નવરાત્રિ 2024: બહેનો-માતાઓને સશક્ત બનાવતી 9 સરકારી યોજનાઓની માહિતી, જાણો કઈ રીતે મળે છે લાભ
Personal Finance Tips: નવલી નવરાત્રિમાં મા શક્તિની આરાધનાની સાથે ઘરની મહિલાઓને પણ આર્થિક રીતે સશક્ત બનાવવાની તક વિશેની માહિતી તમે આ યોજનાઓ પરથી મેળવી શકો છો. સરકારની આ નવ યોજના દીકરીઓને ભવિષ્યમાં જરૂર પડતી નાણાકીય જરૂરિયાત પૂરી કરવા સહાયરૂપ બની શકે છે. જેમાં વ્યાજનો દર પણ સામાન્ય બૅન્ક એફડી કરતાં વધુ અને મોંઘવારીના દરના આધારે બદલાતો રહે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના
ખાસ મહિલાઓ માટે સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક ધોરણે લઘુત્તમ રૂ. 250થી મહત્તમ રૂ. 1.5 લાખનું રોકાણ કરી શકો છો. જેમાં હાલ 8.2 ટકા વ્યાજ મળી રહ્યું છે. જેમાં 15 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે, અને 21 વર્ષે મેચ્યોરિટી પર રકમ વ્યાજ સાથે પરત મળે છે.
મહિલા સન્માન સેવિંગ્સ સ્કીમ
મહિલાઓની બચતમાં વધારો કરતી સરકારની મહિલા સન્માન સેવિંગ્સ સ્કીમ પર 7.5 ટકા વ્યાજ મળે છે. જેનો મેચ્યોરિટી પિરિયડ 2 વર્ષનો છે. જેમાં પત્ની, દીકરી કે માતા રોકાણ કરી શકે છે.
આ પણ વાંચોઃ નવરાત્રિના બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ
પ્રધાનમંત્રી માતૃવંદના સ્કીમ
સરકારની આ સ્કીમ ગર્ભવતી મહિલાઓને મદદ કરવા સંચાલિત છે. જેમાં ગર્ભવતી મહિલાઓને રૂ. 6000ની આર્થિક મદદ આપવામાં આવે છે. સરકાર આ રકમ મહિલાઓના બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરે છે. જેમાં સરકાર બાળકના જન્મ સમયે રૂ. 1000 અને ત્યારબાદ પ્રથમ ચરણમાં રૂ. 1000, બીજા અને ત્રીજા ચરણમાં રૂ. 2000-2000 ચૂકવે છે.
લખપતિ દીદી યોજના
આ સ્કીમમાં સરકાર એક અભિયાન ચલાવી રહી છે, જેથી દેશની બહેનો અને દીકરીઓને આર્થિક સ્તરે મજબૂત બનાવવામાં આવે. જેમાં ત્રણ કરોડ મહિલાઓને લખપતિ બનાવવાનો ઉદ્દેશ છે. જેમાં મહિલાઓને રૂ. 5 લાખ સુધીની લોન આપે છે. વ્યાજમુક્ત આ લોનથી તેઓ કોઈપણ બિઝનેસ શરુ કરી શકે છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના
2016માં શરુ થયેલી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ ગરીબ પરિવારની મહિલાઓને એલપીજી રાંધણ ગેસ ઉપલબ્ધ કરાવવાનો છે. જેથી ગ્રામીણ અને શહેરી વિસ્તારના બીપીએલ પરિવારોને તેનો લાભ મળે છે.
મહિલા ઈ-હાટ સ્કીમ
મહિલા ઈ-હાટ સ્કીમ ઓનલાઇન માર્કેટિંગ પ્લેટફૉર્મ પૂરું પાડે છે. જેમાં મહિલાઓ ઘરે રહીને જ ઓનલાઇન કારોબાર કરી આત્મનિર્ભર બની શકે છે. આ સ્કીમ મારફત મહિલાઓ પોતાની કોઈપણ પ્રકારની પ્રોડક્ટ ઓનલાઇન વેચી શકે છે. જેમાં પોતાની કળા-કારીગરીની મદદથી વિશ્વભરમાં ઓળખ મેળવવાની તક મળે છે.
બેટી બચાઓ, બેટી પઢાઓ
આ યોજનાનો ઉદ્દેશ બાળકીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન આપવાનો છે. આજે પણ ઘણા અંતરિયાળ વિસ્તારોમાં દીકરીઓ અશિક્ષિત છે. આ યોજનાના માધ્યમથી બાળકીઓને શિક્ષિત બનાવવા ઉપરાંત તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ ડિપોઝિટ ઉપાડી લો નહીંતર વ્યાજ તો નહીં મળે...' નેશનલ સેવિંગ સ્કીમ અંગે મોટા સમાચાર
મહિલા સમૃદ્ધિ યોજના
માઇક્રો ફાયનાન્સ સ્કીમ મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ ઉદ્યમી મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. જેમાં મહિલાઓને રૂ. 1.40 લાખ સુધીની લોન ઓછા વ્યાજે પ્રાપ્ત થાય છે. આ યોજનાનો લાભ પછાત વર્ગની મહિલાઓ કે જેમની વાર્ષિક આવક રૂ. 3 લાખથી ઓછી હોય તેમને મળે છે.
ફ્રી સિલાઈ મશીન યોજના
મહિલાઓની સીવણ કળાને પ્રોત્સાહન આપતા કેન્દ્ર સરકાર ફ્રી સીવણ મશીન યોજના ચલાવે છે. જેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોની આર્થિક રીતે નબળી મહિલાઓને મફત સીવણ મશીન આપવામાં આવે છે. 20થી 40 વર્ષની વયજૂથની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. જો કે, આ શ્રમિક મહિલાઓના પતિની આવક રૂ. 12 હજારથી વધુ હોવી જોઈએ નહીં.