Get The App

WPI: ખાદ્ય ચીજોના ભાવ વધતાં જથ્થાબંધ ફુગાવો 13 માસની ટોચે, એપ્રિલમાં 1.26 ટકા નોંધાયો

Updated: May 14th, 2024


Google NewsGoogle News
WPI: ખાદ્ય ચીજોના ભાવ વધતાં જથ્થાબંધ ફુગાવો 13 માસની ટોચે, એપ્રિલમાં 1.26 ટકા નોંધાયો 1 - image


WPI Inflation: જથ્થાબંધ ફુગાવો એપ્રિલ માસમાં વાર્ષિક ધોરણે 1.26 ટકા નોંધાયો છે. જે માર્ચમાં 0.53 ટકા હતો. ખાદ્ય ચીજોના ભાવમાં વૃદ્ધિના પગલે જથ્થાબંધ ફુગાવો વધ્યો હોવાનું વાણિજ્ય મંત્રાલયે મંગળવારે જારી કરેલા આંકડા પરથી જાણવા મળ્યું છે.

બટાટા-ડુંગળીના જથ્થાબંધ ભાવ વધ્યા

એપ્રિલમાં ડુંગળીની કિંમતો 59.75 ટકા વધી હતી. જે માર્ચમાં 56.99 ટકા હતી. બટાટાનો મોંઘવારી દર 71.97 ટકા નોંધાયો છે. જે માર્ચમાં 52.96 ટકા હતો. એક વર્ષ પહેલાં ડુંગળીના ભાવો 5.54 ટકા ઘટ્યા હતા, અને બટાટાના ભાવ 30.56 ટકા વધ્યા હતા.

ખાદ્ય ચીજોની જથ્થાબંધ કિંમતો વધી

ખાદ્ય ચીજોની જથ્થાબંધ કિંમતો વાર્ષિક ધોરણે 5.52 ટકા વધી છે. માર્ચમાં તે 4.7 ટકાના દરે વધી હતી. જ્યારે માસિક ધોરણે માર્ચમાં 0.95 ટકાની તુલનાએ 1.94 ટકા વધી છે. એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો વધવા પાછળનું કારણ  ખાદ્ય ચીજો, વીજ, ક્રૂડ પેટ્રોલિયમ તથા નેચરલ ગેસ, ઉત્પાદિત ખાદ્ય પદાર્થો તથા અન્ય ઉત્પાદિત વસ્તુઓની કિંમતોમાં વૃદ્ધિ છે.

ક્રૂડ પેટ્રોલિયમના જથ્થાબંધ ભાવો વધ્યા

એપ્રિલ, 2024માં ક્રૂડ પેટ્રોલિયમના જથ્થાબંધ ભાવો ગતવર્ષે 1.64 ટકાની તુલનાએ વધી 4.97 ટકા થયા છે. પ્રાથમિક વસ્તુઓનો જથ્થાબંધ ફુગાવો એપ્રિલમાં 5.01 ટકા નોંધાયો હતો. જે માર્ચમાં 4.51 ટકા હતો. જેમાં ખાદ્ય ચીજો, શાકભાજી અને ખનિજોની કિંમત સમાવિષ્ટ છે.

રિટેલ મોંઘવારીમાં રાહત

ગઈકાલે જારી થયેલા આંકડાઓમાં રિટેલ મોંઘવારી 4.83 ટકા સાથે 11 માસના તળિયે પહોંચી હતી. જે માર્ચમાં 4.85 ટકા હતી. ઈંધણ અને વીજની કિંમતોમાં ઘટાડાના પગલે રિટેલ મોંઘવારી ઘટી છે.

 WPI: ખાદ્ય ચીજોના ભાવ વધતાં જથ્થાબંધ ફુગાવો 13 માસની ટોચે, એપ્રિલમાં 1.26 ટકા નોંધાયો 2 - image


Google NewsGoogle News