તહેવારોમાં ખાદ્ય તેલનો ભાવ વધશે? વેપારીઓના દબાણ બાદ સરકારની વધુ એક નિર્ણય લેવાની તૈયારી
Edible Oil Price May Hike: મધ્યપ્રદેશના વેપારીઓના દબાણમાં કેન્દ્ર સરકાર વધુ એક નિર્ણય બદલી શકે છે. કેન્દ્ર સરકાર હવે ખાદ્યતેલોની આયાત પર ડ્યુટીમાં વધારો કરી શકે છે. જેના કારણે તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળી શકે છે. અગાઉ, રાજ્યના વેપારીઓના દબાણમાં, સરકારે કાબુલી ચણા પરની સ્ટોક મર્યાદા દૂર કરવાનો નિર્ણય લીધો હતો.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયે ખાદ્યતેલો પરની આયાત જકાત વધારવાનું પણ સૂચન કર્યું છે. મંત્રાલયે તેની પાછળનું કારણ સ્વદેશી તેલિબિયાં ઉત્પાદકોના હિતોનું રક્ષણ કરવાનું જણાવ્યું છે.
આયાત તેલ પર ડ્યુટી વધારવા માગ
હાલમાં જ સોયાબીન પ્રોસેસર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SOPA)ના અધ્યક્ષ ડેવિસ જૈન દિલ્હી પહોંચ્યા હતા. તેઓ અહીં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને મળ્યા હતા. સંગઠન લાંબા સમયથી આયાતી તેલ પર ડ્યુટી વધારવાની માગ કરી રહી છે. એસોસિએશનનું કહેવું છે કે, આનાથી ખેડૂતો તેમના ઉત્પાદનોની લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) મેળવી શકશે અને સ્વદેશી તેલ ઉદ્યોગને વેગ મળશે. હાલમાં ક્રૂડ પામ ઓઈલ, સોયાબીન ઓઈલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ પર 5.5 ટકા આયાત ડ્યુટી લાગુ છે. જેમાં સેસ પણ સામેલ છે. તેવી જ રીતે, રિફાઈન્ડ ખાદ્ય તેલ પર 13.75 ટકા કસ્ટમ ડ્યુટી લાગુ છે.
ભાવમાં ઘટાડો ખેડૂતો માટે માથાનો દુખાવો
મધ્યપ્રદેશમાં ખેડૂતો સોયાબિનના ઘટતા ભાવથી નારાજ છે. ખેડૂતોનું માનવું છે કે જ્યાં સુધી કસ્ટમ ડ્યુટીમાં વધારો નહીં થાય ત્યાં સુધી તેલિબિયાંનું ઉત્પાદન વધારવા ખેડૂતોને પ્રોત્સાહન મળશે નહીં. અગાઉ રાજ્યના વેપારીઓની માગ પર કાબુલી ચણા પરની સ્ટોક લિમિટ દૂર કરવામાં આવી હતી. હવે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રૂ. 6800 કરોડના રાષ્ટ્રીય તેલિબિયાં મિશનની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં સરકાર સ્થાનિક ઉત્પાદનના સારા ભાવ મેળવવા માટે આયાત ડ્યૂટી વધારી શકે છે.