NEW એમજી મોટર્સ મુકામે પહોંચશે કે પછી તાળા વાગશે ? સજ્જન જિંદાલના શિરે મોટી જવાબદારી
- ચીન અને ભારત વચ્ચે બિઝનેસ ક્ષત્રે કોલ્ડ વોર ચાલી રહી છેઃજનરલ મોટર્સ, ફોર્ડ, હાર્લી ડેવિડસનની વરવી વિદાય બાદ નવી ચેલેન્જ
- ચાઈનીઝ કંપનીને સરકાર તરફથી વધુ રોકાણની પરવાનગી ન મળતા અંતે ઝુકી, MG હિસ્સો જિંદાલને વેચ્યો
અમદાવાદ: ભારતનું ઓટોમોબાઈલ સેક્ટર દિવસે ને દિવસે વિસ્તરી રહ્યું છે. દેશમાં અનેક કાર મોડલો લોન્ચ થાય છે અને અનેક બંધ થાય છે. જોકે ભારતમાં તાજેતરમાં મોટી ઈન્ટરનેશનલ ઓટો કંપનીઓ બંધ થવાનો સિલસિલો વધી રહ્યો છે. છેલ્લા એકાદ દાયકામાં હાર્લી ડેવિડસન, જનરલ મોટર્સ અને ફોર્ડની ભારત એક્ઝિટ બાદ હવે ચીન હસ્તકની ભારતમાં કારોબાર કરતી એક ઓટો કંપની વેચાઈ ગઈ છે. આ ચાઈનીઝ કંપનીને ભારતની એક કંપની ખરીદી લીધી છે તે સેન્સેશનની ચર્ચા કોર્પોરેટ ક્ષેત્રમાં થઇ રહી છે. ચીનની કંપનીનું નામ એમજી મોટર્સ છે અને ખરીદનારનું નામ સજ્જન જીંદાલ છે. જેને સ્ટીલ ઉદ્યોગના કિંગ કહે છે તે જેએસ ડબલ્યુ ગુ્રુપ વાળા સજ્જન જીંદાલ એમજી મોટર્સ ના ૩૫ ટકા શેર્સ ગયા અઠવાડીયે ખરીદી લીધા છે.. એમજી મોટર્સ ઇન્ડિયાએ ચીનની એસએઆઇસી(SAIC) ની માલિકીની છે, જે મૂળ બિટીશ બ્રાન્ડ છે. સામાન્ય ભાષામાં કહીએ તો એસએઆઇસી ચીનની મારૂતિ સુઝુકી છે, તે ચીનમાં સેલ્સ વોલ્યુમની દ્રષ્ટિએ સૌથી મોટી ઓટો ઉત્પાદક છે.
ભારતની કંપની જ્યારે ચીન હસ્તકની કંપની ખરીદવાનું આયોજન કરે તે દર્શાવે છે કે ભારતની કંપનીઓ આર્થિક રીતે સધ્ધર છે અને બિઝનેસ સાહસો કરવામાં પાવરધી છે. ચીન અને ભારત વચ્ચે બિઝનેસ ક્ષત્રે કોલ્ડ વોર ચાલી રહી છે. ચીનની સસ્તી પ્રોડક્ટના કારણે ભારતના અનેક નાના બિઝનેસ ઠપ્પ થઇ ગયા છે. ટૂંકમાં ચીન ભારતના અનેક નાના ઉદ્યોગોને ગળી ગયું છે એ સંજોગોમાં જ્યારે ભારત ચીનની કંપની ખરીદવાની તૈયારી કરે ત્યારે ભારતીયોના ચહેરા પર સ્મિત ફરકે તે સ્વભાવિક છે.
સજ્જન જીંદાલનું જેએસ ડબલ્યુ ગુ્રપ છેલ્લા ઘણા સમયથી ઇલેક્ટ્રિક વ્હિકલ બજારમાં પગ મુકવાનું વિચારતું હતું. હવે ચીન હસ્તકની એમજી મોટર્સ ખરીદીને તે ઓટો ક્ષેત્રમાં મંડાણ કરશે. ચીનની એસએઆઇસીએ ૨૦૧૯માં તેની પ્રથમ કાર એસયુવી એમજી હેક્ટર બજારમાં મુકી હતી, જેનું ઉત્પાદન હવે સીધું જ સજ્જન જીંદાલ પાસે આવી જશે એટલેકે તે કાર ઉત્પાદનના માર્કેટમાં પ્રવેશશે.
ઇલેકટ્રીક વ્હિકલના માર્કેટમાં શ્રીગણેશ કરવા જીંદાલ હવે ફંડ પણ ઉભું કરી શકશે અને કંપનીનું વિસ્તરણ પણ કરી શકશે. સ્ટીલ કિંગ જીંદાલ ઓટો માર્કેટમાં પ્રવેશશે ત્યારે કોમ્પીટેશન પણ ઉભી થશે. નેક્સટ જેન ઈવી બજારમાં જીંદાલ ઉતરશે ત્યારે તે વધુ રોકાણ કરીને બજારને નવી દિશા ચીંધી શકે છે તેથી સ્પર્ધામાં વધશે. નવા પ્રમોટરના નેજા હેઠળ એમજી મોટર્સ પાસે વધુ ભંડોળ હોવાથી તે વધુ સ્પીડથી અને ઇનેાવેશનમાં વધુ નાણાં રોકી સકશે.
સજ્જન જીંદાલ કંપનીને ખોટમાં જતી બચાવી શકે એમ હતા. ભારતમાં ઇલેકટ્રીક વ્હિકલના માર્કેટ પર ટાટા મોટર્સનું પ્રભુત્વ છે. તેની સૌથી સારી વેચાતી નિક્સોન ઇવીની કિંમત ૧૪.૭૪ લાખ રૂપિયાથી શરૂ થાય છે. ત્યારબાદ એમજી મોટર્સ ઝેડ એલ ઇવીની કિંમત ૨૨.૮૮ લાખ રૂપિયાથી શરૂ થાય છે. ઇલેકટ્રીક વ્હિકલમાં ટાટા મોટર્સ અગ્રેસર છે તેનો ફાળો ઇવી માર્કેટમાં ૭૨ ટકા જેટલો છે જ્યારે એમજી મોટર્સનો ફાળો માત્ર નવ ટકાનો છે. ભારતના ઓટો ઉદ્યોગમાં ટોયેટો કિર્લોસ્કર અને મારૂતિ સુઝૂકી પણ મજબૂત હાજરી ધરાવે છે. મારૂતિ સુઝૂકીની પહેલી ઇવી કાર આગામી નાણા વર્ષમાં આવી શકે છે.
ભારતમાં વિદેશી ઓટો કંપનીઓના પ્રત્યક્ષ રોકાણના ખૂબ જ ખરાબ અનુભવ છે. ટ્રેટોનની માન ટ્રક્સ, જનરલ મોટર્સ, યુએમ મોટરસાઈકલ, ફોર્ડ, ડેટસન અને મહદઅંશે હોન્ડા કાર્સે પણ કારોબાર સમેટી લીધો છે. વિદેશની કંપની સાથે જોડણના ભારતની સામે બે અનુભવ છે. એક છે મારૂતિ સુઝુકી અને કિર્લોસ્કર ટોયેટા. આ બંને કંપનીઓમાં ભારતીય ભાગીદારની ઇક્વિટીમાં ઘટાડો થતો ગયો અને તેમણે નિયંત્રણ ગુમાવ્યું. અન્ય એક ઉદાહરણ જ્યાં ભારતીયોએ નિયંત્રણ ગુમાવ્યું ન હતું તે ટાટા લેન્ડ રોવર અને અન્ય હિન્દુજા લેલેન્ડ છે જ્યાં હજી સ્ટેક ભારતીય પાસે છે. જોકે હવે ધ ન્યૂ એમજીનું ચાઈનીઝ કંપનીના ૫૧ ટકા હિસ્સા અને નવા ૩૫ ટકાના માલિક જિંદાલના નેજા હેઠળ શું થાય છે તે જોવું રહ્યું.
- ૨૦૧૯માં પ્રવેશ-૨૦૨૩માં વિદાય
૨૦૧૯માં ભારતમાં ચીનની એસએઆઇસી એમજી મોટર્સ મારફતે પ્રવેશી હતી ત્યારે ૪૫૦૦ કરોડનું રોકાણ કરવાનું વચન આપ્યું હતું. કંપનીએ ૩૨૦૦ કરોડ રોક્યા હતા પરંતુ પછી ભૌગોલીક રાજકીય ટેન્શનના કારણે બાકીનું રોકાણ અટકી ગયું હતું. સરકારની મંજૂરી માટે કંપનીએ બે વર્ષ રાહ જોઇ હતી પરંતુ ભારત ચીન વચ્ચેનું ટેન્શન વધ્યા કરતાં મામલો અટવાયેલો રહ્યો હતો.
કંપનીએ રોકાણના બીજા વિકલ્પ વિચાર્યા હતા પરંતુ તે માટે વધુ રાહ જોવી પડે એમ હતું. એક તરફ કંપની સરકારની મંજૂરીની રાહ જોતી હતી તો બીજી તરફ કોર્પોરેટ અફેર્સ મંત્રાલયને કંપનીની બેલેન્સશીટમાં ગોટાળા દેખાતા કેટલાક હિસાબોની વિગતો માંગી હતી. કંપનીના ડાયરેક્ટરો અને ઓડિટર્સને મંત્રાલયે ખુલાસો કરવા બોલાવતાં કંપની અકળાઇ ઉઠી હતી.
ભારતના કાર રસીયાઓને એમજી મોટસનબ્બ્રાન્ડ ફાવી ગઇ હોય એમ લાગે છે. એમજી મોટર્સ ઇન્ડિયાએ તાજેતરમાં પાંચ નવા વ્હિકલ બજારમાં મુકવાની જાહેરાત કરી છે. આ નવા મોડલ સાથે ૨૦૨૮ સુધીમાં તે પોતાનું ઉત્પાદન બમણું કરવા માંગે છે. આ વર્ષે એપ્રિલમાં એમજી મોટરે દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર ધૂમકેતુ રૂ. ૭.૯૮ લાખ (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરી હતી. એમજી ધૂમકેતુ એ ચાઇનીઝ પેરેન્ટ્સની વુલિંગ એર ઈવીનું રીબ્રાન્ડેડ વર્ઝન છે. આ ચીનમાં સૌથી વધુ વેચાતી કાર છે.
૨૦૨૨માં એમજી મોટર્સે ૪૮,૦૦૦ વ્હિકલ વેચ્યા હતા, જે આગામી વર્ષમાં ૮૦,૦૦૦ સુધી લઇ જવા માંગે છે. એમજી મોટર્સ ઇન્ડિયા ૫૦૦૦ કરોડ રૂપિયા રોકવા માંગે છે . ગુજરાત ખાતેની તેની બીજી ફેક્ટરીમાં વધુ ઉત્પાદન કરાશે. આ રીતે ઉત્પાદની ક્ષમતા વધારીને કુલ ઉત્પાદન ૩ લાખ કાર સુધી પહોંચાડાશે.