જથ્થાબંધ ફુગાવો 16 માસની ટોચે પહોંચ્યો, જુલાઈમાં મોંઘવારી ઘટવાની અપેક્ષા
WPI Inflation In June: ખાદ્ય ચીજો અને ઉત્પાદિત પ્રોડક્ટ્સના ભાવ આસમાને પહોંચતાં જૂન માસમાં જથ્થાબંધ મોંઘવારી 16 માસની ટોચે પહોંચી છે. 15 જુલાઈએ સરકાર દ્વારા જારી આંકડાઓ અનુસાર, જથ્થાબંધ ફુગાવો જૂનમાં 3.4 ટકા નોંધાયો છે. જે મેમાં 2.6 ટકા થયો હતો.
જથ્થાબંધ મોંઘવારીનો દર મેમાં પણ 0.4 ટકા વધ્યો હતો. તે સમયે ફૂડ ઈન્ડેક્સ 2.5 ટકા અને મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સની કિંમત 0.14 ટકા વધી હતી. જૂનમાં નોંધાયેલો જથ્થાબંધ ફુગાવો ફેબ્રુઆરી, 2023 બાદથી સૌથી વધુ છે. જૂનમાં ઉત્પાદિત પ્રોડક્ટ્સનો જથ્થાબંધ ફુગાવો લગભગ બમણો વધી 1.43 ટકા થયો હતો. જે મેમાં 0.8 ટકા હતો. ઉલ્લેખનીય છે, જથ્થાબંધ મોંઘવારીમાં ઉત્પાદિત પ્રોડક્ટ્સની કિંમતો 2/3 યોગદાન આપે છે.
શાકભાજી-કઠોળના ભાવ આસમાને પહોંચતાં રિટેલ મોંઘવારી જૂનમાં ચાર માસની ટોચે પહોંચી
શાકભાજીના ભાવોમાં મોટાપાયે ઉછાળો
જૂનમાં શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા હતા. ખાદ્ય ચીજોમાં મુખ્ય 10 કેટેગરીમાંથી છમાં ફુગાવો ડબલ ડિજિટમાં વધ્યો છે. ખાસ કરીને ડુંગળી-ટામેટાં અને બટાકાના ભાવમાં વધારાની અસર જોવા મળી છે. બટાકામાં ફુગાવો જૂનમાં 66.4 ટકા, ડુંગળીમાં 93.4 ટકા વધ્યો છે. કઠોળના ભાવો પણ વધતાં તેમાં જથ્થાબંધ ફુગાવો 21.6 ટકા અને અનાજમાં 12.1 ટકા વધ્યો હતો.
જુલાઈમાં ભાવ ઘટવાની અપેક્ષા
અર્થશાસ્ત્રીઓએ જુલાઈમાં ફુગાવો ઘટવાની અપેક્ષા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કોમોડિટીના ભાવોમાં ઘટાડો અને સકારાત્મક આધારના કારણે ફુગાવો ફરી પાછો નિયંત્રણમાં આવશે. મે, 2024માં સાત મહિનાની ટોચે નોંધાયા બાદ વૈશ્વિક સ્તરે કોમોડિટીના ભાવો ઘટતાં મોંઘવારી ઘટી હતી. ખાદ્ય ચીજોમાં જથ્થાબંધ મોંઘવારી મેમાં 8.6 ટકાથી વધી જૂનમાં 9.4 ટકા થઈ છે. મોંઘવારીમાં વૃદ્ધિને ધ્યાનમાં લેતાં ઓગસ્ટમાં યોજાનારી મોનેટરી પોલિસીમાં આરબીઆઈ વ્યાજના દરો 6.5 ટકાના સ્તરે જાળવી રાખશે.