સરકારે ક્રૂડ ઓઈલ કંપનીઓ પાસેથી વસૂલાતો વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો, નવા દર 16 મેથી લાગુ
Windfall Tax Reduced On Crude Oil : લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે પ્રજાને મોટી રાહત મળી શકે છે. કેન્દ્ર સરકારે સ્થાનિક સ્તરે ઉત્પાદિત થતા ક્રૂડ પરના વિન્ડફૉલ ટેક્સમાં ઘટાડો કર્યો છે. સરકારે પ્રતિ ટન ક્રૂડ પર વસૂલાતો રૂ. 8400 વિન્ડફૉલ ટેક્સ ઘટાડીને રૂ. 5700 કરી દીધો છે. એટલે કે, તેમાં રૂ. 2700નો ઘટાડો કરાયો છે. અગાઉ કેન્દ્ર સરકારે વિન્ડફૉલ ટેક્સમાં સતત વધારો કર્યો હતો, ત્યારે સરકારે હવે બીજી વખત ટેક્સમાં ઘટાડો કર્યો છે. આ ટેક્સ વિશેષ રૂપે વધારાની આબકારી જકાત (SAED) તરીકે વસૂલાય છે.
નવો ભાવ આજથી લાગુ કરી દેવાયો
ડીઝલ, પેટ્રોલ અને જેટમાં ઉપયોગ થતું ઈંધણ અથવા એટીએફની નિકાસ પર વધારાના આબકારી જકાતમાં કોઈ વધારો કરાયો નથી. સીબીઆઈસી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાઈરેક્ટ ટેક્સેસે એક સત્તાવાર આદેશમાં કહ્યું છે કે, નવો ભાવ 16 મેથી લાગુ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, વિન્ડફોલ ટેક્સ એ એક પ્રકારનો કર છે જે ઉત્પાદન કરનાર પર ચોક્કસ મર્યાદાથી વધુ નફા પર લાદવામાં આવે છે. નોંધનીય છે કે, સરકાર દર 15 દિવસે વિન્ડફૉલ ટેક્સની સમીક્ષા કરે છે.
અગાઉ પહેલી મેએ વિન્ડફૉલ ટેક્સ ઘટાડાયો હતો
અગાઉ વિન્ડફૉલ ટેક્સમાં સતત વધારો કરાતો હતો, પરંતુ કેન્દ્ર સરકારે પહેલી મેએ પ્રથમવાર ક્રુડ ઓઈલ પરના વિન્ડફૉલ ટેક્સને ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. સરકારે પ્રતિ ટને 9600 રૂપિયા વિન્ડફૉલ ટેક્સ ઘટાડી 8400 રૂપિયા કરી દીધો હતો. આ અગાઉ 16મી એપ્રિલે ટેક્સમાં 6800 રૂપિયાથી વધારીને 9600 રૂપિયા કરી દેવાયો હતો. જ્યારે તેના એક વર્ષ પહેલા પ્રતિ ટન 4900 રૂપિયાથી વધારીને 6800 રૂપિયા વિન્ડફૉલ ટેક્સ કરી દેવાયો હતો.
વર્ષ 2022માં વિન્ડફૉલ ટેક્સની શરૂઆત કરાઈ હતી
ભારતમાં પહેલી જુલાઈ-2022ના રોજ વિન્ડફૉલ ટેક્સની શરૂઆત કરાઈ હતી. આ સાથે ભારત તે દેશોમાં સામેલ થઈ ગયું હતું, જ્યાં ઊર્જા કંપનીઓના નફા પર ટેક્સ વસુલવામાં આવે છે. આ દરમિયાન ડીઝલ, પેટ્રોલ અને ઉડ્ડયન બળતણની નિકાસ પર પણ ડ્યૂટી લાદવામાં આવી હતી. ઘણી ખાનગી રિફાઈનરી કંપનીઓ નફો કમાવવા ડીઝલ, પેટ્રોલ અને એટીએફને સ્થાનિક માર્કેટના બદલે નિકાસ કરતી હતી. સરકાર દર 15 દિવસે વિન્ડફૉલ ટેક્સની સમીક્ષા કરે છે અને આંતરરાષ્ટ્રીય માર્કેટને ધ્યાને રાખી તેમાં વધારો અથવા ઘટાડો કરવાનો નિર્ણય કરે છે.