Get The App

ડૉલર સામે સતત તૂટતો રૂપિયો, 85.75 ના નવા તળીયે, જ્યારે શેરબજારમાં તેજીનો માહોલ

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
ડૉલર સામે સતત તૂટતો રૂપિયો, 85.75 ના નવા તળીયે, જ્યારે શેરબજારમાં તેજીનો માહોલ 1 - image


Rupee vs dollar News | નવા કેલેન્ડર વર્ષના પ્રારંભે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં પૂન:પ્રવેશ કરવાની સાથે બજારના અન્ય ખેલાડીઓએ પણ નીચા મથાળે નવી લેવાલી હાથ ધરતા  ભારતીય શેરબજારમાં આજે તેજીના સુસવાટામાં સેન્સેક્સમાં 1436 અને નિફ્ટીમાં 445 પોઈન્ટનો ઊછાળો નોંધાયો હતો. તો બીજી તરફ ડોલર સામે ભારતીય રૂપિયાનું ઐતિહાસિક પતન જારી રહેતા આજે રૂપિયો 85.75ના નવા તળિયે પટકાયો હતો.

શેરબજારમાં લાંબા સમય બાદ ફરી એકવાર નવા વર્ષના પ્રારંભે સંગીન સુધારો થયા બાદ સતત પીછેહઠના પગલે હેવીવેઈટ શેરો નીચા મથાળે ઉતરી આવતા વિદેશી રોકાણકારોએ આ શેરોમાં મોટા પાયે નવી લેવાલી હાથ ધરી હતી. બીજી તરફ સ્થાનિક ખેલાડીઓ, ઓપરેટરો તેમજ રોકાણકારો દ્વારા પણ નીચા મથાળે નવી લેવાલી હાથ ધરાતા બજારમાં સુધારા ચાલ એકધારી આગળ વધતા તેજીનો માહોલ ઉભો થયો હતો.

વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ નીકળેલી નવી ઝડપી લેવાલી પાછળ આજે બીએસઈ સેન્સેક્સ એક તબક્કે 80 હજારની સપાટી કુદાવ્યા બાદ અંતે 1436.30 પોઈન્ટ ઉછળીને 79943.71ની સપાટીએ મક્કમ હતો. જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 445.75 પોઈન્ટ ઉછળીને 24188.65ની સપાટીએ મજબૂત રહ્યો હતો. વિદેશી રોકાણકારોએ આજે લાંબા સમય બાદ રૂપિયા 1507 કરોડની નવી લેવાલી હાથ ધરી હતી. આજે રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 6.04 લાખ કરોડનો વધારો થતા અંતે રૂપિયા 450.47 લાખ કરોડ રહી હતી.

ભૂ-રાજકીય પ્રતિકૂળ પરિબળો પાછળ તેમજ ઘર આંગણે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના ડેટા નબળા જાહેર થતા હુડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયામાં આજે પણ ઐતિહાસિક પીછેહઠ થવા પામી હતી. આજે કામકાજના પ્રારંભે જ રૂપિયો નીચા મથાળે ખુલ્યા બાદ ડોલરમાં એકધારી નવી લેવાલી પાછળ રૂપિયો ઈન્ટ્રા ડે તુટીને 85.50ના મથાળે પટકાયા બાદ કામકાજના અંતે 85.75ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હતો.


Google NewsGoogle News