ખાદ્ય ચીજોના ભાવ વધતાં જથ્થાબંધ મોંઘવારી સપ્ટેમ્બરમાં વધી, શાકભાજીના ભાવ આસમાને
Wholesale Inflation In September: દેશમાં શાકભાજી અને ખાદ્ય ચીજોના ભાવમાં વૃદ્ધિના કારણે જથ્થાબંધ મોંઘવારી સપ્ટેમ્બરમાં વધી 1.84 ટકા થઈ છે. જે ઓગસ્ટમાં 1.31 ટકા હતી. સોમવારે સરકારે જથ્થાબંધ ફુગાવાના આંકડા જારી કર્યા હતા. જે અનુસાર, ડુંગળી, બટાટા, ટામેટાં સહિતની શાકભાજીઓના ભાવમાં ધરખમ વધારાના કારણે જથ્થાબંધ ફુગાવો વધ્યો હતો. શાકભાજીના ભાવ 40થી 60 ટકા સુધી વધ્યા છે.
શાકભાજીના ભાવ વધ્યાં
મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનો જથ્થાબંધ ફુગાવો સપ્ટેમ્બરમાં ઘટી 1 ટકા થયો છે. જે ઓગસ્ટમાં 1.22 ટકા હતો. પ્રાઈમરી આર્ટિકલ્સમાં જથ્થાબંધ મોંઘવારી વધી 6.59 ટકા થઈ હતી. જે ઓગસ્ટમાં 2.42 ટકા હતી. ફૂડ આર્ટિકલ્સના જથ્થાબંધ ફુગાવો 11.53 ટકા રહ્યો છે. જે ઓગસ્ટમાં 3.11 ટકા હતો. શાકભાજીના જથ્થાબંધ ભાવ વધી 48.73 ટકા થયા છે, જે ઓગસ્ટમાં 10.11 ટકા ઘટ્યા હતા. ઈંધણ અને વીજના જથ્થાબંધ ભાવ 4.05 ટકા ઘટ્યા છે. જે ગતમહિને 0.67 ટકા ઘટ્યા હતા.