ડિપોઝિટ ઉપાડી લો નહીંતર વ્યાજ તો નહીં મળે...' નેશનલ સેવિંગ સ્કીમ અંગે મોટા સમાચાર
National Saving Scheme : આજથી 37 વર્ષ પહેલા થાપણદારો અને તેમની ભાવિ પેઢીની નાણાંકીય સલામતીને ઘ્યાનમાં રાખીને નેશનલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરનારાઓને તેમના તમામ નાણાં 30મી સપ્ટેમ્બર 2024 પછી ઉપાડી લેવાની સૂચના આપવામાં આવી છે. આ રકમનો ઉપાડ કરવામાં ન આવે તો તેમને તેના પર મળવાપાત્ર વ્યાજ આપવાનું બંધ કરી દેવાની સૂચના પણ આપવામાં આવી રહી છે. એનએસએસમાં રોકાણ કરનારા દરેક કરદાતાઓને તેમના કે.વાય.સી. અપડેટ કરવાની નોટિસ આપવામાં આવી છે. જોકે આ યોજના 2002ના વર્ષથી બંધ કરાયેલી છે.
પોસ્ટ ઓફિસમાં જઈને કે.વાય.સી. અપડેટ કરી લીધા પછી તેમને મૌખિક સૂચના આપવામાં આવે છે કે તેઓ તેમની થાપણો 30મી સપ્ટેમ્બર પછી નહિ ઉપાડી લે તો તેમને 30મી સપ્ટેમ્બર પછીનું વ્યાજ આપવામાં આવશે જ નહિ. 1987માં શરૂ કરવામાં આવેલી યોજના 1992માં બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ 1992માં નવેસરથી શરૂ કરવામાં આવેલી એનએસએસન યોજના 2002માં બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ તેના પર વ્યાજ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. તેથી કેટલાક કરદાતાઓએ આ યોજનાના રોકાણ ઉપાડી લઈ ખાતાઓ બંધ કરાવીને જે તે વર્ષની આવકમાં બતાવી દઈને ટેક્સ જમા કરાવી દીધા હતો. જોકે કેટલાક ડિપોઝિટર્સે તેમના નાણાં પૂર્વવત પડ્યા રહેવા દીધા હતા. આ ખાતાઓ આજેય ચાલુ જ છે.
નેશનલ સેવિંગ સ્કીમ કરદાતાના વરસે દહાડે રૂ. 40,000ની આસપાસ રોકવાની છૂટ આપવામાં આવી હતી. તેમાં રોકવામાં આવેલી રકમ આવકવેરા ધારાની કલમ 80 હેઠળ રોકાણ કરનારની આવકમાંથી બાદ આપવામાં આવે છે. રોકાણ કર્યા પછીના વર્ષોમાં કરદાતાઓને તેમની થાપણો અને તેના પર મેળવેલા વ્યાજની રકમ ઉપાડવાની છૂટ મળેલી છે. તેમાં ચાર વર્ષનો લૉક ઇન પિરિયડ હતો. એનએસએસ ચાલુ કરવામાં આવે ત્યારે તેના પર 11 ટકા જેટલું વ્યાજ આપવામાં આવતું હતું. સમય જતાં તેના પરનું વ્યાજ ઘટાડીને 7.5 ટકા કરી દેવામાં આવ્યું હતું. બારમી જુલાઈ 2024થી તેમાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
નિયમ મુજબ એનએસએસમાં કરેલા રોકાણની રકમ જે વર્ષે ઉપાડવામાં આવે તે વર્ષે ટેક્સેબલ બની જાય છે. કરદાતા તે રકમનો ઉપાડ ન કરે તો તેના ખાતામાં વ્યાજ પેટે જમા થતી રકમ પર કોઈ જ આવકવેરો લાગતો નથી. આ રકમનો જો તેના વારસદારો ઉપાડ કરે તો તેવા સંજોગોમાં ઉપાડની સંપૂર્ણ રકમ ટેક્સફ્રી ગણાતી હતી. બીજા શબ્દોમાં કહીએ તો રોકાણ કરનારના વારસદાર તેના મૃત્યુ પછી તે રકમનો ઉપાડ કરે તો તેના પર ટેક્સ લાગતો નથી. આ જ ગણતરી સાથે સંખ્યાબંધ ખાતેદારોએ તેમના ખાતા ચાલુ રાખ્યા હતા. બારમી જુલાઈ 2024થી તેમાં ખાસ્સા ફેરફાર કરવામાં આવ્યા છે.
આ ફેરફાર મુજબ એનએસએસની પહેલી 1987ની યોજના હેઠળ પહેલું ખાતું ખોલાવનારાઓને સ્કીમના પ્રવર્તમાન દરથી વ્યાજ આપવાનું ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદના એકાઉન્ટમાં પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટના છ ટકાના વ્યાજ વત્તા 200 બેઝિસ પોઈન્ટ ખાતામાં પડેલી સિલક પર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ વ્યવસ્થા જુલાઈ 2024થી 30મી સપ્ટેમ્બર 2024ના ગાળા માટે જ લાગુ કરવામાં આવી હતી.
ત્રીજા એકાઉન્ટ કે અન્ય કોઈ એકાઉન્ટમાં વ્યાજ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્રીજા કે અન્ય કોઈ ઇરેગ્યુલર એકાઉન્ટ પર કોઈ જ વ્યાજ ન આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. રોકાણકારોને તેમની મુદ્દલ જ પાછી આપવામાં આવશે. પહેલી ઓક્ટોબર 2024થી એનએસએસના તમામ એકાઉન્ટ પર કોઈ જ વ્યાજ આપવામાં આવશે નહિ. તેથી તે ખાતાઓ ચાલુ રાખવા અર્થહીન બની જશે. સરકારના આ નિર્ણયથી ખાતેદારો ગિન્નાયા છે.