Work from Home: કર્મચારીઓને ઘરેથી કામ કરાવવાથી કંપનીઓને ફાયદો કે નુકસાન? જુઓ રિપોર્ટ
Faculty of Management Studies report on Work From Home: કોરોના પછીના સમયથી વર્ક ફ્રોમ હોમ કલ્ચર એટલે કે ઘરેથી જ કામ કરવાનું કલ્ચર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. ઘરેથી કામ કરવાના ઘણાં ફાયદા છે તો સામે ઘણાં પડકાર પણ છે. સીઆઇઆઇ અને ફેકલ્ટી ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા આ અંગે એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. જેમાં વર્ક ફ્રોમ હોમના નફા-નુકસાન અંગે જણાવવામાં આવ્યું છે.
વર્ક ફ્રોમ હોમના કંપનીને ફાયદા
રિપોર્ટ અનુસાર, કર્મચારીઓ માટે 'વર્ક ફ્રોમ હોમ'ની સુવિધા વધુ સંતુલિત ભૌગોલિક વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થઈ શકે છે. અભ્યાસ મુજબ, વિવિધ સ્થળોથી લોકોને નોકરી માટે બોલાવવાથી મહાનગરોમાં વસ્તી વધારો થાય છે, જેના કારણે મહાનગરોના વિસ્તારો પર દબાણ વધી જાય છે. જો વર્ક ફ્રોમ હોમની સુવિધા હોય તો આ દબાણ ઘટાડી શકાય છે.
વર્ક ફ્રોમ હોમનું કલ્ચર શરુ થતાં ઘણી કંપનીઓએ રિમોટ અને હાઇબ્રિડ વર્ક કલ્ચર અપનાવ્યું છે. જેના કારણે ઑફિસનું ભાડું બચે છે તેમજ આ સાથે અન્ય કામ સાથે જોડાયેલા ખર્ચ પણ ઓછા થાય છે.
વર્ક ફ્રોમ હોમથી કર્મચારીને ફાયદા
- વર્ક ફ્રોમ હોમ કરવાથી મુસાફરી અને રહેવાના ખર્ચમાં બચતને કારણે કર્મચારીને ફાયદો થાય છે.
- આ સાથે જ કર્મચારીઓ માટે ઑફિસ જવાના તણાવમાં પણ ઘટાડો થયો છે, જેના કારણે કામની ક્વોલિટીમાં સુધારો થયો છે.
- તેમજ જો કર્મચારીના ઘરમાં નાના બાળકો કે વૃદ્ધો હોય તો તેમની સંભાળ માટે પણ સમય ફાળવી શકે છે.
આ પણ વાંચો: ITR મુદ્દે આવકવેરાની એડવાઇઝરી: આવી ભૂલ કરી તો થઈ શકે છે દસ લાખ રૂપિયાનો દંડ
રિપોર્ટ અનુસાર વર્ક ફ્રોમ હોમના પડકાર
- અભ્યાસ અનુસાર રિમોટ વર્ક કરવાથી કોઈપણ કંપનીનો વિકાસ અટકી જાય છે.
- અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે તેના કારણે કોમ્યુનિકેશન ઓછું અસરકારક બન્યું છે અને અને રિમોટ વર્ક તેમજ ટીમ વર્ક માટે હાનિકારક છે.
- કેટલાક લોકોને તેમની પર્સનલ લાઇફ અને પ્રોફેશનલ લાઇફને અલગ રાખવામાં મુશ્કેલી પડે છે, આથી તણાવ પણ વધે છે.
- તેમજ ઘણાં કર્મચારીઓ પાસે શાંતિથી બેસીને કામ કરી શકે તેવી જગ્યાનો અભાવ હોય છે આથી તેમને વર્ક ફ્રોમ હોમ કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
- સ્વશિસ્ત જાળવવામાં અસમર્થ હોય તેવા લોકો માટે વર્ક ફ્રોમ હોમના ટાઇમટેબલને અનુસરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે.