RBI એ કોટક મહિન્દ્રા બેંક સામે કેમ કરી કડક કાર્યવાહી? વર્તમાન ખાતાધારકો-ગ્રાહકો પર શું થશે અસર?
Image Source: Twitter
RBI action against Kotak Mahindra Bank: રિઝર્વ બેંકે ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંકોમાંની એક કોટક મહિન્દ્રા બેંક સામે કડક કાર્યવાહી કરી છે. RBIએ કોટક મહિન્દ્રા બેંક ને તાત્કાલિક અસરથી નવા ક્રેડિટ કાર્ડ જાહેર કરવા પર રોક લગાવવાનો નિર્દેશ આપ્યો છે. હવે બેંક કોઈપણ નવા ગ્રાહકને કોઈ ક્રેડિટ કાર્ડ ઈશ્યુ ન કરી શકશે. આ સાથે જ હવેથી તે ઓનલાઈન અને મોબાઈલ બેંકિગ ચેનલો દ્વારા કોઈ નવા ગ્રાહકને જોડી ન શકશે.
કેમ લગાવ્યો આ પ્રતિબંધ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 35A હેઠળ આ કાર્યવાહી કરી છે. RBIએ જણાવ્યું છે વર્ષ 2022 અને 2023 વચ્ચે બેંક ના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અપડેટના અભાવના કારણે બેંક લાંબા સમયથી સમસ્યાઓનો સામનો કરી રહી હતી. RBIએ પહેલા જ આ અંગે ચેતવણી આપી હતી પરંતુ બેનેક તેની ખામીઓ દૂર નહોતી કરી રહી. ત્યારબાદ હવે RBIએ આ કાર્યવાહી કરી છે.
રેગ્યુલેટરે જણાવ્યું કે, આગામી સમયમાં બેંક નું સર્વર ઠપ્પ ન થઈ જાય અને ગ્રાહકોને ગંભીર સમસ્યાનો સામનો ન કરવો પડે. આ બાબતને ધ્યાનમાં રાખીને RBIએ આ કાર્યવાહી કરી છે. રિઝર્વ બેંકે જણાવ્યું કે, IT સેક્ટર સાથે સબંધિત ખામીઓથી ગ્રાહકોને તો પરેશાની થાય જ છે પરંતુ તેનાથી ડિજિટલ બેંકિંગ અને ફાયનાન્સિયલ ઈકોસિસ્ટમ પણ ખરાબ થાય છે.
જૂના ગ્રાહકો પર શું અસર થશે?
દેશમાં હાલમાં મોટી સંખ્યામાં ગ્રાહકો કોટક મહિન્દ્રા બેંક ની સેવાઓનો લાભ લઈ રહ્યા છે પરંતુ હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે RBIની આ કાર્યવાહીની જૂના ગ્રાહકો પર શું અસર પડશે? જો કે, જે લોકો પહેલાથી જ બેંકના ગ્રાહક છે તેમને પહેલાની જેમ જ તમામ સેવાઓ મળતી રહેશે. સેન્ટ્રલ બેંક તરફથી કહેવામાં આવ્યું છે કે, બેંક તેમના વર્તમાન ક્રેડિટ કાર્ડ યુઝર્સને પહેલાની જેમ જ સુવિધાઓ આપવાનું ચાલુ રાખશે.
દેશની ચોથી સૌથી મોટી બેંક
માર્કેટ કેપની દ્રષ્ટિએ કોટક મહિન્દ્રા બેંક દેશની ચોથી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક છે. કોટક મહિન્દ્રા બેંક નું માર્કેટ કેપ 3.66 લાખ કરોડ રૂપિયા છે. બીજી તરફ હાલમાં પ્રથમ નંબર પર HDFC બેંક નું નામ છે. HDFCનું માર્કેટ કેપ 11.48 લાખ કરોડ રૂપિયા છે. ICICI બેંક નું નામ બીજા સ્થાને છે અને તેનું માર્કેટ કેપ 7.69 લાખ કરોડ રૂપિયા છે. તો બીજી તરફ જાહેર ક્ષેત્રની બેંક SBIનું નામ ત્રીજા નંબર પર છે. તેનું માર્કેટ કેપ 6.89 લાખ કરોડ રૂપિયા છે.
બેંક માં 4.12 કરોડ છે ગ્રાહક
હાલમાં કોટક મહિન્દ્રા બેંક ના 4.12 કરોડ ગ્રાહકો છે અને તેમાંથી 49 લાખથી વધુ ગ્રાહકો પાસે એક્ટિવ ક્રેડિટ કાર્ડ છે. બીજી તરફ 28 લાખથી વધુ ગ્રાહકો પાસે એક્ટિવ ડેબિટ કાર્ડ છે.
આજે શેર પર જોવા મળશે અસર
આજે માર્કેટમાં કોટક મહિન્દ્રા બેંક ના શેર પર RBIના નિર્ણયની અસર જોવા મળશે. બુધવારે કંપનીનો સ્ટોક 1.65%ની તેજી સાથે 1,842.95ના લેવલ પર ક્લોઝ થયો હતો. છેલ્લા 6 મહિનામાં બેંક ના શેરોએ રોકાણકારોને માત્ર 6.65 ટકા રિટર્ન આપ્યું છે. બીજી તરફ છેલ્લા એક મહિનામાં રોકાણકારોને 5.09%નું રિટર્ન મળ્યું છે.