કારની કિંમતમાં કેમ વધારો થઈ રહ્યો છે? આ વધારાનો સીધો ફાયદો થઈ રહ્યો છે સરકારને...
Car Price Increase: કારની કિંમતમાં હાલમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીમાં કારની કિંમત વધી હતી અને હવે ફરી પહેલી માર્ચથી મારુતિ સુઝુકી અને ટાટા મોટર્સ કારની કિંમતમાં વધારો કરી રહ્યા છે. આ કારની કિંમત વધવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે. જો કે આ કિંમત વધતા ફાયદો ફક્ત સરકારને થાય છે. કારની આ કિંમત બજેટ અને લક્ઝરી બન્ને કાર માટે વધી રહી છે. આ પાછળ ભારતીય અને આંતરરાષ્ટ્રીય માર્કેટ બન્ને જવાબદાર છે.
કારની બનાવટના ખર્ચમાં વધારો
કાર બનાવવા માટે સ્ટીલ, એલ્યુમિનિયમ અને કોપર જેવા ઘણી સામગ્રીની જરૂર પડે છે. કાર બનાવવા માટે આ ખૂબ જ જરૂરી છે અને જ્યારે તેની કિંમતમાં વધારો થાય છે અથવા તો સપ્લાયમાં કોઈ તકલીફ આવે અથવા સમયસર પહોંચે નહીં જેવા કોઈ પણ કારણસર તેની કિંમતમાં વધારો થાય છે. આ કિંમતોમાં વધારો થવાથી કારની કિંમતમાં વધારો થાય છે. ઇલેક્ટ્રિક વાહનોમાં લિથિયમની કિંમતોમાં વધારો થવાથી કારની કિંમતમાં પણ વધારો જોવા મળે છે.
રૂપિયાની કિંમતમાં વધ-ઘટની અસર
ભારતમાં રૂપિયાની કિંમતમાં જે વધ-ઘટ થતી રહે છે તેની સીધી અસર ઓટોમેકર્સ પર થાય છે. શ્રમિકથી લઈને લોજિસ્ટિક્સ અને એનર્જી જેવા તમામ પર તેની અસર પડે છે. કાર માટે બહારથી આયાત કરવામાં આવતી વસ્તુઓ ઉપર પણ આ વધ-ઘટની અસર પડે છે. આ તમામ તફાવત અંતે કારની કિંમત પર જોવા મળે છે. લક્ઝરી કારના આયાત પર પણ તેની અસર પડે છે.
કાયદામાં બદલાવ
સરકાર જ્યારે પણ કાયદામાં બદલાવ કરે ત્યારે તેની સીધી અસર કારની કિંમત પર પડે છે. જેમ કે, કાર કંપનીએ BS4 થી BS6 માં ફેરફાર કરવાના સમયે દરેક કંપનીએ ઘણું રોકાણ કરવું પડ્યું હતું. આ બદલાવને કારણે ટેકનોલોજી અપડેશનમાં વધુ ખર્ચ થાય છે, જેના પરિણામે કારની કિંમતમાં વધારો થાય છે. આ સિવાય કોઈ પણ નિયમોના ફેરફારોથી પણ કારની કિંમતોમાં સુધારો થાય છે.
સેમિકન્ડક્ટર શોર્ટેજ
ઓટોમોબાઇલ ઉદ્યોગમાં હાલમાં સેમિકન્ડક્ટરની અછતનું ગંભીર પરિણામ થયું છે. આધુનિક ટેકનોલોજી અને લેટેસ્ટ કાર માટે સેમિકન્ડક્ટર ખૂબ જ મહત્વના છે. કારની ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ અને એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્ટ જેવા મહત્વપૂર્ણ ફીચર્સમાં સેમિકન્ડક્ટરનો ઉપયોગ થાય છે. તેની અછતને કારણે કારના ઉત્પાદનમાં વિલંબ થયો છે અને કારની કિંમતમાં પણ વધારો થયો છે.
યુદ્ધની અસર
દુનિયાભરમાં જ્યાં પણ કોઈ દેશો વચ્ચે સંઘર્ષ થાય છે, તેની અસર દરેક ઉદ્યોગ પર પડે છે અને ઓટોમોબાઇલ ઉદ્યોગ પણ બાકાત નથી. રશિયા અને યુક્રેન યુદ્ધ કે ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના વિવાદની અસર આખા વિશ્વના ઓટોમોબાઇલ ઉદ્યોગ પર થઈ છે. આ કારણે પરિવહન વ્યવસ્થામાં વિલંબ થાય છે અને સામગ્રીનું ઓછું પ્રમાણ ઉપલબ્ધ થતા કારની કિંમતોમાં વધારો થાય છે.
વધુ પડતાં ટેક્સ
ઓટોમોબાઇલ ઉદ્યોગમાં સરકારે ઘણા જુદા-જુદા ટેક્સ લાદ્યા છે, જેમ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી. લક્ઝરી કારના આયાત માટે વધુ રકમ ચૂકવવી પડે છે. પરિણામે, કારની કિંમતો વધે છે. કારની કિંમતમાં વધારો થાય એટલે સરકારને વધુ ટેક્સ મળે છે, જેનો સીધો ફાયદો સરકારને થાય છે. કાર કંપનીઓ પ્રોફિટમાં ઘટાડો કરતી નથી, એટલે અન્ય ખર્ચાઓ વધી જતાં કારના ભાવ વધારી દે છે. આ અંતે, ગ્રાહકે વધુ પૈસા ચૂકવવા પડે છે.