રિટેલ મોંઘવારી બાદ જથ્થાબંધ ફુગાવામાં પણ રાહત, ત્રણ માસના તળિયે નોંધાયો
Image: IANS |
Wholesale Inflation In July: રિટેલ મોંઘવારી દર બાદ હવે જથ્થાબંધ મોંઘવારી મોરચે પણ રાહતના સમાચાર છે. જુલાઈમાં દેશનો જથ્થાબંધ મોંઘવારી દર ત્રણ માસના તળિયે નોંધાયો છે. જુલાઈમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 2.04 ટકા થયો હતો. બુધવારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા પરથી આ માહિતી સામે આવી છે. જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત ફુગાવો જૂનમાં 3.36 ટકા હતો. જો કે આ આંકડા પછી લોકોમાં ચર્ચા છે કે, આ રીતે મોંઘવારી ફક્ત કાગળ પર જ ઘટે છે. બાકી દૂધ-શાકભાજી અને ઊંચી શૈક્ષણિક ફીના કારણે સામાન્ય નાગરિકોનું બજેટ તો ખોરવાયેલું જ છે.
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ(DPIIT) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું હતું કે, 'જથ્થાબંધ ફુગાવાનો વાર્ષિક દર જુલાઈ 2024માં 2.04 ટકા હતો, જ્યારે જૂન 2024માં તે 3.36 ટકા હતો. કોર પ્રોડક્ટ્સમાં જથ્થાબંધ ફુગાવો જુલાઈ 2024માં 3.08 ટકા હતો, જ્યારે જૂન 2024માં તે 8.80 ટકા હતો. ઇંધણ અને વીજળીમાં જથ્થાબંધ મોંઘવારી વધી 1.72 ટકા થઈ છે, જે જૂન 2024માં 1.03 ટકા હતી.
DPIIT મુજબ, જૂન 2024માં જથ્થાબંધ ફુગાવામાં 1.43 ટકાનો વધારો થયો હતો. જુલાઈ 2024માં તે વધીને 1.58 ટકા થયો હતો. જુલાઈમાં રિટેલ મોંઘવારીમાં ઘટાડો જથ્થાબંધ મોંઘવારીમાં ઘટાડાને આભારી છે. આ સપ્તાહની શરુઆતમાં જાહેર કરાયેલા ડેટા અનુસાર જુલાઈમાં રિટેલ ફુગાવો ઘટીને 3.54 ટકાના પાંચ વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો હતો.
ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ઑગસ્ટમાં મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં સતત નવમી વખત વ્યાજ દરો 6.5% પર યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો હતો.