દુનિયાના અમીરો આ કારણે છે પરેશાન, 3 વર્ષથી નથી મળી રહ્યો જવાબ, WEFમાં નેતાઓ સમક્ષ કરી આ માગ
- કરોડપતિઓ અને અબજોપતિઓએ વિશ્વભરના નેતાઓને તેમના જેવા અમીર લોકો પર વધુ ટેક્સ લાદવાની માગ કરી
Image Source: Freepik
નવી દિલ્હી, તા. 21 જાન્યુઆરી 2024, રવિવાર
World Economic Forum: વિશ્વના અમીરો હવે એક અનોખા કારણથી પરેશાન છે. કેટલાક લોકો પાસે એકઠી થઈ રહેલી સંપત્તિ તેમને મુશ્કેલીમાં મૂકી રહી છે. તેમને લાગે છે કે, નજીકના ભવિષ્યમાં તેના ગંભીર પરિણામો સમાજ પર જોવા મળશે. તેથી તેમણે અમીરો પર વધારાના ટેક્સની માગ કરી છે. આ કરોડપતિઓ અને અબજોપતિઓએ વિશ્વભરના નેતાઓને તેમના જેવા અમીર લોકો પર વધુ ટેક્સ લાદવાની માગ કરી છે.
3 વર્ષથી નથી મળી રહ્યો આ સવાલનો જવાબ
વર્લ્ડ ઈકોનોમિક ફોરમની દાવોસમાં યોજાયેલી બેઠકમાં કરોડપતિઓ અને અબજોપતિઓએ મળીને વધુ સંપત્તિ પર વધારાનો ટેક્સ લગાવવાની માગ કરી છે. આ અંગે એક ઓપન લેટર ‘પ્રાઉડ ટુ પે’ લખવામાં આવ્યો હતો. જેમાં તેમણે વૈશ્વિક નેતાઓને સંબોધતા લખ્યું કે અમને આશ્ચર્ય થાય છે કે ત્રણ વર્ષથી આ માગ કરવામાં આવી રહી છે તેમ છતાં કોઈની પાસે આ સરળ સવાલનો જવાબ નથી. તમે લોકો ક્યારે અકૂત સંપત્તિને વધારાના ટેક્સના દાયરામાં લાવશો.
વેલ્થ ટેક્સની ઝુંબેશમાં 260 અબજોપતિ અને કરોડપતિ સામેલ
આ પત્રને દાવોસમાં એકઠા થયેલા વૈશ્વિક નેતાઓને સોંપવામાં આવ્યો. જેમાં સુપર રિચ લોકો પર વધારાનો ટેક્સ લાદવાની માગ કરવામાં આવી હતી. આ પત્ર પર વિશ્વના કેટલાક સૌથી અમીર લોકોના હસ્તાક્ષર છે. અમીરો પર વેલ્થ ટેક્સ લાદવાના આ અભિયાનમાં લગભગ 260 અબજોપતિ અને કરોડપતિ સામેલ છે. તેમનું કહેવું છે કે સમગ્ર વિશ્વમાં સામાજિક ભેદભાવ વધી રહ્યો છે. આપણે આ સમસ્યાની ટોચ પર પહોંચી ગયા છીએ. તેનાથી વિશ્વની આર્થિક, સામાજિક અને પર્યાવરણીય સ્થિત ગંભીર પરિસ્થિતિમાં છે. વધારાના કર સાથે અમીરો પાસે પડેલા આ નિષ્ક્રિય નાણાંનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે થઈ શકશે.
અમીરી વિરુદ્ધ આ માગમાં વિશ્વના પ્રખ્યાત નામ સામેલ
સુપર રિચ વિરુદ્ધ આ માગને આગળ વધારનારાઓમાં વલેરી રોકફેલર,એબીગેલ ડિજની અને માર્લેન એંગલહોર્ન જેવા દિગ્ગજ નામ સામેલ છે.