે ક્રેડિટ લાઈન સુવિધા શરૂ કરવા જઈ રહી છે. લગભગ નવ મહિના પહેલાં જ યુપીઆઈ પર ક્રેડિટ લાઈન વિશે જાહેરાત કરવામાં આવી હતી. આ સુવિધા શરૂ થયા બાદ તમારૂ યુપીઆઈ એકાઉન્ટ ક્રેડિટ કાર્ડની જેમ કામ કરી શકશે.
યુપીઆઈ પર ક્રેડિટ લાઈન એ બેન્ક ખાતાનો ઉપયોગ કરતાં ગ્રાહકો માટે પ્રી-અપ્રુવ્ડ લોનની જેમ જ હશે. જેમાં યુઝર એકાઉન્ટમાં બેલેન્સ નહીં હોય તો પણ પેમેન્ટ કરી શકશે. જેની ચૂકવણી બાદમાં બેન્કને કરવાની રહેશે.
1.2 ટકા ઈન્ટરચેન્જ લાગૂ થશે
દરેક ટ્રાન્જેક્શન પર વેપારી ક્રેડિટ જારીકર્તાને ચૂકવવામાં આવતુ કમિશન ઈન્ટરચેન્જ તરીકે ઓળખાય છે. જે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટનો 90 ટકા હિસ્સો છે. ટ્રાન્જેક્શનને વધુ સરળ બનાવવા માટે કોમર્શિયલ બેન્કોને આ ચાર્જ ચૂકવાય છે. કોર્પોરેશન ઝડપથી યુપીઆઈ ક્રેડિટ લાઈન માટે 1.2 ટકા ઈન્ટરચેન્જની જાહેરાત કરી શકે છે. આ સંદર્ભે સર્ક્યુલર જારી કરવામાં આવશે. યુપીઆઈ એપ્સ અને બેન્કો મારફત થતી કમાણીમાં હિસ્સા અંગે પણ ચર્ચા થઈ રહી છે.
નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ: બજેટ પહેલા PF મુદ્દે સરકારનો મોટો નિર્ણય
બેન્ક નિશ્ચિત વ્યાજ વસૂલશે
યુપીઆઈ ક્રેડિટ લિમિટ સિબિલ સ્કોર અનુસાર મળવાપાત્ર રહેશે. જેનો ઉપયોગ માત્ર મર્ચન્ટ પાસે કરી શકાશે. જેની અવેજમાં બેન્ક બેન્ક નિશ્ચિત વ્યાજ વસૂલશે. જેના માટે ખાનગી અને સરકારી બેન્કો સાથે બેઠકો થઈ ચૂકી છે. અત્યારસુધી આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, પીએનબી, ઈન્ડિયન બેન્ક અને એક્સિસ બેન્કે આ સિસ્ટમ સાથે જોડાવવા મંજૂરી આપી છે.
દુકાનદારોને પણ થશે ફાયદો
આ સુવિધાનો લાભ ગ્રાહકોની સાથે દુકાનદારોને પણ થશે. હાલ, ક્રેડિટ કાર્ડ મારફત રૂ. 2000થી વધુની ચૂકવણી પર દુકાનદારોને આશરે 2 ટકા ચાર્જ ચૂકવવો પડે છે. યુપીઆઈમાં ક્રેડિટ લાઈન મળ્યા બાદ તેમાં દુકાનદારે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. ઉલ્લેખનીય છે, ક્રેડિટ કાર્ડમાં નિશ્ચિત સમય સુધી કોઈ વ્યાજ ચૂકવવુ પડતુ નથી. પરંતુ યુપીઆઈની ક્રેડિટ લાઈનમાં વ્યાજ ચૂકવવુ પડશે.
કતારમાં યુપીઆઈ શરૂ થશે
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ કતારમાં QR કોડ આધારિત યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) સેવા શરૂ કરવા માટે ક્યુએનબી સાથે કરાર કર્યો છે. ક્યુએનબી મધ્ય-પૂર્વ અને આફ્રિકાની સૌથી મોટી નાણાકીય સંસ્થા છે. યુપીઆઈ સેવા શરૂ કરવાથી કતારની મુલાકાત લેતાં ભારતીય મુસાફરો માટે પેમેન્ટનો નવો વિકલ્પ ઉભો થતાં રિટેલ સ્ટોર, પર્યટક આકર્ષણો અને સ્થળોએ હરવા-ફરવા અને શોપિંગ કરવામાં સરળતા પ્રદાન થશે.