'હું તો 100 કલાક કામ કરુ છુ પણ..' અઠવાડિયામાં 90 કલાક કામની ચર્ચામાં ચર્ચિત બિઝનેસમેને ઝંપલાવ્યું
Deepak Shenoy: ઇન્ફોસિસના સંસ્થાપક એન આર નારાયણ મૂર્તિનું અઠવાડિયામાં 70 કલાક કામ કરવાનું નિવેદન હજુ પણ વિવાદમાં હતું. એવામાં હવે લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના ચેરમેન એસએન સુબ્રમણ્યનના અઠવાડિયામાં 90 કલાક કામ કરવાના નિવેદને સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. આ નિવેદનના કારણે તેઓ પણ ટ્રોલ થઈ રહ્યા છે. લોકો માને છે કે જો તેઓ અઠવાડિયામાં 90 કલાક કામ કરે છે, તો પછી ઘર અથવા અન્ય કામ માટે સમય ક્યાં બચશે? આ ચર્ચામાં ઘણા દિગ્ગજોએ પોતપોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે. દરમિયાન, કેપિટલમાઇન્ડના સ્થાપક અને સીઇઓ દીપક શેનોયે પ્રોડક્ટિવિટી અને વર્ક લાઈફ બેલેન્સપર તેમના મંતવ્યો શેર કર્યા છે.
શેનોયે બિઝનેસમેન તરીકે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો
શેનોયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં બિઝનેસમેન તરીકે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. આ અનુભવ શેર કરતા કહ્યું કે તે ઘણીવાર અઠવાડિયામાં 100 કલાકથી વધુ કામ કરે છે, પરંતુ કામ ઘણીવાર દિવસમાં 4-5 કલાકમાં પણ પૂર્ણ થઈ જાય છે. તેમની પોસ્ટ સૂચવે છે કે તે કામ કરેલા કલાકોની સંખ્યા વિશે નથી, પરંતુ તે કલાકો દરમિયાનના ફોકસ વિશે છે.
શેનોયએ કામના કલાકો લાગુ કરવાની પરંપરાગત ધારણાને પણ પડકારી હતી. આ અંગે તેમણે કહ્યું કે, 'પ્રેરિત વ્યક્તિઓ સખત સમયમર્યાદાની જરૂર વગર પણ કુદરતી રીતે સખત મહેનત કરશે.'
શેનોયએ X પોસ્ટ પર પોસ્ટ શેર કરી
શેનોયએ X પરની પોતાની પોસ્ટમાં લખ્યું, 'મેં કદાચ મારી સમગ્ર કારકિર્દી દરમિયાન અઠવાડિયામાં 100 કલાક કામ કર્યું છે, પરંતુ તેમાંથી મોટા ભાગનું કામ એક બિઝનેસમેન તરીકેનું હતું. તમારે કામના કલાકો નક્કી કરવાની જરૂર નથી, જે લોકો પ્રેરિત છે તેઓ કોઈ પણ સંજોગોમાં ખુશીથી કામ કરશે. મોટાભાગના કાર્ય દિવસમાં 4-5 કલાકમાં થઇ જાય છે, પરંતુ તે ક્યારે થાય છે તે તમે જાણતા નથી.'
આ અંગે તેમણે આગળ કહ્યું, 'મને હજુ પણ મીટીંગ્સને કામ કહેવું મુશ્કેલ લાગે છે, પરંતુ હું જેને કામ કહું છું તેમાં મીટીંગ્સ કરતા વધુ એનર્જી લાગે છે. અમુક અંશે x કલાક કામનો આ તર્ક મારી સમાજની બહાર છે. જ્યારે હું રમું છું, ત્યારે હું સખત રમું છું. જ્યારે હું કામ કરું છું, ત્યારે હું સખત મહેનત કરું છું.'
ઉદ્યોગ જગતના કેટલાક લીડર્સએ દર અઠવાડિયે 80-90 કલાક કામ કરવાના વિચારને સમર્થન આપ્યું હતું, જ્યારે અન્ય લોકોએ અઠવાડિયામાં 90 કલાકના કામ કરવાના ખ્યાલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આ ચર્ચા શા માટે ઊભી થઈ?
એક મીટિંગ દરમિયાન, જ્યારે L&Tના ચેરમેન સુબ્રમણ્યમને કામના કલાકો અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, 'સાચું કહું તો, મને અફસોસ છે કે હું તમારી પાસે રવિવારે કામ કરાવવા માટે સક્ષમ નથી. જો હું તમારી પાસે રવિવારે પણ કામ કરાવી શકું તો મને વધુ ખુશી થાય, કારણ કે હું રવિવારે પણ કામ કરું છું. તમે ઘરે બેસીને શું કરો છો? તમે તમારી પત્નીને ક્યાં સુધી જોઈ શકો છો? પત્ની ક્યાં સુધી પતિને જોઈ શકે? ઓફિસ જાઓ અને કામ શરૂ કરો.' તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ફરી ચર્ચાઓ શરુ થઇ છે.