'X' યૂઝર્સને ઈલોન મસ્ક આપશે ઝટકો; Like, Reply અને Repost માટે લાવશે સબ્સક્રિપ્શન પ્લાન
1 ડૉલરનું વાર્ષિક સબ્સક્રિપ્શન પ્લાન લીધા બાદ જ યૂઝર્સ બેઝિક ફીચર્સનો પણ ઉપયોગ કરી શકશે
હાલમાં ન્યૂઝીલેન્ડ અને ફિલિપાઈન્સમાં આ યોજના ટ્રાયલ બેઝ પર લવાશે
Social media platform X | સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું તેણે હવે યૂઝર્સને મોટો ઝટકો આપવાની તૈયારી કરી લીધી હોય તેવું દેખાય છે. ઈલોન મસ્કની (Elon Musk) માલિકી હેઠળની કંપની 'X' એ હવે માઈક્રો બ્લોગિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈક, રિપ્લાય અને રિપોસ્ટ (Like, Reply And Repost) કરવા જેવા બેઝિક ફીચર્સ માટે પણ સબ્સક્રિપ્શન ચાર્જ (X new subscription model) વસૂલવાની યોજના બનાવી છે. હાલમાં આ ટ્રાયલ બેઝ પર શરૂ થશે.
કેટલો ચાર્જ વસૂલવામાં આવશે?
માહિતી અનુસાર આ બેઝિક ફીચર્સનો ઉપયોગ કરવા માટે પણ હવે યૂઝર્સે વાર્ષિક 1 ડૉલરનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. નવા સબ્સક્રિપ્શનને 'નોટ એ બોટ' (Not A Bot) નામ આપવામાં આવ્યું છે. તે હેઠળ ટ્વિટરના યૂઝર્સ પાસેથી લાઈક્સ, રિપોસ્ટ અથવા કોઈ અન્ય એકાઉન્ટથી કરાયેલી ટ્વિટને ક્વૉટ કરવા કે રિપ્લાય આપવા તથા વેબવર્ઝન પર બુકમાર્ક કરવા માટે આ ચાર્જ ચૂકવવો પડશે.
શું છે ઉદ્દેશ્ય?
જોકે આ મામલે ઈલોન મસ્કની માલિકી હેઠળની કંપનીનું કહેવું છે કે બોટ્સ અને સ્પેમર્સને કાઉન્ટર કરવા માટે આ નિર્ણય લેવામાં આવી શકે છે. જુદા જુદા દેશોની કરન્સીના એક્સચેન્જ રેટના આધારે સબ્સક્રિપ્શનની કિંમતમાં વધ-ઘટ થઈ શકે છે. હાલમાં ન્યૂઝીલેન્ડ અને ફિલિપાઈન્સમાં એક્સના યૂઝર્સ માટે આ સબ્સક્રિપ્શન સેવા ઉપલબ્ધ થશે. ટ્રાયલ દરમિયાન વર્તમાન યૂઝર્સને તેની કોઈ અસર નહીં થાય પણ નવા યૂઝર્સે આ ચાર્જ ચૂકવવો પડી શકે છે જેઓ ફક્ત પોસ્ટ વાંચવા, જોવા, વીડિયો જોવા કે એકાઉન્ટને ફોલો કરવા માગે છે.