Get The App

Term Plan Insurance Tips : ટર્મ પ્લાન લેતી વખતે આટલું ધ્યાન રાખો, ઈન્સ્યોરન્સ ખર્ચ રિકવર સાથે મૂડી પણ બનશે

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
Term Plan Insurance Tips : ટર્મ પ્લાન લેતી વખતે આટલું ધ્યાન રાખો, ઈન્સ્યોરન્સ ખર્ચ રિકવર સાથે મૂડી પણ બનશે 1 - image


Term Life Insurance: આકસ્મિક ઘટનાઓ અને મૃત્યુ સમયે પરિજનો પર આર્થિક સંકટ ન આવે તે હેતુ સાથે ઈન્સ્યોરન્સ એ રોકાણ અને બચત જેટલો જ મહત્વનો છે. જે અણધારી આફતમાંથી ઉગારે છે. પરંતુ ઈન્સ્યોરન્સની પસંદગી કરતી વખતે અમુક બાબતોને ધ્યાનમાં લેવામાં ન આવે તો તેના લાભથી વંચિત રહેવુ પડી શકે છે.

મોટાભાગના લોકો પારંપારિક ઈન્સ્યોરન્સ પોલિસી લેતાં હોય છે, જ્યારે અમુક સમજદાર લોકો હવે ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ તરફ વળ્યા છે. પરંતુ તેના પણ જુદા-જુદા પ્રકારના પ્લાનમાંથી પસંદગી કરવામાં થાપ ખાઈ શકો છો. જેમાં એક નોર્મલ ટર્મ પ્લાન છે બીજો છે રિટર્ન-ઓફ-પ્રીમિયમ ટર્મ પ્લાન.

નોર્મલ ટર્મ પ્લાન v/s રિટર્ન-ઓફ-પ્રીમિયમ ટર્મ પ્લાન

બંને લાઈફ ઈન્સ્યોરન્સ પ્લાન વ્યક્તિના મૃત્યુ થવા પર નિશ્ચિત રકમ આપે છે. જેમાં માત્ર મેચ્યોરિટી પર તફાવત છે. નોર્મલ ટર્મ પ્લાનમાં ઈન્સ્યોરન્સ ધારકોને મેચ્યોરિટીના અંતે કોઈ વળતર કે મૂડી પાછી મળતી નથી. જ્યારે રિટર્ન ઓફ પ્રીમિયમ પ્લાનમાં જમા પ્રીમિયમ પરત મળે છે. જે આકર્ષક છે. પરંતુ વરવી વાસ્તવિક્તા એ છે કે, રિટર્ન-ઓફ-પ્રીમિયમ પ્લાનનું પ્રીમીયમ નોર્મલ ટર્મ પ્લાન કરતાં બમણાથી વધુ હોય છે.

આ રીતે બંને પ્લાન વચ્ચેનો ભેદ સમજો

ધારો કે, એક 35 વર્ષીય વ્યક્તિ 30 વર્ષ માટે રૂ. 1 કરોડનું ટર્મ કવર ખરીદવા માંગે છે. HDFC લાઈફ ઈન્સ્યોરન્સની વેબસાઈટ પર પ્રીમિયમ મુજબ નોર્મલ ટર્મ પ્લાન માટે વાર્ષિક પ્રીમિયમ રૂ. 18,934 છે. જ્યારે, રિટર્ન-ઓફ-પ્રીમિયમ ટર્મ પ્લાનનું વાર્ષિક પ્રીમિયમ રૂ. 47,712 છે. બંને વચ્ચે પ્રીમિયમમાં રૂ. 28,778નો તફાવત છે, જે સામાન્ય ટર્મ પ્લાનના લગભગ દોઢ વર્ષના પ્રીમિયમની બરાબર છે. આકસ્મિક મૃત્યુના કિસ્સામાં, બંને પ્લાન પર 1 કરોડ રૂપિયાનું વળતર મળે છે. જો કે, નોર્મલ ટર્મ પ્લાનમાં 30 વર્ષની મેચ્યોરિટી બાદ કંઈ મળતું નથી, જ્યારે રિટર્ન-ઓફ-પ્રીમિયમ પ્લાનમાં જમા થયેલું સમગ્ર પ્રીમિયમ (30 x 47,712 = રૂ. 14.3 લાખ) પરત મળે છે. ઉલ્લેખનીય છે, તેમાં કોઈ વ્યાજ મળતુ નથી.

વધુ પ્રીમિયમ ભરવાના ચક્કરમાં રિટર્ન ગુમાવશો

ઉપરનો લેખ વાંચ્યા બાદ મોટાભાગના લોકો રિટર્ન-ઓફ-પ્રીમિયમ પ્લાન પસંદ કરશે કે, મેચ્યોરિટીના અંતે આપણને આપણી મૂડી તો પાછી મળે છે. પરંતુ શું તમે જાણો છો કે, તમે નોર્મલ ટર્મ પ્લાન કરતાં તેમાં રૂ. 28,778 (47,712 - રૂ. 18,934) વધુ ચૂકવી રહ્યા છો.

બાકીની રકમ રોકાણ કરી પ્રીમિયમ કવર કરી શકો છો

હવે, જો રિટર્ન-ઓફ-પ્રીમિયમ પ્લાન લેવાને બદલે, નોર્મલ ટર્મ પ્લાન લેવામાં આવે (જેનું વાર્ષિક પ્રીમિયમ રૂ. 18,934 છે) અને બાકીનું પ્રીમિયમ (રૂ. 28,778) દર વર્ષે 30 વર્ષ માટે રોકાણ કરવામાં આવે તો? તમને સરેરાશ 7%થી 10% રિટર્ન મળી શકે છે. 30 વર્ષના નિયમિત રોકાણના અંતે રિટર્ન સાથે તમને કુલ અંદાજિત રૂ. 29 લાખથી 52 લાખ સુધીની મૂડીનું સર્જન કરી શકો છે. જે તમારા નોર્મલ ટર્મ પ્લાનના કુલ પ્રીમિયમ રૂ. 568020 અને રિટર્ન ઓફ પ્રીમિયમ (રૂ. 14.3 લાખ) કરતાં અનેકગણી રકમ છે.

હવે તમે સમજી જ ગયા હશો કે લાઈફ ઈન્સ્યોરન્સ લેતી વખતે ટર્મ પ્લાનમાં તમારે રિટર્ન-ઓફ-પ્રીમિયમ પ્લાન પસંદ કરવો કે, નોર્મલ ટર્મ પ્લાન લઈ અને બાકીનું પ્રીમિયમ PPF, ઇક્વિટી ફંડ વગેરેમાં રોકાણ કરવું જોઈએ.

ડિસ્ક્લેમરઃ

આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.


  Term Plan Insurance Tips : ટર્મ પ્લાન લેતી વખતે આટલું ધ્યાન રાખો, ઈન્સ્યોરન્સ ખર્ચ રિકવર સાથે મૂડી પણ બનશે 2 - image


Google NewsGoogle News