સારી સેલેરી હોવા છતાં ખિસ્સામાં રૂપિયા ટકતાં નથી? તો આવી ભૂલ અત્યારથી જ સુધારી લો
How to Save Money: ઘણી વખત એવું થતું હોય છે કે આપનો પગાર સારો હોય પરંતુ એ પ્રમાણે કોઈ બચત કરી શકતા નથી. તેનો અર્થ એ કે તમે હંમેશા નાણાકીય તંગી સાથે સંઘર્ષ કરો છો. જીવનમાં યોગ્ય નાણાકીય વ્યવસ્થાપનને સમજવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ આ પછી પણ, મોટાભાગના લોકો તેમની નાણાકીય સ્થિતિને મજબૂત કરવા માટે જરૂરી સાવચેતીઓની અવગણના કરે છે. એવામાં આજે જાણીએ કે એવી કઈ ભૂલો છે જેના કારણે બચત કરવી અઘરી બની જાય છે.
બજેટ ન બનાવવું
ઘણા લોકો પોતાની આવક અને ખર્ચ અનુસાર દર મહિને યોગ્ય બજેટ બનાવતા નથી, જેના કારણે આવક કરતાં વધુ ખર્ચ થઈ જતો હોય છે. જેના કારણે બચત થવાની કોઈ સંભાવના જ નથી. આથી જ બજેટ બનાવવું જરૂરી છે જેથી બિનજરૂરી ખર્ચ ટાળી શકાય.
બિનજરૂરી લોન ન લેવી
ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન અને અન્ય લોન લેવી વર્તમાન સમયમાં સરળ બની ગયું છે. આ કારણે લોકો ઘણીવાર મોંઘા ગેજેટ્સ, ફેશનની વસ્તુઓ કે રજાઓ પર ખર્ચ વગેરે જેવી બિનજરૂરી વસ્તુઓ માટે પણ લોન લઈ લે છે. જેના કારણે બજેટ તો ખોરવાઈ જ છે સાથે સાથે ઊંચું વ્યાજ પણ ભરવું પડે છે.
ઇમરજન્સી માટે કોઈ ફંડ ન બનાવવું
ઘણા લોકોનો પગાર સારો હોય છે, તેમ છતાં તેઓ કોઈ ઇમરજન્સી આવે તો પરેશાન થઈ જતાં હોય છે. તેમની પાસે કોઈ ઇમરજન્સી ફંડ હોતું નથી. આવી પરિસ્થિતિથી બચવા માટે દર મહિને અમુક રકમ ઇમરજન્સી ફંડમાં જમા કરવી જોઈએ. આથી તે રકમ એવા સમયે ઉપયોગમાં લઈ શકાય.
આ પણ વાંચો: અદાણી ગ્રૂપ વિરૂદ્ધ લાંચના આરોપો નિરાધાર, મુકુલ રોહતગી અને જેઠમલાણીની સ્પષ્ટતા
માત્ર ટૂંકા ગાળાના રોકાણ
જો તમારી પાસે પૈસા છે તો તેનું રોકાણ માત્ર ટૂંકા ગાળા માટે ન કરો. તેના બદલે, લાંબા ગાળા માટે રોકાણ કરો. ઘણા લોકો ઝડપી નફાની શોધમાં ટૂંકા ગાળાના રોકાણમાં પૈસા રોકે છે, જેમ કે શેરબજાર ટ્રેડિંગ અથવા હાઇ રિટર્ન સ્કિમ્સ. આ પ્રકારના રોકાણમાં ક્યારેક નફો થાય છે તો ક્યારેક મોટું નુકસાન પણ થાય છે. તેથી, આ જોખમને ટાળવા માટે તમારે લાંબા ગાળાનું રોકાણ કરવું જોઈએ.
વીમા પોલિસીની અવગણના
ઘણાં લોકો વીમા પોલિસીને નકામી વસ્તુ માને છે. વીમાને બિનજરૂરી ખર્ચ માને છે અને તેની અવગણના કરે છે. જોકે, એવું નથી. ઘણી વખત વીમા પોલિસી તમારા માટે ફાયદાકારક સાબિત થતી હોય છે. ખાસ કરીને આરોગ્ય, જીવન અને મિલકત વીમો. જો તમે પૈસા કમાઓ છો અને તમારું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગો છો, તો તમારે વીમા પોલિસી લેવી જ જોઈએ. જો કે, વીમા પોલિસી લેતી વખતે અથવા ક્યાંક તમારા પૈસાનું રોકાણ કરતી વખતે, ચોક્કસ નાણાકીય નિષ્ણાતની સલાહ લો.