ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવા પૈસા ન હોય તો પેનલ્ટીથી બચવા અપનાવો આ રસ્તો, મસમોટા વ્યાજથી બચી જશો!
Credit Card Rules: ક્રેડિટ કાર્ડ એ તમને રોકડની ઝંઝટથી મુક્ત કરવા, ક્રેડિટ સ્કોર વધારવા અને અણધારી જરૂરિયાતોને પૂરી કરવા નાણાકીય સહાય પ્રદાન કરે છે. પરંતુ તેનું દરમહિને આવતા બિલની ચૂકવણી સમયસર કરવી પણ એટલી જ આવશ્યક છે. જો ચૂકવણી કરવાનું ચૂકી જાવ તો મોટી પેનલ્ટી અને અન્ય નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
આમ ન થાય તેના માટે ક્રેડિટ કાર્ડ ધારકોએ પોતાની કાર્ડ બિલિંગ સાયકલ અને ફાઈનાન્સિયલ મેનેજમેન્ટને સમજવુ અનિવાર્ય છે. આરબીઆઈએ તાજેતરમાં ફેરફાર કરેલા નિયમોના આધારે તમે ક્રેડિટ કાર્ડ બિલિંગ સાયકલને મેનેજ કરી શકો છો.
શું છે ક્રેડિટ કાર્ડ બિલિંગ સાયકલ
માની લો કે, તમારૂ ક્રેડિટ કાર્ડ બિલ દર મહિને 25 તારીખે આવે છે, અને તેની ચૂકવણીની તારીખ આગામી મહિનાની 7 તારીખ છે. એટલે કે જો તમને 25 જાન્યુઆરીએ રૂ. 10 હજારનું ક્રેડિટ કાર્ડ બિલ મળે છે. તો તે 7 ફેબ્રુઆરી સુધી ચૂકવવાનું હોય છે. સંપૂર્ણ રકમની ચૂકવણી કરતાં તમારી ક્રેડિટ મર્યાદા વધી શકે છે. પરંતુ જો તમે ચૂકવણી કરવા સક્ષમ નથી, તો તમે ઓછામાં ઓછી રકમ (બિલના 5 ટકા) ચૂકવી શકો છો. પરંતુ યાદ રાખો, બાકીની રકમ પર વ્યાજ ચૂકવવુ પડશે, જેનાથી બોજો વધશે.
બિલિંગ સાયકલ માટે આરબીઆઈનો નવો નિયમઃ
આરબીઆઈ અનુસાર, હવે ક્રેડિટ કાર્ડ કંપનીઓને ઓછામાં ઓછું એક વખત પોતાની બિલિંગ સાયકલ બદલાવની મંજૂરી આપવી પડશે. જેનાથી તમે તમારા નાણાકીય સગવડોને અનુસાર ચૂકવણીની મુદ્દત બદલી શકો છો. જેનાથી પેનલ્ટી ચાર્જમાંથી મુક્તિ મળે છે. અને મજબૂત ક્રેડિટ સ્કોર જળવાઈ રહે છે. આથી નિયત તારીખ વિશે ચિંતા કર્યા વિના તમે બિલિંગ સાયકલની તારીખ તમારી અનુકૂળતા અનુસાર બદલી શકો છો.
લેઈટ ફી અને પેનલ્ટીથી બોજો વધશે
સામાન્ય રીતે તમારૂ ક્રેડિટ કાર્ડ બિલ જનરેટ થયાના 28થી 31 દિવસમાં ચૂકવણી કરવાની હોય છે. સ્ટેટમેન્ટની તારીખ બાદ તમે 10થી 15 દિવસમાં તમારા બિલની ચૂકવણી કરી શકો છો. જો નિર્ધારિત તારીખની અંદર ચૂકવણી નહીં કરો તો તમારે લેઈટ ફી અને પેનલ્ટી ચૂકવવી પડશે. તેમજ ક્રેડિટ સ્કોર પણ નબળો પડે છે.