આ છે રોકાણની યોગ્ય રીત, દર મહિને રૂ. એક લાખની આવક મેળવી શકો છો

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
personal Finance


Personal Finance: દરેક વ્યક્તિ પોતાના રોકાણ પર મબલક રિટર્ન મેળવવા માગતી હોય છે. જો કે આંધળુ અનુકરણ અને ખોટા અભ્યાસના પગલે રોકાણ પર રિટર્ન મેળવવાનું તો દૂર પણ મૂડી ગુમાવવાનો વારો પણ આવી શકે છે. આથી, હંમેશા પૂરતો અભ્યાસ અને વિશ્વાસુ ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહના આધારે જ રોકાણ કરવુ જોઈએ. એક રિટાયર બિઝનેસમેન પાસે રિટાયરમેન્ટ બાદ રોકાણ કરવા માટે રૂ. 1 કરોડનું કોર્પસ છે, પરંતુ તે નિવૃત્તિ બાદ દર મહિને રૂ. 1 લાખની આવક થતી રહે તે હેતુ સાથે રોકાણ કરવા માગે છે. તેઓ મધ્યમ જોખમ લેવાની ક્ષમતા ધરાવે છે.

દર મહિને રૂ. 1 લાખની આવક મેળવવા વર્ષે 12 ટકા રિટર્ન મળવુ જરૂરી છે. તમામ સુરક્ષિત રોકાણ માધ્યમોમાં મહત્તમ 8 ટકા સુધી રિટર્ન મળી રહ્યું છે. જો કે, નિવૃત્તિ બાદ રોકાણ કરવાનું હોવાથી એક સ્થિર આવકની ગેરેંટી પણ જરૂરી છે. જેમાં ફુગાવો, ટેક્સ, જેવી બાબતોને પણ ધ્યાનમાં રાખવી જોઈએ.

આ રીત અપનાવી શકાય

જો જોખમની ક્ષમતા મધ્યમ હોય તો બે હાઈબ્રિડ ફંડમાં રોકાણ કરી સિસ્ટેમેટિક વિડ્રોઅલ પ્લાન (SWP)ની પસંદગી કરી શકો છો. બેલેન્સ્ડ એડવાન્ટેજ અને મલ્ટી એસેટ ફંડ ઈક્વિટી, ડેટ, અને ગોલ્ડમાં સંયુક્ત રોકાણ કરતાં હોવાથી સામાન્ય રીતે 10-12 ટકાનું એવરેજ રિટર્ન આપે છે. SWPમાં કોઈ પણ ફંડ સ્કીમમાં એકસામટુ કરેલા રોકાણમાંથી દર મહિને નિશ્ચિત રકમ ઉપાડી શકો છો. જેમાં તમારા કુલ રોકાણમાંથી દર મહિને અમુક હિસ્સો ઉપાડવામાં આવે છે. જો કે, તેમાં રોકાણ રકમ પર વ્યાજના દરનો લાભ પણ મળે છે.

સિસ્ટેમેટિક વિડ્રોઅલ પ્લાનના ફાયદા

SWPમાં મૂળ રકમના ઉપાડ પર ટેક્સની જવાબદારી ઓછી, તેમજ નિશ્ચિત આવક ધરાવતા પ્રોડક્ટની તુલનાએ વધુ અનુકૂળ ટેક્સેશન અને ઈક્વિટીમાં રોકાણ પર દર મહિને પોઝિટીવ રિટર્ન પ્રાપ્ત કરવાની સંભાવના સામેલ છે.

1 કરોડના રોકાણ પર 15 વર્ષ સુધી આવક

જો તમે દર મહિને રૂ. 1 લાખ ઉપાડ કરો છો, તો 10 ટકા રિટર્ન સાથે 1 કરોડનું ફંડ 15 વર્ષ સુધી ચાલી શકે છે, પરંતુ 6 ટકા મોંઘવારીના દરને ધ્યાનમાં રાખતાં સમય સાથે ઉપાડમાં વધારો કરો તો ફંડ નવ વર્ષ સુધી આવક ઉપાર્જિત કરી આપશે. 15-18 વર્ષ સુધી દર મહિને નિશ્ચિત આવક મેળવવા માગતા હોવ તો માસિક ઉપાડ રૂ. 1 લાખથી ઘટાડી 60000-70000 કરી શકો છો. તેમજ હેલ્થ ઈન્સ્યોરન્સ અને ઈમરજન્સી ફંડને પણ પ્રાથમિકતા આપવી મહત્ત્વપૂર્ણ છે.

ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.


આ છે રોકાણની યોગ્ય રીત, દર મહિને રૂ. એક લાખની આવક મેળવી શકો છો 2 - image


Google NewsGoogle News