શેરબજારમાં પુરૂષો કરતાં મહિલાઓ ઓછી ખોટ કરે છે, સેબીના આ સર્વેની શું છે હકીકત?
women Earn More Return than men In Stock Market: શેરબજારમાં નફો કમાવવા મામલે પુરૂષોની તુલનાએ મહિલાઓ અગ્રેસર છે. સેબીના એક સર્વેમાં આ સંકેત મળ્યો છે. સેબી દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, શેરબજારમાં ઈન્ટ્રા ડે ટ્રેડિંગમાં મહિલાઓ કરતાં પુરષો વધુ ખોટ કરે છે. જો કે, વાસ્તવમાં આ મામલો ટેક્સના લાભ સાથે જોડાયેલો છે.
સર્વેમાં ડિમેટ એકાઉન્ટમાં નફા-ખોટના હિસાબથી આ અંદાજ મેળવવામાં આવ્યો છે કે, મહિલાઓ પુરૂષો કરતાં વધુ રિટર્ન મેળવે છે પરંતુ વાસ્તવમાં મોટાભાગના પુરૂષો શેરબજારમાં ટ્રેડિંગ ટેક્સ બચાવવા માટે પોતાની પત્નિ, માતા કે બહેનના નામે ડિમેટ એકાઉન્ટ ખોલાવે છે. માર્કેટ નિષ્ણાતોએ જણાવ્યું કે, મોટાભાગના પુરૂષો પોતાના ઘરની સ્ત્રીના ડિમેટ એકાઉન્ટ પરથી ટ્રેડિંગ કરતાં હોય છે. જેથી નફો-નુકસાન મામલે સ્ત્રીઓ પુરૂષો કરતાં હોશિયાર હોવાની વાતમાં 100 ટકા તથ્ય કહી શકાય નહીં.
આ પણ વાંચોઃ રેલવેમાં બમ્પર ભરતીની જાહેરાત, આજથી ફૉર્મ ભરવાનું શરુ; આ રીતે કરી શકો છો અરજી
શા માટે મહિલાના એકાઉન્ટનો ઉપયોગ કરે છે?
મહિલાઓના ડિમેટ એકાઉન્ટનો ઉપયોગ કરવાથી ટ્રેડરની કુલ કરપાત્ર આવક ઘટે છે. આજે પણ ઘણી મહિલાઓ ઈનકમ ટેક્સ ફાઈલ કરતી ન હોવાથી પુરૂષો તેમના નામે ટ્રેડિંગ કરી નફા પર ટેક્સ ચૂકવવાથી દૂર રહેતાં મહિલાના નામે ડિમેટ એકાઉન્ટ ખોલાવી ટ્રેડિંગ કરે છે.
શું કહે છે સેબીનો રિપોર્ટ
સેબીના અભ્યાસ અનુસાર, નાણાકીય વર્ષ 2018-19થી પુરૂષ ટ્રેડર્સની તુલનાએ મહિલા ટ્રેડર્સનો ખોટ રેશિયો ઓછો છે. 2022-23માં ખોટ કરનારી મહિલા ટ્રેડર્સનો રેશિયો 66 ટકા હતો. જ્યારે ખોટ કરનાર પુરૂષ ટ્રેડર્સનો રેશિયો 72 ટકા હતો. પ્રોફિટ કમાનારી મહિલા ટ્રેડર્સનો રેશિયો 2022-23માં 23 ટકા હતો. જે નફો કમાનાર પુરૂષ ટ્રેડર્સના 28 ટકા કરતાં ઓછો છે.
પરિણીત મહિલાઓ સ્ટોક માર્કેટમાં વધુ ટ્રેડિંગ કરતી હોવાનું આ સર્વમાં જાણવા મળ્યું છે, જો કે, હકીકત કંઈક અલગ જ છે. સેમકો સિક્યોરિટીઝના પ્રેસિડન્ટ અને એક્ઝિક્યુટીવ ડિરેક્ટર નિલેશ શર્માએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકો 30 વર્ષની વયે લગ્ન કરે છે. આ વય સુધી પહોંચતાં વ્યક્તિ સંપૂર્ણપણે મેચ્યોર અને અનુભવી હોય છે. જેથી તેઓ ઓછી ખોટ અને વધુ નફો કમાવવા સક્ષમ હોય છે. યુવા ટ્રેડર્સની તુલનાએ અનુભવી ટ્રેડર્સની ખોટ કરવાનો રેશિયો ઓછો હોય છે.
મહિલાઓ દ્વારા ટ્રેડિંગનું પ્રમાણ વધ્યું
વિવિધ સ્ટોક બ્રોકર્સના અહેવાલ અનુસાર, મહિલા સશક્તિકરણ સાથે મહિલાઓ નાણાકીય સધ્ધરતા માટે પણ જાગૃત્ત બની છે. છેલ્લા એક વર્ષમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવનારી મહિલાઓની સંખ્યા 75 ટકા વધી છે. જ્યારે એક્ટિવ મહિલા ટ્રેડર્સની સંખ્યા 30 ટકા થઈ છે.