વિવાદ સે વિશ્વાસની નવી યોજના: ડિસેમ્બરની 31મી પહેલાં બાકી આવકવેરો ભરી દે તો વ્યાજ, દંડ સંપૂર્ણ માફ
Image: Freepik |
Vivad Se Vishwas Scheme : કેન્દ્ર સરકારે પહેલી ઑક્ટોબરથી ડાયરેક્ટ ટેક્સ વિવાદ સમાધાન યોજના 'વિવાદ સે વિશ્વાસ 2.0' ની શરુઆત કરી દીધી છે. આ યોજનાની જાહેરાત જુલાઈમાં બજેટ 2024-25માં કરવામાં આવી હતી. પડતર અપીલના અમુક આયકર વિવાદોનું સમાધાન કરવા માટે આ યોજનાની શરુઆત કરવામાં આવી હતી. જેમાં 31મી જાન્યુઆરી 2020 પહેલા અપીલ ફાઇલ કરવામાં આવી હોય, પરંતુ 22મી જુલાઈ 2024 પહેલાં તે કરદાતાએ અપીલ ફાઇલ કરી દીધી હશે તો તેમને માત્ર ટેક્સના વિવાદની રકમ જમા કરાવીને કેસમાંથી મુક્તિ આપી દેવામાં આવશે. પરંતુ વેરાના વિવાદની સંપૂર્ણ રકમ કરદાતાએ 31મી ડિસમ્બર 2024 સુધીમાં જમા કરાવી દેવાની રહેશે.
જો આ રકમ કરદાતા પહેલી જાન્યુઆરી 2025 કે તે પછી જમા કરાવે તો તેણે વિવાદાસ્પદ ટેક્સની રકમ સહિત 110 ટકા રકમ જમા કરાવવી પડશે. આવકવેરા ખાતાએ જે કરદાતા પર દરોડા પાડ્યા હોય અને આવકવેરા ધારાની કલમ 132 અને 132 (એ) હેઠળ જેમની સામે તપાસ કરવામાં આવી હોય અને તેમની પાસેના વેરાના બાકી લેણાની રકમ આકારણી કરીને કાઢવામાં આવી હોય તેવા કેસોમાં વિવાદ સે વિશ્વાસની 2024ની યોજના લાગુ પડશે.
ક્યારે મળશે વિવાદ સે વિશ્વાસનો લાભ?
ભારતની બહારના સોર્સ-સ્રોત તરફથી કોઈપણ આવક મેળવી હશે અને તેને છુપાવવવામાં આવી હશે અથવા ભારતની બહાર કરદાતાએ જાહેર ન કરેલી કોઈ અસ્ક્યામત મળી આવશે અને તેવા કિસ્સાઓમાં કરદાતા સામે બ્લેક મની ઍક્ટ લાગુ કરવામાં આવ્યો હશે તો પણ તેમને વિવાદ સે વિશ્વાસની યોજનાનો લાભ આપવામાં આવશે. અન્ય કોઈ નિશ્ચિત ધારાનો ભંગ કરવામાં આવ્યો હશે તેવા કિસ્સાઓમાં પણ વિવાદ સે વિશ્વાસની યોજનાનો લાભ આપવામાં આવશે.
એપેલેટ ઑથોરિટી સમક્ષ કે અન્ય કોઈ ટેક્સ ઑથોરિટી સમક્ષ અપીલ પેન્ડિંગ હશે તેમને ડીપીઆર સમક્ષ ઓબ્જેક્શન ફાઇલ કર્યા હોય, પરંતુ ડીપીઆર તરફથી કોઈ જ ઑર્ડર ન અપાયો હોય આવા કિસ્સામાં કાયદાની કલમ 264 હેઠળ કરદાતા દ્વારા અરજી કરવામાં આવી હોય અને ચોક્કસ તારીખ સુધી તે પેન્ડિંગ રખાઈ હશે તો આવા કિસ્સામાં પણ વિવાદ સે વિશ્વાસની યોજનાનો લાભ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ વિદેશી રોકાણકારોની રૂ.. 14064 કરોડની જંગી ખરીદી સામે સ્થાનિક સંસ્થાઓની વેચવાલી
જે કરદાતાએ 31મી જાન્યુઆરી 2020 કે તેના પહેલા જ અપીલ ફાઇલ કરી હશે તો તેવા કિસ્સાઓમાં વેરાના વિવાદની રકમના 110 ટકા 31મી ડિસેમ્બર 2024 સુધીમાં જમા કરાવી દેવાના રહેશે. કરદાતાઓએ વેરાની વિવાદાસ્પદ રકમ ઉપરાંત 25 ટકા જેટલી રકમ વ્યાજ, દંડ અને ફી પેટે ચૂકવવી પડશે. કરદાતાએ વિવાદાસ્પદ વેરાની રકમ પહેલી જાન્યુઆરી 2025 કે તે પછી જમા કરાવવાની હશે તો તેવા કિસ્સામાં તેણે વિવાદાસ્પદ વેરાની રકમ ઉપર 30 ટકા રકમ વ્યાજ, દંડ કે પછી ફી તરીકે જમા કરાવવી પડશે.
વેરા ઉપર વ્યાજ, દંડ અને ફીની રકમને લગતા કિસ્સાઓમાં 31મી જાન્યુઆરી 2020 સુધીમાં અપીલ ફાઇલ કરી દેવામાં આવી હશે તો કરદાતા વેરાના વિવાદની રકમ ઉપરાંત વ્યાજ, પેનલ્ટી અને ફી પેટે 30 ટકા રકમ 31મી ડિસેમ્બર 2024 સુધીમાં ચૂકવીને માફી મેળવી શકે છે. આ જ કિસ્સાઓમાં જેમણે પહેલી જાન્યુઆરી 2025 કે તે પછી વિવાદાસ્પદ વેરાની રકમ જમા કરાવવાની હશે તો વેરાની રકમ ઉપર વ્યાજ, દંડ અને ફીના મળીને 35 ટકા રકમ ચૂકવવાની રહેશે.