FPIએ પોતાના હોલ્ડિંગ્સની વિગતો હજુ સુધી કેમ જાહેર કરી નથી? કોંગ્રેસે કર્યો આક્ષેપ
Congress blames to not declare FPI Holdings’ Data: કોંગ્રેસે સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા પાસે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો માટે નવા માપદંડોના અનુપાલન મુદ્દે પ્રશ્નો કર્યા છે. એફપીઆઈ માટે પોતાના હોલ્ડિંગ્સના લાભાર્થી માલિકોની વિગતો આપવાની અંતિમ તારીખ 9 સપ્ટેમ્બર હતી. પણ હજુ સુધી આ વિગતો જાહેર કરવામાં આવી નથી.
જયરામ રમેશે સેબીને પૂછ્યો સવાલ
કોંગ્રેસ મહાસચિવ અને કોમ્યુનિકેશન વિભાગના ઈન્ચાર્જ જયરામ રમેશે આ પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પ્રશ્ન પુછ્યો હતો કે, આ નિયમોને લાગુ કરવામાં સેબીને 18 માસનો સમય કેમ લાગ્યો? જયરામ રમેશે અદાણી કેસમાં સામેલ મોરેશિયસ સ્થિત બે એફપીઆઈનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, તેમણે નવા નિયમોનું પાલન કરવાથી બચવા સિક્યુરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ પાસે રાહત માગી છે.
તેમણે પ્રશ્ન કર્યો છે કે, શું તમામ એફપીઆઈએ સેબીને પોતાના અંતિમ લાભાર્થી માલિકોની વિગતો આપી છે? ખાસ કરીને અદાણી કેસમાં સામેલ રોકાણકારો અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.
અદાણી સાથે સંકળાયેલા વિવાદની તપાસની માગ
કોંગ્રેસે ફરી એક વખત અદાણી સાથે સંકળાયેલા વિવાદ અને દેશની રેગ્યુલેટરી સિસ્ટમમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર, ઈજારાશાહી અને વિવિધ અનિયમિતતાઓની તપાસ માટે જેપીસી તપાસ જરૂરી હોવાનું જણાવતાં તાત્કાલિક જેપીસી તપાસ કરાવવાની માગ કરી છે. જયરામ રમેશે X પર જણાવ્યું હતું કે, મોદાણીના જાદુના કારણે વધુ એક ખાનગી પાવર ઈન્ફ્રા કંપનીના નસીબ બદલાઈ ગયા છે. ડાયમંડ પાવર ઈન્ફ્રા લિ.ને 2018માં બેન્કરપ્સી હેઠળ એનસીએલટીમાં લઈ જવામાં આવી હતી. 2022માં ગૌતમ અદાણીના બનેવીએ લેણદારોને રૂ. 501 કરોડ ચૂકવી કંપની ખરીદી લીધી હતી. કંપનીનું માર્કેટ કેપ રૂ. 1000 કરોડ હતું.
2022માં આ કંપનીની આવક શૂન્ય હતી. જો કે, 2023-24માં આવક વધી રૂ. 344 કરોડ થઈ હતી. અદાણી ગ્રુપના ઓર્ડર મળવાને કારણે આવક વધતાં ડાયમંડ પાવર ઈન્ફ્રા લિ.નું મૂલ્ય વધી રૂ. 7626 કરોડ થયું.