રતન ટાટાના નિધન બાદ નોએલ સાથે અન્ય એક નામ પણ ચર્ચામાં આવ્યું, જાણો કોણ છે માયા ટાટા?
Maya Tata: રતન ટાટાના નિધન બાદ ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તેમના સાવકા ભાઈ નોએલ ટાટાને બનાવવામાં આવ્યા છે. નોએલ ટાટાને ચેરમેન પદની કમાન સોંપાયા બાદથી માયા ટાટાનું નામ ચર્ચામાં આવ્યું છે. માયા ટાટા નોએલ ટાટાની પુત્રી છે. જે પરિવારનો હિસ્સો હોવાની સાથે ટાટા ગ્રૂપની ઉત્તરાધિકારી પણ છે. તેણે ટાટા ગ્રૂપમાં મહત્ત્વની ભૂમિકાઓ ભજવી છે.
કોણ છે માયા ટાટા?
માયા ટાટા નોએલ ટાટા અને આલૂ મિસ્ત્રીની પુત્રી અને દિવંગત રતન ટાટાની ભત્રીજી છે. 34 વર્ષીય માયા ટાટાએ વિદેશમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ટાટા ગ્રૂપમાં મહત્ત્વની જવાબદારીઓ નિભાવી છે. રતન ટાટાના નિધન બાદ માયાને તેમની સંભવિત ઉત્તરાધિકારી માનવામાં આવી રહી હતી. પરંતુ બેઠકમાં નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવ્યા.
ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડથી કરી શરુઆત
માયા ટાટાએ બ્રિટિશ બિઝનેસ સ્કૂલ, બેયસ બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ વોર્વિક યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ટાટા ગ્રૂપમાં જોડાઈ હતી. તેણે ટાટા કેપિટલની પેટા કંપની ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડથી શરુઆત કરી હતી.
Tata Neu લોન્ચ કરવામાં મોટી ભૂમિકા
ટાટા ગ્રૂપમાં માયા ટાટાએ પોતાની શરુઆતથી જ કૌશલ્યસભર નિર્ણયો લીધા હતા. મેનેજમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત તમામ જવાબદારીઓ સારી રીતે નિભાવી હતી. ઉલ્લેખનીય છે કે, ટાટા ગ્રૂપની Tata Neu એપ લોન્ચ કરવામાં મોટી ભૂમિકા નિભાવી છે. ત્યારબાદ ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ બંધ કરવામાં આવ્યું હતું. બાદમાં ટાટા ડિજિટલમાં કામ શરુ કર્યુ હતું.