Get The App

વિપ્રોએ પોતાના એકસાથે બે કંપનીમાં નોકરી કરતા 300 કર્મચારીને કાઢી મૂક્યા

આઇટી સેક્ટરની કંપનીઓમાં મૂન લાઇટિંગનો વિરોધ

Updated: Sep 22nd, 2022


Google NewsGoogle News
વિપ્રોએ પોતાના એકસાથે બે કંપનીમાં નોકરી કરતા 300 કર્મચારીને કાઢી મૂક્યા 1 - image


- સ્વિગીની મૂનલાઇટિંગ પોલિસીમાં કર્મચારીને તેને ત્યાં કામ કરતા હોવા છતાં બીજી કંપનીમાં કામ કરવા છૂટ

નવી દિલ્હી, તા. 22 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર

આઇટી કંપનીઓમાં એક સાથે બે નોકરીઓ એટલે કે મૂનલાઇટિંગનો વિરોધ હાલમાં બળવત્તર છે. અગ્રણી આઇટી કંપની વિપ્રોના ચેરમેન રિશદ પ્રેમજીએ તો આને એક પ્રકારની છેતરપિંડી જ ગણાવી હતી. તેમની જ કંપનીના 300 કર્મચારી હરીફ કંપનીમાં પણ જોડે કામ કરતા હોવાનું જાણ થતાં તેમને કાઢી મૂક્યા હતા. 

રિશદ પ્રેમજીએ તેમને ત્યાં એક સાથે બે નોકરી કરતા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવતા નારાજગી

જો કે રિશદ પ્રેમજીના આ વલણ સાથે તેમના જ કર્મચારીઓ અને આઇટી સેક્ટરના કર્મચારીઓ સંમત થતા નથી. પણ ટીસીએસ અને ઇન્ફોસિસ જેવી કંપનીઓ પણ વિપ્રોના વલણ સાથે સંમત છે. રિશદ પ્રેમજીઓ આ વલણ બદલ હાલમાં આઇટી સેક્ટરના કર્મચારીઓના ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે વિરોધ છતાં પણ હું મારા વલણ પર અડગ છું. તેમણે પોતાની વાતનો પુનરોચ્ચાર કરતા મૂનલાઇટિંગને એક પ્રકારની છેતરપિંડી ગણાવી અને સ્પષ્ટ કર્યુ હતું કે વિપ્રોમાં કામ કરનારા કર્મચારીઓ બીજી કંપનીમાં કામ નહી કરી શકે. આ સંપૂર્ણપણે અપ્રામાણિકતા છે. 

તાજેતરમાં કોરોનાના લીધે કેટલીય આઇટી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ લગભગ બે વર્ષ સુધી આપ્યુ હતુ. આ સમયગાળા દરમિયાન કેટલાય કર્મચારીઓએ બે જગ્યાએ એક સાથે કામ કરીને તેમની આવક બમણી કરી હતી. આ મામલો આઇટી કંપનીઓના ધ્યાન પર આવતા તેણે આઇટી કર્મચારીઓ સામે પગલાં લેવાનું શરુ કર્યુ છે. આઇટી કંપનીઓએ આ રીતે કામ કરનારા કેટલાય કર્મચારીઓને ચેતવણી પણ આપી છે અને તેમને બીજી કંપનીમાં કામ કરવાનું બંધ કરી દેવા અથવા તો બેમાથી એકની પસંદગી કરવા કહ્યું છે. 

પ્રેમજીના વલણની સામે જવાનું નુકસાન 300 કર્મચારીઓએ ભોગવવું પડયું છે. વાસ્તવમાં મૂન લાઇટનિંગ પોલિસી એવી સગવડ છે જેમા એક કંપનીમાં કામ કરતા કર્મચારી બીજી કંપનીમાં કામ કરી શકે છે. વાસ્તવમાં સ્વિગીએ પોતાના કર્મચારીઓને આના માટે મંજૂરી આપી છે. તેણે કહ્યું હતું કે તેના કર્મચારીઓ તેને ત્યાં કામ પૂરુ થયા પછી બીજી કંપનીમાં કે તેના પ્રોજેક્ટ પર કામ કરી શકે છે. તે કંપનીની ઉત્પાદકતા પર અસર પાડયા વગર વર્કિંગ અવર્સ પછી અથવા તો વીકેન્ડમાં બીજી કંપનીમાં કે બીજા પ્રોજેક્ટ પર કામ કરી કમાણી કરી શકે છે.


Google NewsGoogle News